Food Recipe: રોટલી અને પરોઠા સાથે અથવા નાન સાથે જે રેસિપીને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે એ છે કડાઈ પનીર (Kadai Paneer Recipe)…મોટાભાગની રેસ્ટૉરન્ટ્સ અને ઢાબા પર સૌથી વધારે ઓર્ડર કરવામાં આવતી આ રેસીપી છે. પણ ઘરે બનાવીએ તો એની ઘણી વાર મજા આવતી નથી અને ઢાબાનો સ્વાદ પણ નથી મળતો! જો તમે અસ્સલ ઢાબા સ્ટાઈલ કડાઈ પનીર (Dhaba Style Kadai Paneer) ઘરે જ બનાવવા માગતા હો તો અહિં તમને એક વિશેષ રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ. આ ખાસ ગ્રેવીને તૈયાર કરીને તમે અઠવાડિયા માટે ફ્રીઝમાં પણ પ્રિઝર્વ કરી શકો છો, તો ફટાફટ નોંધી લો ઢાબા સ્ટાઈલ કડાઈ પનીરની આ મસ્ત મજાની રેસિપી…
પનીર આપણા શરીરને પ્રોટીન (Protein) પૂરું પાડે છે, વિશેષ બાબત તો એ છે કે આટલા હૅલ્ધી પનીરની આ વાનગી હોવા છતાં એ એટલી તો સ્વાદિષ્ટ બનશે કે તમારા ઘરના બધા જ સભ્યોને ભાવશે. ભારતમાં પનીર ખૂબ જ લોકપ્રિય અને વ્યાપકપણે વપરાતી એક કોમન ડેરી પ્રોડક્ટ છે. તેને ગાય અથવા ભેંસના દૂધને ફાડીને બનાવવામાં આવે છે. આ એક તાજું, નરમ અને ન ઓગળતું ઘન પનીર બનાવવામાં આવે છે. પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે શાકાહારી ખોરાકમાં પનીરનું સ્થાન ઘણું મહત્વનું છે. તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે ફટાફટ પનીરની કોઈ પણ વાનગીને બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો જાણીએ, અસ્સલ ઢાબા સ્ટાઈલ કડાઈ પનીર (Dhaba Style Kadai Paneer)…
શી રીતે બનાવશો ઢાબા સ્ટાઈલ કડાઈ પનીર રેસિપી? (Kadai Paneer Recipe)
કડાઈ પનીર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
2-3 ચમચી તેલ
10-12 લસણની કળીઓ
અડધો ઈંચ આદુનો ટુકડો
8-10 કાજુ
1 ડુંગળી
2-3 ટમેટાં
2 મોટા ચમચા તેલ
200 ગ્રામ પનીર
2 તમાલપત્ર
1 ડુંગળી તથા 1 શિમલા મિર્ચ
કશ્મીરી લાલ મરચું
હળદર
2-3 લીલા મરચાં
1 કપ તાજી મલાઈ અથવા ક્રીમ
તાજી સમારેલી કોથમીર
આવશ્યકતા અનુસાર ગરમ પાણી
સ્વાદાનુસાર મીઠું

કડાઈ પનીરનો મસાલો બનાવવા
4 સૂકા લાલ મરચા
1 ચમચી જીરું
1 ચમચી સૂકા ધાણા
2-3 લવિંગ
1 નાનો ટુકડો તજ
અડધી ચમચી કાળા મરી
અડધી ચમચી વરિયાળી
1 ચમચી કસૂરી મેથી
ચપટી જાયફળ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરીને એમાં 10-12 લસણની કળીઓ અને 1 ઈંચ આદુનો ટુકડો (Garlic-Ginger) ઉમેરી દો.
2. થોડું ફ્રાય કરીને એમાં 8-10 કાજુ (Cashew) ઉમેરી એને હળવા શેકી લો.
3. 1 ડુંગળીને મોટી સમારીને ઉમેરી સાંતળી લો અને 2-3 ટમેટાને પણ મોટા સમારીને ઉમેરી બરાબર ગળવા દો.
4. આ ગ્રેવી ઠંડી કરીને એને મિક્સર જારમાં પીસી લો અને એક બાઉલમાં કાઢી લો.
5. હવે વારો છે કડાઈ પનીરનો સ્પેશ્યલ મસાલો બનાવવાનો…એ માટે 4 સૂકા લાલ મરચાં, જીરું, તજ-લવિંગ, કાળા મરી, વરિયાળી, કસૂરી મેથી અને ચપટી જાયફળ ઉમેરીને મિક્સરમાં મસાલો તૈયાર કરી લો. જો તમે આ ન બનાવવા માગતા હો તો તૈયાર કડાઈ પનીર (Kadai Paneer) અથવા પંજાબી સબ્જીનો મસાલો ઉપયોગમાં લઇ શકો છો.
6. કડાઈમાં 2 ચમચા તેલ ઉમેરી ગરમ કરો અને પનીરના ક્યુબ્સને હળવા ફ્રાય કરીને સોનેરી થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.
7. હવે બાકી બચેલા તાલમાં 2 તમાલપત્ર ઉમેરો અને 1 ડુંગળી તથા શિમલા મિર્ચના મોટા ટુકડા ઉમેરીને હળવા ફ્રાય કરી લો.
8. હવે એમાં તૈયાર કરેલો કડાઈ મસાલા ઉમેરી દો. એમાં થોડું કશ્મીરી લાલ મરચું અને હળદર પણ ઉમેરીને શેકી લો. એમાં તૈયાર ગ્રેવી નાખીને સાંતળી લો.
9. મસાલો અને ગ્રેવી શેકાઈ જાય એટલે એમાં પનીર તથા 2-3 લીલા મરચાં લાંબા સમારીને ઉમેરી દો.
10. આમાં આવશ્યકતા અનુસાર ગરમ પાણી મિક્સ કરીને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને 5 મિનિટ માટે આ સબ્જીને ધીમા તાપે થવા દો.
11. એમાં તાજી મલાઈને ફેંટીને અથવા તો ફ્રેશ ક્રીમ ઉમેરો અને તાજી સમારેલી કોથમીર મિક્સ કરો.
ગૅસ બંધ કરીને 5 મિનિટ આ શાકને ઢાંકીને રાખો…તો તૈયાર છે તમારી મજાની સ્વાદિષ્ટ કડાઈ પનીર સબ્જી (Kadai Paneer)…જેને ખાઈને તમને એ જ ઢાબા જેવો સ્વાદ આવશે! એને ગરમાગરમ બટર રોટી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: વજન ઘટાડવા માટે સ્પેશ્યલ હન્ગ કર્ડ સેન્ડવીચ રેસિપી….દહીંથી બનાવો હૅલ્ધી નાસ્તો…
આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!
