Rajkot News: રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં ઘૂસી કેટલાક શખ્સોએ તોડફોડ (Medical Store Vandalism) કરી હોવાની ઘટના સામે આવી છે. હનુમાન મઢી ચોક નજીક આવેલા દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં દુકાનના કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરા અને અન્ય સાધનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાના દૃશ્યો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
Medical Store Vandalism: દવા લેવા બાબતે શરૂ થયો હતો વિવાદ
મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે દુકાન પર ગ્રાહકોની ભીડ હતી. સ્ટાફ ઓછો હોવાથી એક કાઉન્ટર બંધ રાખવામાં આવ્યો હતો અને અન્ય બે કાઉન્ટર પરથી ગ્રાહકોને દવા આપવામાં આવી રહી હતી.આ દરમિયાન એક ગ્રાહક દવા લેવા આવ્યો હતો. તે જ સમયે એક મહિલા ગ્રાહક પણ ત્યાં હાજર હતી. સ્ટાફ દ્વારા મહિલાને સાઇડમાં ઊભા રહેવા જણાવવામાં આવતાં ગ્રાહક ઉશ્કેરાયો હતો અને સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. સ્ટાફે મામલો વધુ ન વધે તે માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન શખ્સે સ્ટાફને ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
થોડીવારમાં ટોળું લઈને પરત ફર્યાનો આક્ષેપ
મેડિકલ સ્ટોરના સંચાલકના જણાવ્યા પ્રમાણે, શરૂઆતની બોલાચાલી બાદ થોડા સમય પછી એ જ શખ્સ અન્ય પાંચ વ્યક્તિઓ સાથે દુકાન પર આવ્યો હતો. તેમના હાથમાં ધોકા અને લોખંડની પાઇપ હોવાનું જણાવવામાં આવ્યું છે.રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સમયે ટોળું દુકાનમાં પ્રવેશ્યું હતું અને અંદર રહેલા સામાનમાં તોડફોડ શરૂ કરી હતી.
હુમલાખોરોએ દુકાનમાં રહેલી કોમ્પ્યુટર સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ટીવી અને ફર્નિચરને નિશાન બનાવ્યું હોવાનો આક્ષેપ છે. દુકાનમાં રહેલી આશરે 12 કોમ્પ્યુટર સિસ્ટમ અને બે સીસીટીવી કેમેરા સહિત અન્ય સાધનોને નુકસાન થયું હોવાનું જણાવાયું છે.ઘટનાને પગલે દુકાન સંચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે. પોલીસ સમક્ષ સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
મેડિકલ સ્ટોરમાં બનેલી તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ (Rajkot Police) દ્વારા ફૂટેજના આધારે હુમલામાં સામેલ શખ્સોની ઓળખ અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.રૈયા રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં બનેલી આ ઘટનાથી આસપાસના વેપારીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. વેપારીઓ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજકોટમાં હાઇટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મોબાઇલ એપથી સ્ટાર્ટ કરતા હતા કાર
આ પણ વાંચો: રાજકોટ એરપોર્ટ પર 1.72 કરોડના વિદેશી સોનાની દાણચોરીનો પર્દાફાશ, DRIએ મુસાફરની કરી ધરપકડ
આ પણ વાંચો: રાજકોટના કોઠારિયા વિસ્તારમાં 13 વર્ષની કિશોરીએ 11 લાખના દાગીની કરી ચોરી
