Mumbai News : મુંબઈના ઘાટકોપર પૂર્વના ભાજપના MLA પરાગ શાહનો એક અનોખો વીડિયો હાલ ચર્ચામાં છે. કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય અચાનક ભિખારીના વેશમાં સડક પર જોવા મળ્યા હતા. ગંદા-મેલા કપડાં, ચહેરા પર મેકઅપ અને લોકો સામે મદદ માટે લંબાવેલો હાથ જોઈને આસપાસના લોકો પણ તેમને ઓળખી શક્યા નહોતા. પરંતુ સવાલ એ છે કે, કરોડપતિ ધારાસભ્યએ આખરે ભિખારીનો વેશ કેમ ધારણ કર્યો?
3,383 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા MLAનો બદલાયેલો અવતાર

પરાગ શાહ (Parag Shah)સામાન્ય રીતે તેમના રિયલ એસ્ટેટ બિઝનેસ અને કરોડોની સંપત્તિને કારણે ચર્ચામાં રહે છે. 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રજૂ કરાયેલા સોગંદનામા અનુસાર, તેમની કુલ સંપત્તિ 3,383 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું હતું.
આટલી મોટી સંપત્તિ ધરાવતા ધારાસભ્ય જ્યારે ભિખારીના વેશમાં ઘાટકોપરની સડકો પર જોવા મળ્યા, ત્યારે તેમનો વીડિયો (Beggar Video) સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો.
ભિખારી બનીને ઘાટકોપરની સડકો પર પહોંચ્યા
મેકઅપ અને વેશભૂષા બદલીને પરાગ શાહ ઘાટકોપર (Ghatkopar) રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેઓ સામાન્ય લોકો વચ્ચે ભિખારીના વેશમાં બેસ્યા અને લોકો પાસે મદદ માંગી. કોઈ વ્યક્તિએ તેમને મદદ કરી, તો કોઈએ તેમની તરફ ધ્યાન પણ ન આપ્યું. મહત્વની વાત એ હતી કે, લોકોને સામે બેઠેલી વ્યક્તિ કોણ છે તેની જાણ નહોતી. આ સમગ્ર પ્રયોગનો હેતુ સામાન્ય વ્યક્તિ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સમાજનું વર્તન નજીકથી સમજવાનો હોવાનું જણાવાયું છે.
નમ્રમુનિ મહારાજની શીખથી પ્રેરિત પ્રયોગ

આ પ્રયોગ પાછળ જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની શીખ હોવાનું જણાવાયું છે. કાર્યક્રમ દરમિયાન માણસની ઓળખ તેના વ્યક્તિત્વથી થાય છે કે પછી તેના વૈભવ અને સામાજિક દરજ્જાથી—તે અંગે વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચારને પ્રત્યક્ષ અનુભવવા માટે પરાગ શાહે પોતાનો હુલિયો બદલીને જરૂરિયાતમંદ વ્યક્તિની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.
ઓળખ છુપાવીને મળ્યો અલગ અનુભવ
ભિખારીના વેશમાં લોકોને મળ્યા બાદ પરાગ શાહ ફરી પોતાના સામાન્ય વેશમાં એ જ વિસ્તારમાં પહોંચ્યા હતા. બંને પરિસ્થિતિ વચ્ચેનો તફાવત એ હતો કે એક સમયે તેમની પાસે ધારાસભ્ય તરીકેની ઓળખ નહોતી, જ્યારે બીજી વખત લોકો તેમને તેમના મૂળ સ્વરૂપમાં જોઈ રહ્યા હતા. આ પ્રયોગ દ્વારા ગરીબી, ઉપેક્ષા અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સામાન્ય લોકોના વલણને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
પરાગ શાહનો ભિખારીના વેશમાં જોવા મળતો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો આ પ્રયોગને સમાજને સંદેશ આપવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને અલગ પ્રકારના સામાજિક પ્રયોગ તરીકે જોઈ રહ્યા છે. કરોડોની સંપત્તિ ધરાવતા એક ધારાસભ્યનો ભિખારીના વેશમાં સડક પર બેસવાનો આ અનોખો પ્રયોગ હાલ મુંબઈમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: ભિખારીની બેગમાંથી મળ્યા હજારો રૂપિયા! મથુરા રેલ્વે જંક્શનથી મૃત હાલતમાં મળ્યો
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ભિખારીઓની સંખ્યા 22 મિલિયન સુધી પહોંચી, તેઓ દર વર્ષે કમાય છે 42 અબજ રૂપિયા
આ પણ વાંચો: ઈન્દોરમાં મહિલા ભિખારી પાસે 75 હજાર રોકડા જોઈને ઓફિસર સ્તબ્ધ થઈ ગયા, કહ્યું- આ મારી અઠવાડિયાની કમાણી છે
