New Delhi News : 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ (Congress) પોતાના સંગઠનને વધુ સક્રિય અને ચૂંટણીલક્ષી બનાવવાની દિશામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી હોવાના અહેવાલ છે. તાજેતરમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલે આશરે 130 નેતાઓના ઇન્ટરવ્યૂ કર્યા હોવાનું સામે આવ્યું છે. હવે AICCના 64 સચિવોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
130 નેતાઓના ઇન્ટરવ્યૂ બાદ Congressમાં ફેરફારની કવાયત
કોંગ્રેસ (Congress)માં સંગઠનાત્મક ફેરફાર (Organisational reshuffle)ની પ્રક્રિયા હાલ ચર્ચામાં છે. અહેવાલો અનુસાર AICC સચિવ પદ માટે આશરે 130 નેતાઓ સાથે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ હાલના 64 AICC સચિવોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.

15 સપ્ટેમ્બરે યોજાયેલી સમીક્ષા દરમિયાન સચિવોને તેમના સંબંધિત રાજ્યોમાં સંગઠનની સ્થિતિ, કાર્યકરો સાથેનો સંપર્ક અને પક્ષ માટે તેમની ભૂમિકા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ નવા ચહેરાઓને તક આપવા માટે હાલના સચિવોમાંથી આશરે અડધા ચહેરાઓ બદલાઈ શકે છે. જોકે અંતિમ નિર્ણય અને સત્તાવાર યાદી હજુ જાહેર કરવામાં આવી નથી.
ગુજરાતમાં સુરજેવાલાની જવાબદારી, સંગઠન પર નજર
ગુજરાત (Gujarat)માં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તાજેતરમાં સંગઠનાત્મક ફેરફાર (Organisational reshuffle) હેઠળ રંધીપ સિંહ સુરજેવાલાને AICC પ્રભારી બનાવ્યા છે. સુરજેવાલા ગુજરાત ઉપરાંત કર્ણાટકની જવાબદારી પણ સંભાળશે.
કોંગ્રેસે ગુજરાત સાથે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ AICC પ્રભારીઓની જવાબદારીઓમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારોને આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં રાજ્ય સ્તરના સંગઠનને ફરી ગોઠવવાની પ્રક્રિયાના ભાગરૂપે જોવામાં આવી રહ્યા છે.
12 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત દરમિયાન સુરજેવાલાએ સંગઠનને મજબૂત કરવાની અને વિવિધ સામાજિક વર્ગો સુધી પક્ષની પહોંચ વધારવાની જરૂરિયાત અંગે વાત કરી હતી. હવે ગુજરાતમાં સ્થાનિક સ્તરથી લઈને રાજ્ય સંગઠન સુધીની કામગીરી પર પણ ધ્યાન કેન્દ્રિત થવાની શક્યતા છે.
પંજાબમાં પાયલટની એન્ટ્રીથી પણ સંકેત
કોંગ્રેસ (Congress)એ પંજાબમાં પણ મોટો ફેરફાર કર્યો છે. પક્ષે ભૂપેશ બઘેલ (Bhupesh Baghel)ની જગ્યાએ સચિન પાયલટને AICC પ્રભારી બનાવ્યા છે. બઘેલને હવે આસામની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફાર 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં કરવામાં આવ્યો છે.
પંજાબ કોંગ્રેસમાં આંતરિક મતભેદોની ચર્ચા વચ્ચે આ ફેરફાર કરવામાં આવ્યો હતો. પાયલટે રાજ્યમાં પક્ષના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે અને તાજેતરમાં કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં પણ જોડાયા હતા.
આ તમામ ફેરફારો વચ્ચે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કોંગ્રેસમાં થનારો સંગઠનાત્મક ફેરફાર માત્ર નેતાઓના હોદ્દા બદલવા પૂરતો રહેશે કે પક્ષની કામગીરીની પદ્ધતિમાં પણ ફેરફાર જોવા મળશે. હાલ 64 AICC સચિવોની સમીક્ષા અને નવા ચહેરાઓની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. અંતિમ નિર્ણય બાદ કોંગ્રેસના સંગઠનનું નવું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: રાજ્યમાં પાણીની અછતને લઈ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર સાધ્યુ નિશાન
