World News/ શારજાહમાં કર્નાટકના નાગરિકની નિર્મમ હત્યા: 2 મહિના બાદ કારમાંથી મળ્યા મૃતદેહના 9 ટુકડા

શારજાહમાં (Sharjah Murder) 14 વર્ષથી કામ કરતા કર્નાટકના અલ્વિન પ્રકાશ કુંદરની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કારમાં ફેંકી દેવાયાનો 2 મહિના બાદ ખુલાસો થયો છે. પત્ની અને પુત્ર પણ લાપતા છે.

international Top Stories World
Sharjah Murder Bodies found in the car

World News  : સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શારજાહ શહેર (Sharjah Murder)થી એક અત્યંત દર્દનાક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મૂળ કર્નાટકના ઉડુપીના વતની અને છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર ફરજ બજાવતા અલ્વિન પ્રકાશ કુંદર (Alvin Prakash Kundar)નામના શખ્સની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આશરે બે મહિના પૂર્વે જુલાઈ માસમાં બનેલી આ ઘટનાનો ખુલાસો હવે થયો છે, જેમાં ઓમાન જવાના રસ્તા પર પાર્ક કરેલી એક શંકાસ્પદ કારમાંથી અલ્વિનના મૃતદેહના 9 ટુકડા ભરેલી બે થેલીઓ મળી આવી હતી.

Sharjah Murder : ફોન કોલ, બોગસ મેસેજ અને ગુમશુદગીનું રહસ્ય

મૃતકના ભાઈ અનિલ પ્રશાંત કુંદરે આપેલી માહિતી મુજબ, 20 જુલાઈના રોજ અલ્વિનને ફોન કરવા છતાં તેણે ઉપાડ્યો નહોતો અને માત્ર “હું બરાબર છું” નો મેસેજ આવ્યો હતો. સતત શંકા જતાં અનિલે શારજાહમાં રહેતા અલ્વિનના મિત્રનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં કંપનીના એચઆર અને ફ્લેટના વોચમેને અલ્વિન ભારત જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ, પરિવારજનોની વિનંતી બાદ પાસપોર્ટનું ચેકિંગ કરતાં જાણવા મળ્યું કે અલ્વિને ક્યારેય શારજાહ છોડ્યું જ નહોતું. જે બાદ સ્થાનિક પોલીસમાં ગુમશુદગીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પત્ની અને પુત્ર લાપતા

તપાસ દરમિયાન કારમાંથી 2 બેગમાં ભરેલા અલ્વિનના મૃતદેહના 9 ટુકડા મળતાં ખળભળાટ મચી ગયો હતો. સોમવારે પીએમ રિપોર્ટ(Postmortem Report) મળ્યા બાદ પરિવારે ઉડુપી પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી છે. અલ્વિનની પત્ની ટીના (શાળાના શિક્ષિકા) અને 10 મા ધોરણમાં ભણતો પુત્ર પણ હાલમાં લાપતા છે. સીસીટીવી ફૂટેજમાં બે પુરુષો અને એક મહિલા બિલ્ડિંગમાંથી બહાર નીકળતાં જોવા મળ્યા છે. આ પ્રકારની નિર્મમ હત્યા કોઈ પ્રોફેશનલ ગુનેગારનું કામ હોવાની શંકા સાથે યુએઈ પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટો ધડાકો: બંધ કારમાંથી મળી આવ્યા બે પોલીસકર્મીઓના મૃતદેહ

આ પણ વાંચો :રૂપિયા 2700 ની કેન્સરની દવાની MRP રૂ.27000 ! દર્દીઓ સાથેની ખુલ્લી લૂંટ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

આ પણ વાંચો :ભારતમાં 17 વર્ષમાં સૌથી ઓછો ચોમાસુ વરસાદ! 15% ઘટ, બિહાર-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ચિંતા