Gujarat NEWS: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સાથે જોડાયેલા પ્રોજેક્ટને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. PMJVK પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર (PI) તરીકે કાર્યરત નીરજા ગુપ્તાએ હવે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી 16.53 કરોડથી વધુ રકમ તેમના નામે ખોલાયેલા ખાતામાં જમા થઈ હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. આમાંથી આશરે 14 કરોડ રૂપિયા ગુજરાત યુનિવર્સિટીને પરત કરવામાં આવ્યા છે.
16.53 કરોડની ગ્રાન્ટમાંથી 14 કરોડ યુનિવર્સિટીને પરત
PMJVK પ્રોજેક્ટ માટે કુલ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. પ્રથમ તબક્કામાં 16 કરોડથી વધુની રકમ મળી હતી. આ રકમ એવા બેંક ખાતામાં જમા થઈ હતી, જેની સાથે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું નામ જોડાયેલું હતું. વિવાદ બાદ તેમણે રજિસ્ટ્રારને ઈ-મેલ મારફતે PMJVKના PI પદેથી રાજીનામું મોકલ્યું છે. સાથે જ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે આશરે 14 કરોડ રૂપિયા યુનિવર્સિટીને પરત કરવામાં આવ્યા છે.
બાકી રકમના હિસાબ અંગે તપાસ
યુનિવર્સિટી તંત્રના જણાવ્યા પ્રમાણે આશરે 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ રકમ ક્યાં અને કયા હેતુસર ખર્ચાઈ તેની વિગતો તથા ઓડિટ સ્ટેટમેન્ટ રજૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ પણ હિસાબ રજૂ ન થયો હોવાની વાત પણ સામે આવી છે.
અન્ય બે પ્રોજેક્ટમાં હજુ PI તરીકે કાર્યરત
વિવાદ વચ્ચે નીરજા ગુપ્તા હજુ બે અન્ય પ્રોજેક્ટ સાથે PI તરીકે જોડાયેલા હોવાનું જણાવાયું છે. તેમાં IDSRનું બ્રેન મેપિંગ લેબ અને બહુ રત્ના વસુંધરા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બ્રેન મેપિંગ લેબમાં નીરજા ગુપ્તાને 24.98 લાખ અને રજિસ્ટ્રાર પિયુષ પટેલને 3.20 લાખ મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટીએ અન્ય પદો અંગે પણ સ્પષ્ટતા માગી
ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીના જણાવ્યા મુજબ કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે અન્ય હોદ્દાઓ અંગે પણ જરૂરી કાર્યવાહી થવી જોઈએ. જોકે હાલ PMJVK પ્રોજેક્ટમાંથી રાજીનામું મળ્યું છે, જ્યારે અન્ય બે પ્રોજેક્ટમાંથી રાજીનામું મળ્યું હોવાની માહિતી સામે આવી નથી.
