Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત! 100થી વધુ વિદ્યાર્થિનીઓનો હોબાળો

ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel)માં ભોજનમાંથી જીવાત નીકળ્યાના આક્ષેપ બાદ 100થી વધુ વિદ્યાર્થિનીઓનો વિરોધ, એક વિદ્યાર્થિનીની તબિયત લથડી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Samaras Girls Hostel: 800 વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સામે સવાલ

Ahmedabad News: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel)માં ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, ભોજન લીધા બાદ એક વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ બહાર એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો.

100થી વધુ વિદ્યાર્થિનીઓ ધરણા પર બેઠી

ભોજનની ગુણવત્તાને લઈને નારાજ વિદ્યાર્થિનીઓમાંથી 100થી વધુ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલની બહાર ધરણા પર બેઠી હોવાનું જાણવા મળ્યું છે. આ વિરોધમાં ABVPના કાર્યકરો પણ જોડાયા હતા. વિદ્યાર્થિનીઓ દ્વારા વોર્ડનની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન ‘વોર્ડન તુમ એક કામ કરો, ખુરશી છોડો આરામ કરો’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓ અને ABVP દ્વારા મેનેજમેન્ટને સ્થળ પર બોલાવીને ભોજનની ગુણવત્તા અંગે જવાબ માંગવામાં આવ્યો હતો.

Samaras Girls Hostel
Samaras Girls Hostel

Samaras Girls Hostelમાં 800 જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે

મળતી માહિતી પ્રમાણે, સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel)માં આશરે 800 વિદ્યાર્થિનીઓ રહે છે. હોસ્ટેલમાં ભોજન પૂરું પાડવાની કામગીરી ‘પ્રમુખ ભોજન’ નામની એજન્સીને સોંપવામાં આવી છે. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં લાંબા સમયથી ભોજનની ગુણવત્તાને લઈને સમસ્યાઓ સામે આવી રહી છે અને અગાઉ પણ ભોજનમાંથી જીવાત નીકળવાની ફરિયાદો કરવામાં આવી હતી.

4 વખત નોટિસ છતાં સમસ્યા યથાવત હોવાનો આક્ષેપ

વિદ્યાર્થિનીઓના જણાવ્યા પ્રમાણે, ભોજનની ગુણવત્તા અને ભોજનમાંથી જીવાત નીકળવા અંગે અગાઉ પણ વોર્ડન સમક્ષ ફરિયાદો કરવામાં આવી હતી. ફરિયાદ બાદ સંબંધિત એજન્સીને નોટિસ આપવામાં આવતી હતી, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો ન હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. અત્યાર સુધીમાં એજન્સીને ચાર વખત નોટિસ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમ છતાં કડક કાર્યવાહી ન થવાને કારણે આવી ઘટનાઓ ફરીથી બની રહી હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે.

Samaras Girls Hostel
Samaras Girls Hostel

વિદ્યાર્થિનીઓમાં રોષ

સરકારી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ભોજન મળવું જોઈએ તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. તાજેતરની ઘટનામાં એક વિદ્યાર્થિનીની તબિયત લથડ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. હાલ સમગ્ર મુદ્દે હોસ્ટેલ મેનેજમેન્ટ અને સંબંધિત સત્તાધિકારીઓ તરફથી સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. ભોજનના સેમ્પલની તપાસ અને ઘટનાની સત્તાવાર વિગતો સામે આવ્યા બાદ હકીકત વધુ સ્પષ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો:ભાવનગર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો: ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો:રાજકોટનીસમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો આક્રોશ, ભોજનની નબળી ગુણવત્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જીવાત નીકળતા હોબાળો