Breaking News: સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલા કાપડ બજારમાં ફરી એકવાર આગ (Surat Textile Market Fire) લાગવાની ઘટના સામે આવી છે. સારોલીની સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે અચાનક આગ ભભૂકી ઊઠતા સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ માર્કેટ દરમિયાન આગ લાગતા વેપારીઓ, કર્મચારીઓ અને ખરીદી માટે આવેલા ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ હતી.
સંગીની હબ-2ના પહેલા માળે આગ
પ્રાથમિક માહિતી પ્રમાણે, સારોલી વિસ્તારમાં આવેલી સંગીની હબ-2 માર્કેટના પહેલા માળે અચાનક ધુમાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ આગે (Surat Textile Market Fire) ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. માર્કેટમાં કાપડનો મોટો જથ્થો હોવાથી આગની સાથે ધુમાડો પણ ઝડપથી ફેલાયો હતો. ઘટનાને પગલે માર્કેટમાં હાજર લોકો સલામત સ્થળે જવા માટે બહાર દોડી આવ્યા હતા.
Surat Textile Market Fire: ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ દોડી
આગની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક સંગીની હબ-2 માર્કેટ ખાતે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે અલગ-અલગ દિશામાંથી પાણીનો મારો શરૂ કર્યો હતો. આગ અન્ય દુકાનો તેમજ માર્કેટના ઉપરના માળ સુધી ન ફેલાય તે માટે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કાપડના માલસામાનને નુકસાનની આશંકા
માર્કેટમાં મોટી સંખ્યામાં કાપડનો જથ્થો હોવાથી આગ (Surat Textile Market Fire)ને કારણે માલસામાનને નુકસાન થયું હોવાની આશંકા છે. જોકે, નુકસાનની ચોક્કસ રકમ અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો. ધુમાડાની અસરને કારણે ફાયર જવાનોની કામગીરીમાં પણ શરૂઆતમાં મુશ્કેલી ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
શોર્ટ સર્કિટની આશંકા
પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગનું ચોક્કસ કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સદનસીબે, હાલની માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
કૂલિંગની કામગીરી હાથ ધરાઈ
ફાયર બ્રિગેડ દ્વારા આગ (Surat Textile Market Fire) પર કાબૂ મેળવવા સાથે કૂલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. કાપડમાં આગ ફરીથી ન ભભૂકે તે માટે અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીનો મારો ચલાવીને સંપૂર્ણ કૂલિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તેની તપાસ ચાલી રહી છે. ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ આગની ઘટના અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો: સુરત આગ દુર્ઘટના: વિદ્યાર્થિની કૃતિનું કરુણ મોત, ધો.12 ના પરિણામ સાથે જ નીકળી અંતિમયાત્રા
આ પણ વાંચો: સુરતના લિંબાયતમાં આગનો તાંડવ! મીઠીખાડીના કચરાના પ્લાન્ટમાં ભભૂકી આગ
આ પણ વાંચો: સુરત શ્યામ સંગિની માર્કેટ આગકાંડ: 10 હજારના વિવાદમાં 24 કરોડનું નુકસાન, પૂર્વ એકાઉન્ટન્ટ ઝડપાયો
