Nadiad News/ ફરિયાદીની કંપનીનો પૂર્વ કર્મી નીકળ્યો લૂંટનો માસ્ટરમાઈન્ડ, કરોડોના સોનાની લૂંટનો આરોપી ઝડપાયો

નડિયાદ રેલવે સ્ટેશન પર 3.70 કરોડના સોનાની લૂંટ (Gold Robbery)કરનાર 4 આરોપીને વિરમગામ પોલીસે ઝડપી લીધા.

Gujarat Others Breaking News
gold robbery

Nadiad News: નડિયાદ રેલવે સ્ટેશન પર વેપારીને (Gold Robbery) લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ. હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાંથી ઉતરેલા વેપારી પાસેથી 3.70 કરોડની કિંમતનું 2.7 કિલો સોનું લૂંટીને (Gold Robber)ફરાર થયેલા 4 લૂંટારાઓને પોલીસે વિરમગામ નજીકથી માત્ર 3 કલાકમાં ઝડપી લીધા છે. લૂંટનો મુખ્ય સૂત્રધાર ફરિયાદીની કંપનીનો જ પૂર્વ કર્મચારી નીકળ્યો છે.

ઓપરેશન દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ (Viramgam Police)મથકના PI એસ. એ. ગઢવી ચાલુ કારે 500 મીટર સુધી ઢસડાયા હતા, છતાં તેમણે હિંમત દાખવી આરોપીઓને દબોચી લીધા હતા.

 Gold Robbery કરી ફરાર

પોલીસના જણાવ્યા મુજબ, ગઈકાલે (3 ઓક્ટોબર) બપોરે આશરે 1 વાગ્યાના સુમારે નડિયાદ રેલવે સ્ટેશન (Nadiad Railway Station)પર લૂંટની ઘટના બની હતી. ‘ગ્રો મોર બુલિયન્સ’ કંપનીમાં કામ કરતા ફરિયાદી ભરત ચૌધરી કોલકાતાથી 2.7 કિલોગ્રામ સોનાની ચેન લઈને નડિયાદ આવી રહ્યા હતા.

તેઓ સ્ટેશન પર ઉતર્યા કે તરત 4 અજાણ્યા શખસો તેમની પાસેનું 3.70 કરોડનું સોનું આંચકીને કારમાં ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ સમયસૂચકતા વાપરી લૂંટારાઓની કારનો ફોટો પાડી રેલવે પોલીસને જાણ કરી હતી.

50થી વધુ પોલીસકર્મીઓ એક્શનમાં

રેલવે પોલીસે સ્ટેટ કંટ્રોલ રૂમને જાણ કરતાં જ પશ્ચિમ રેલવે પોલીસ, અમદાવાદ ગ્રામ્ય LCB, વિરમગામ ટાઉન અને માંડલ પોલીસ સ્ટેશનની ટીમો ઍલર્ટ થઈ ગઈ હતી. 50થી વધુ પોલીસકર્મીઓએ લૂંટારાઓના સંભવિત ભાગવાના રૂટ પર નાકાબંધી ગોઠવી હતી.

LCBની ટીમે બાતમીદાર નેટવર્કની મદદથી લૂંટારાઓની કાર ટ્રેસ કરી હતી. પોલીસે સૌપ્રથમ ખોરજ નજીક હાઈવે બ્લોક કરીને નંબર વગરની કાર અટકાવી 1 આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછના આધારે નીલકી ગામ પાસે બીજી કારને આંતરવાનો પ્રયાસ કરાયો હતો.

PI ગઢવી 500 મીટર સુધી ઢસડાયા

નીલકી ગામ પાસે આરોપીઓએ કાર રિવર્સમાં લઈને પોલીસના વાહનને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે વિરમગામ ટાઉન PI એસ. એ. ગઢવી (PI Gadhvi)એ લૂંટારાઓની કારનો દરવાજો પકડી રાખ્યો હતો. આરોપીઓએ ગાડી ભગાડતાં PI ગઢવી લગભગ 500 મીટર સુધી રોડ પર ઢસડાયા હતા. તેમ છતાં હિંમત હાર્યા વગર તેમણે ચાલુ કારમાં પ્રવેશી ઇમરજન્સી બ્રેક મારી, સ્ટીરિંગ પર કાબૂ મેળવી ગાડી રોકી દીધી હતી.

પૂર્વ કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

લૂંટનો મુખ્ય સૂત્રધાર સાવન ચૌધરી અગાઉ ફરિયાદીની કંપની ‘ગ્રો મોર બુલિયન્સ’માં જ નોકરી કરતો હતો. એટલે તેને ફરિયાદી ભરતની મુસાફરી, ટ્રેન, બોગી અને સોનાની હેરફેરની તમામ પેટર્નની ખબર હતી. નોકરી છોડ્યા બાદ દિયોદરમાં પાન પાર્લર ચલાવતા સાવને અન્ય 3 સાથીદારો સાથે મળીને છેલ્લા 4 મહિનાથી લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. ઘટનાના દિવસે ટ્રેનનું ઓનલાઈન લોકેશન ટ્રેક કરી, રેકી કરીને તેઓ લૂંટ કરવા પહોંચ્યા હતા.

3.76 કરોડનો મુદ્દામાલ રિકવર

પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી લૂંટેલું સોનું, 5 મોબાઈલ ફોન, રોકડ રકમ અને 2 કાર મળીને કુલ ₹3,76,69,751નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે તમામ આરોપીઓ તથા મુદ્દામાલ વેસ્ટર્ન રેલવે GRP પોલીસને સોંપવામાં આવ્યા છે.


આ પણ વાંચો: જમાલપુર બ્રિજ નીચે ટ્રાફિક જામ વચ્ચે લૂંટ, છરી બતાવી બે તેલના ડબ્બા લૂંટ્યા

આ પણ વાંચો: રાજકોટમાં આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટ, હથિયારધારી બે શખ્સો રોકડ ભરેલો થેલો લઈ ફરાર

આ પણ વાંચો: રાજકોટમાં કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો: મધ્યપ્રદેશમાંથી 3 લૂંટારુઓ ઝડપાયા, 41 લાખનો મુદ્દામાલ રિકવર