Bharuch News : ભરૂચ શહેરમાં બનેલી ડબલ મર્ડર (Double Murder)ની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. એક જ પરિવાર સાથે જોડાયેલી બે મહિલાઓની નિર્મમ હત્યાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપીએ પોતાની પુત્રવધૂ અને ત્યારબાદ તેની માતાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ અબ્બાસ જનોરવાલા (Jainul Abbas Janorwala)એ સૌથી પહેલા પોતાની પુત્રવધૂ અલીફિયા યુસુફ જનોરવાલા (Alifiya Janorwala) પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ક્રૂર હતો કે અલીફિયાના શરીર પર આશરે 44 ઘા મારવામાં આવ્યા હતા. અલીફિયા ભરૂચના જાણીતા તબીબ ડૉ. યુસુફ જનોરવાલાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે.
પુત્રવધૂની હત્યા કર્યા બાદ આરોપી સીધો વ્હોરવાડ વિસ્તારમાં પહોંચ્યો હતો. અહીં અલીફિયાની માતા શહેનાઝબેન નમકવાલા પોતાના ઘરે એકલા હતા. આરોપીએ તેમના પર પણ જીવલેણ હુમલો કરીને હત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શહેનાઝબેનના શરીર પર આશરે 23 ઘા જોવા મળ્યા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બંને મહિલાઓના મોત થયા બાદ પણ આરોપી હુમલો કરતો રહ્યો હતો. આ બાબતથી હત્યાકાંડની ક્રૂરતા વધુ સ્પષ્ટ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આરોપી ભારે ગુસ્સામાં હતો અને તેણે સતત ચપ્પુ વડે હુમલા કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ અને છૂટાછેડાને લઈને ચાલતા મતભેદો હત્યાનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક અલીફિયા સામે ખોટા આક્ષેપો મૂકી તેના પર દબાણ કરવામાં આવતું હોવાની પણ ચર્ચા છે. જોકે, પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
ઘટના પહેલાં આરોપીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી, જે પોલીસને મળી આવી છે. બંને હત્યાઓ બાદ આરોપીએ પોતાના ગળા, હાથ અને પગ પર ઇજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં હાલ પોલીસ કસ્ટડી હેઠળ તેની સારવાર ચાલી રહી છે.
ઘટનાસ્થળેથી પોલીસે ચાર છરી અને એક કુહાડી સહિતના હથિયારો કબજે કર્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ડબલ મર્ડર ((Double Murder))ની ઘટનાએ ભરૂચ શહેરમાં શોક અને અરેરાટીનું વાતાવરણ સર્જ્યું છે. એક જ પરિવારની બે મહિલાઓના કરૂણ મોતથી પરિવારજનો અને સમાજમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે.
