Ahmedabad News/ અમદાવાદના SP રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી! 31 દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

SP Ring Road Ahmedabad: અમદાવાદના નાના ચિલોડા નજીક SP રિંગ રોડ પર મનપાએ 31 ગેરકાયદે દબાણો દૂર કર્યા. 1 હિટાચી અને 2 JCBની મદદથી 900 મીટર સર્વિસ રોડ ખુલ્લો કરાયો.

Gujarat Top Stories Ahmedabad
SP Ring Road Ahmedabad: નાના ચિલોડા પાસે 31 દબાણો હટાવ્યા, 900 મીટર સર્વિસ રોડ ખુલ્લો

Ahmedabad News: અમદાવાદમાં વધતા ટ્રાફિકને હળવો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી (SP Ring Road Ahmedabad) શરૂ કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એસપી રિંગ રોડ પર નાના ચિલોડા સર્કલ નજીક મનપાના ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન સર્વિસ રોડ પર આવેલા કુલ 31 કાચા-પાકા અને કોમર્શિયલ દબાણો દૂર (Demolition) કરવામાં આવ્યા હતા.

SP Ring Road Ahmedabad: 900 મીટરનો સર્વિસ રોડ કરાયો ખુલ્લો

નાના ચિલોડા (Nana Chiloda) નજીક એસપી રિંગ રોડના સર્વિસ રોડ પર લાંબા સમયથી ખાણીપીણીની લારીઓ સહિત વિવિધ પ્રકારના નાના-મોટા કોમર્શિયલ બાંધકામો ઊભા થઈ (SP Ring Road Encroachment) ગયા હતા. આ દબાણોને કારણે સર્વિસ રોડનો ઉપયોગ મુશ્કેલ બન્યો હતો અને મુખ્ય માર્ગ પર પણ ટ્રાફિકનું ભારણ વધતું હતું.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે 5 ઓક્ટોબરની સવારે કાર્યવાહી કરી હતી. એક હિટાચી અને બે જેસીબી મશીનની મદદથી આશરે 900 મીટર વિસ્તારમાં આવેલા નડતરરૂપ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.

31 દબાણો પર તંત્રની કાર્યવાહી

મનપાની કાર્યવાહી દરમિયાન સર્વિસ રોડ પર આવેલા કુલ 31 ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે. તંત્રનો હેતુ સર્વિસ રોડને સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો અને રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે.

એસપી રિંગ રોડ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ત્યારે સર્વિસ રોડ ખુલ્લો થતાં સ્થાનિક વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે તેનો ઉપયોગ કરવામાં સરળતા રહે તેવી શક્યતા છે.

અદાણી સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો

બીજી તરફ એસપી રિંગ રોડ પર રામોલ અને વસ્ત્રાલ તરફ જતા વાહનચાલકો માટે મુશ્કેલી (Ramol Vastral Diversion) ઊભી થઈ છે. અદાણી સર્કલ નજીક મુખ્ય માર્ગને અડીને મોટો ભૂવો પડતાં તંત્ર દ્વારા સ્થળને બેરિકેડથી કોર્ડન કરવામાં આવ્યું છે.ભૂવાના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું ન થાય અને અકસ્માત ટાળી શકાય તે માટે તાત્કાલિક સુરક્ષાત્મક વ્યવસ્થા કરવામાં આવી છે.

રામોલ-વસ્ત્રાલ તરફ જતા વાહનો માટે ડાયવર્ઝન

અદાણી સર્કલ પાસે પડેલા ભૂવાને કારણે નેશનલ હાઇવે ઓથોરિટી અને ઓડાએ રામોલ-વસ્ત્રાલ તરફ અવરજવર કરતા વાહનો માટે ડાયવર્ઝન જાહેર કર્યું છે. મહત્વના માર્ગ પર અચાનક માર્ગ બદલાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન આ (SP Ring Road Ahmedabad) વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે. તંત્ર દ્વારા ભૂવાનું સમારકામ ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને વાહનવ્યવહાર સામાન્ય ક્યારે થશે તેના પર હવે વાહનચાલકોની નજર છે.

એક તરફ દબાણ હટાવાયું, બીજી તરફ ડાયવર્ઝનથી ટ્રાફિકનો પડકાર

નાના ચિલોડા પાસે મનપાની કાર્યવાહીથી 900 મીટરનો સર્વિસ રોડ ખુલ્લો થયો છે, જ્યારે અદાણી સર્કલ પાસે ભૂવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આમ, એસપી રિંગ રોડના અલગ-અલગ વિસ્તારોમાં એક તરફ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ માર્ગ પરની સમસ્યાને કારણે વાહનવ્યવહારનું આયોજન કરવું પડી રહ્યું છે.


આ પણ વાંચો: રાજકોટમાં 18 વર્ષ બાદ વેપારીઓને ન્યાય: મનપાનું 2008નું ડિમોલિશન ગેરકાયદે, વૈકલ્પિક જગ્યા આપવા હુકમ

આ પણ વાંચો: AMCના નામે ‘ભૂતિયા ડિમોલિશન’નો ખેલ? 3 દુકાનો તૂટી, બે સામે પોલીસ ફરિયાદ

આ પણ વાંચો: અમદાવાદ ‘ભૂતિયા ડિમોલિશન’ મામલે મેયરનું મોટું નિવેદન, મનપાના નામે કાર્યવાહી કરનાર સામે પગલાં