Rajkot News: રાજકોટના જંક્શન મેઈન રોડ પર વર્ષ 2008માં થયેલા ડિમોલિશન (Rajkot RMC Demolition Case) મામલે 18 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. રાજકોટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ V.D. મોડની અદાલતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ડિમોલિશન (Rajkot RMC Demolition Case)ની કાર્યવાહી સામે ચુકાદો આપતા તેને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ અને ગેરકાયદેસર ઠેરવી છે. સાથે જ અસરગ્રસ્ત વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદો સામે આવતા લાંબા સમયથી કાનૂની લડત લડી રહેલા વેપારીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વેપારીઓ મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં એકત્ર થયા હતા.
Rajkot RMC Demolition Case: 31 જાન્યુઆરી 2008ના રોજ રાતોરાત ડિમોલિશન
મળતી વિગતો પ્રમાણે, રાજકોટના રેલવે જંક્શન રોડ એટલે કે જંક્શન મેઈન રોડ પર 31 જાન્યુઆરી 2008ના રોજ રાજકોટ મનપા દ્વારા ડિમોલિશન (Rajkot RMC Demolition Case)ની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આશરે 82 દુકાનો અને કેબિનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. વેપારીઓનો આક્ષેપ હતો કે તેમને યોગ્ય નોટિસ આપ્યા વિના રાતોરાત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ અનેક નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. વિભાજનના સમયગાળા દરમિયાન નિરાશ્રિત બનીને આવેલા પરિવારોના વેપારીઓને પોતાના જ દેશમાં ફરી એક વખત રોજગાર અને વ્યવસાય ગુમાવવાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
2 ફેબ્રુઆરી 2008એ કોર્ટમાં પહોંચ્યા
મનપાની કાર્યવાહી સામે અસરગ્રસ્ત વેપારીઓએ હાર ન માની અને કાનૂની લડત શરૂ કરી. વેપારીઓએ એડવોકેટ K.D. શાહ મારફતે 2 ફેબ્રુઆરી 2008ના રોજ સિવિલ સૂટ દાખલ કર્યો હતો. ત્યારથી શરૂ થયેલી કાનૂની લડત લગભગ 18 વર્ષ સુધી ચાલી. લાંબા સમય સુધી ચાલેલા આ કેસમાં અંતે અદાલતે મનપાની ડિમોલિશન (Rajkot RMC Demolition Case) કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.
કોર્ટે ડિમોલિશનને ગેરકાયદેસર ઠેરવ્યું
આ ચુકાદા અંગે એડવોકેટ K.D. શાહે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા જંક્શન મેઈન રોડ પર નાના વેપારીઓની દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. વેપારીઓ તરફથી આ કાર્યવાહી સામે સિવિલ કેસ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અદાલતે વેપારીઓના દાવાઓને અંશતઃ મંજૂર કરીને મનપાનું ડિમોલિશન ગેરકાયદેસર ઠેરવ્યું છે. વેપારીઓએ રોડ પર દબાણ અથવા એન્ક્રોચમેન્ટ કર્યું હોવાનો કોર્પોરેશનનો દાવો કોર્ટમાં સાબિત થયો નથી. અદાલતે અસરગ્રસ્ત વેપારીઓને લીગલ ભાડૂઆત તરીકે સ્વીકારીને વૈકલ્પિક જગ્યા ફાળવવાનો હુકમ કર્યો હોવાનું જણાવાયું છે.
18 વર્ષની લડાઈમાં 30થી વધુ વેપારીઓનાં મોત
આ કેસની સૌથી કરુણ બાબત એ છે કે 18 વર્ષ દરમિયાન અનેક અસરગ્રસ્ત વેપારીઓ ન્યાયની રાહ જોતા રહ્યા. વેપારીઓના જણાવ્યા મુજબ, ડિમોલિશન (Rajkot RMC Demolition Case) બાદ સર્જાયેલી આર્થિક તંગી, રોજગાર ગુમાવવાથી થયેલી પાયમાલી અને માનસિક આઘાત વચ્ચે 30થી વધુ અસરગ્રસ્ત વેપારીઓનાં મૃત્યુ થયા હતા. આ ઉપરાંત, એક વેપારીએ આર્થિક અને માનસિક પરિસ્થિતિ વચ્ચે આપઘાત કરી લીધો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 82 અસરગ્રસ્ત વેપારીઓમાંથી આર્થિક મુશ્કેલીઓ વચ્ચે માત્ર 36 જેટલા વેપારીઓ જ કાનૂની લડત ચાલુ રાખી શક્યા હતા.
વૈકલ્પિક જગ્યા આપવાના ઠરાવો છતાં અમલ થયો નહોતો
વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવા માટે અગાઉ પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. વર્ષ 1990, 2012 અને 2013માં કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવા અંગે ઠરાવો કરવામાં આવ્યા હોવા છતાં તેનો અમલ થયો ન હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. આથી વર્ષોથી પીડિત વેપારીઓ પોતાના વ્યવસાય અને યોગ્ય પુનર્વસનની રાહ જોઈ રહ્યા હતા.
‘પોતાના દેશમાં ફરી નિરાશ્રિત થવું પડ્યું’
જંક્શન રોડના વેપારી કાથડભાઈ ડાંગરે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડિમોલિશન (Rajkot RMC Demolition Case) સમયે સૌથી વધુ પીડાદાયક બાબત એ હતી કે તેમના પૂર્વજો વિભાજન સમયે નિરાશ્રિત બનીને આવ્યા હતા અને ત્યારબાદ પોતાના જ દેશમાં ફરીથી નિરાશ્રિત થવાની સ્થિતિ સર્જાઈ હતી. હવે 18 વર્ષ બાદ અદાલતે મનપાની કાર્યવાહી ગેરકાયદેસર ઠેરવતા વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ચુકાદા બાદ વેપારીઓમાં ખુશી
લાંબી કાનૂની લડત બાદ અદાલતનો ચુકાદો આવતા અસરગ્રસ્ત વેપારીઓ અને તેમના પરિવારોમાં રાહતની લાગણી છે. કોર્ટના આદેશ મુજબ હવે પીડિત વેપારીઓને વૈકલ્પિક જગ્યા મળવાનો માર્ગ ખુલ્યો છે. 2008માં બુલડોઝરથી શરૂ થયેલી કાર્યવાહી સામે 18 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડત બાદ આવેલા આ ચુકાદાને વેપારીઓ માટે મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:રાજકોટના સુપેડી ગામે દબાણ હટાવવાની કાર્યવાહી, 20 દુકાનો પર JCB ફરી વળતાં વેપારીઓમાં રોષ
આ પણ વાંચો:રાજકોટમાં એગ્રો વેપારી સાથે ક્રિપ્ટોકરન્સી રોકાણના નામે 40.78 લાખની ઓનલાઇન છેતરપિંડી
આ પણ વાંચો:રાજકોટના પ્રખ્યાત બાંધણી માર્કેટમાં રસ્તો પાથરણાવાળા સામે વેપારીઓનો આક્રોશ
