Gujarat News/ ગુજરાતમાં 10 હજાર મહેસૂલ કર્મચારી હડતાળ પર, કામકાજ ઠપ્પ!

કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર દ્વારા તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ (Strike)શરૂ કરવામાં આવશે

Gujarat Others
ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ (Strike)ના કારણે સરકારી કચેરીઓનું કામકાજ પ્રભાવિત થયું છે.

Gujarat News : ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ (Strike)ના કારણે સરકારી કચેરીઓનું કામકાજ પ્રભાવિત થયું છે. રાજ્યભરના 10 હજારથી વધુ મહેસૂલ કર્મચારીઓ આજે 5 ઓક્ટોબરે સામૂહિક રજા (Mass CL) પર ઉતરી ગયા છે. પ્રમોશન, ફિક્સ પે, બદલી સહિતની 14 પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓએ આ નિર્ણય લીધો છે.

14 માંગણીઓ મુદ્દે હડતાળ

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના નેજા હેઠળ રેવન્યુ ક્લાર્ક, તલાટી (Talati Strike) અને નાયબ મામલતદારો સહિતના કર્મચારીઓ હડતાળ (Revenue Employees Strike)માં જોડાયા છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં રેવન્યુ તલાટીના જોબ ચાર્જની વિસંગતતા દૂર કરવી, પૂરતું મહેકમ ફાળવવું, 2015માં પ્રમોશન મેળવી અન્ય જિલ્લામાં ગયેલા ક્લાર્કને મૂળ જિલ્લામાં પરત મોકલવા સહિતના મુદ્દાઓ સામેલ છે.

આ ઉપરાંત 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોને ‘ડીમ્ડ ડેટ’નો લાભ આપવા અને 2025માં તૈયાર કરાયેલી સિનિયોરિટી લિસ્ટને અંતિમ સ્વરૂપ આપવાની પણ માંગ છે.

કચેરીઓમાં કામકાજ ઠપ્પ

સામૂહિક રજાના કારણે કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્રોમાં વિવિધ સરકારી કામગીરી પર અસર પડી છે. ખાસ કરીને જમીન સંબંધિત કામ, મકાન ટ્રાન્સફર, દાખલા અને પ્રમાણપત્ર જેવી કામગીરી માટે આવેલા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદ જિલ્લામાં પણ આશરે 450 જેટલા મહેસૂલી કર્મચારી (Revenue Employees)ઓ હડતાળ (Strike)માં જોડાયા હોવાનું જણાવાયું છે. જેના કારણે અનેક કચેરીઓમાં અરજદારોને કામ પૂર્ણ થયા વગર પરત ફરવાની ફરજ પડી હતી.

અરજદારોને હાલાકી

કચેરીઓમાં પોતાના કામ માટે પહોંચેલા કેટલાક અરજદારોએ જણાવ્યું કે તેમને અગાઉથી આજની તારીખ આપવામાં આવી હતી. જોકે, કર્મચારીઓ સામૂહિક રજા પર હોવાથી કલાકો સુધી રાહ જોયા બાદ પણ કામ થઈ શક્યું નહોતું. પરિણામે અરજદારોનો સમય અને મુસાફરીનો ખર્ચ બંને વેડફાયા હતા.

7 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ચીમકી

મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી કે.સી. સોલંકીના જણાવ્યા મુજબ, સરકાર સાથે અગાઉ 14 માંગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને 30 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, માંગણીઓનો ઉકેલ ન આવતા સામૂહિક રજાનો નિર્ણય લેવાયો છે.

કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર દ્વારા તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ (Strike)શરૂ કરવામાં આવશે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર કર્મચારીઓ અને હજારો અરજદારોની નજર છે.


આ પણ વાંચો: ગુજરાત/ રાજ્યના મહેસૂલી કર્મચારીઓની હડતાલનો સુખદ અંત, મહેસુલ વિભાગ ફરી ધમધમશે

આ પણ વાંચો: ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર, એકસાથે 352 મહેસૂલી કર્મચારીઓની બદલી

આ પણ વાંચો: તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની ફરજો હવે અલગ! ગુજરાત સરકારે જાહેર કર્યો નવો જોબચાર્ટ