Dahod News/ દાહોદમાં બે માથાંવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યૂ: લાખોમાં એક જોવા મળતી બાયસેફાલી, ભારતનો 5મો કિસ્સો

 દાહોદ (Dahod) જિલ્લાના ધાનપુર પાસે પ્રકૃતિ મિત્ર મંડળે બે માથાંવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યૂ કર્યું

Gujarat Others Breaking News
Dahod

Dahod News: દાહોદ (Dahod)જિલ્લાના ધાનપુર પાસેથી એક અત્યંત દુર્લભ સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યૂ ટીમે બે માથાં (બે મોઢા) ધરાવતા ‘વુલ્ફ સ્નેક’ (વરુદંતી)ને બચાવ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં ‘બાયસેફાલી’ કહેવાતી આ સ્થિતિ લાખો જીવોમાંથી કોઈ એકમાં જ જોવા મળે છે.

Dahodમાં મળ્યો બે મોઢા વાળો સાપ 

ધાનપુર પાસે પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે કરેલા આ સાપના રેસ્ક્યૂ (Snake Rescue) બાદ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે. આ બિનઝેરી સાપ પર્યાવરણના સંતુલન માટે ઉપયોગી છે. ભારતમાં અગાઉ આવા માત્ર 4 કિસ્સા નોંધાયા હતા, જેમાં દાહોદનો આ કિસ્સો 5મો ઉમેરો ગણાય છે. જિલ્લામાં આવી ઘટના પ્રથમ વખત નોંધાઈ છે.

શું છે બાયસેફાલી?

વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એક જ શરીર પર બે સ્વતંત્ર માથાં ધરાવતો સાપ (Two Headed Snake) કુદરતમાં અત્યંત દુર્લભ ગણાય છે. ભ્રૂણ વિકાસ દરમિયાન થતી દુર્લભ જીનેટિક વિકૃતિના પરિણામે આવી રચના સર્જાય છે. આ સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં બાયસેફાલી (Bicephaly) કહેવામાં આવે છે.

બંને માથાં અલગ રીતે કરે છે કામ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બે માથાં ધરાવતા સાપમાં બંને માથાંનું મગજ અને ચેતાતંત્ર અલગ રીતે કાર્ય કરે છે. ખોરાક મેળવવો, શિકાર પર હુમલો કરવો કે દિશા નક્કી કરવી જેવી પ્રવૃત્તિઓ દરમિયાન બંને માથાં વચ્ચે અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળે છે.

ઘણીવાર એક જ શિકાર માટે બંને માથાં વચ્ચે સ્પર્ધા સર્જાય છે. શિકારી પ્રાણીઓથી બચવામાં પણ મુશ્કેલી પડતી હોવાથી કુદરતી વાતાવરણમાં આવા સાપનું લાંબા સમય સુધી જીવિત રહેવું અત્યંત કઠિન માનવામાં આવે છે.

‘વુલ્ફ સ્નેક’ સંપૂર્ણ બિનઝેરી અને પર્યાવરણ માટે ઉપયોગી

રેસ્ક્યૂ કરાયેલો સાપ ‘વુલ્ફ સ્નેક (Wolf Snake)’ અથવા સ્થાનિક ભાષામાં ‘વરુદંતી’ તરીકે ઓળખાય છે. આ પ્રજાતિ સંપૂર્ણપણે બિનઝેરી હોવાથી માનવજાત માટે કોઈ જોખમ ઊભું કરતી નથી. ઘરોની આસપાસ જોવા મળતી ગરોળી, નાનાં સરિસૃપો અને જીવજંતુઓ તેનો મુખ્ય ખોરાક છે. પર્યાવરણમાં જીવસૃષ્ટિનું સંતુલન જાળવવામાં આ પ્રજાતિ મહત્વની ભૂમિકા ભજવે છે.

ભારતમાં ગણતરીના કિસ્સા

દેશમાં બે માથાં ધરાવતા સાપના કિસ્સા અત્યંત વિરલ છે. અગાઉ દેશભરમાં માત્ર ચાર જેટલા નોંધપાત્ર કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તેમાંથી ત્રણ કિસ્સા વુલ્ફ સ્નેક પ્રજાતિના હતા, જ્યારે અન્યમાં કોબ્રા પ્રજાતિના સાપનો સમાવેશ થતો હતો. દાહોદમાં મળેલો આ સાપ દેશના આવા ગણતરીના દુર્લભ કિસ્સાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો માનવામાં આવે છે.


આ પણ વાંચો:સુરતમાં સાપે બે વખત ડંખ માર્યો, કારખાનેદારે લાકડીથી સાપને મારી નાખ્યો; મૃત સાપ સાથે હોસ્પિટલ પહોંચ્યો

આ પણ વાંચો:શાહરૂખ ખાનના ‘મન્નત’માં ઘૂસ્યો 8 ફૂટ લાંબો સાપ, રેસ્ક્યૂ ટીમે બહાર કાઢ્યો

આ પણ વાંચો:સુરત એરપોર્ટના રનવે પર દેખાયો 3 ફૂટનો સાપ, ટેક-ઓફ પહેલાં પાયલોટે ફ્લાઇટ રોકી; VIDEO વાયરલ