New Delhi News/ SIR વિવાદ : દિલ્હીમાં વિપક્ષનો વિરોધ, રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢ્યા

દિલ્હીમાં SIR વિવાદ (SIR Controversy)મુદ્દે વિપક્ષે મંગળવારે મોટો વિરોધ નોંધાવ્યો છે.

Top Stories India
દિલ્હીમાં SIR વિવાદ (SIR Controversy)મુદ્દે વિપક્ષે મંગળવારે મોટો વિરોધ નોંધાવ્યો છે

New Delhi News : દિલ્હીમાં SIR વિવાદ (SIR Controversy)મુદ્દે વિપક્ષે મંગળવારે મોટો વિરોધ નોંધાવ્યો છે. INDIA ગઠબંધનના સાંસદોએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ વ્યક્ત કરતાં સંસદના મકર દ્વારથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi), અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત સહિત અનેક નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા.

SIR વિવાદ (SIR Controversy) વચ્ચે ‘લોકશાહી બચાવો માર્ચ’

INDIA બ્લોકે આ વિરોધને ‘લોકશાહી બચાવો માર્ચ’ નામ આપ્યું હતું. 19 વિપક્ષી પાર્ટીઓના સાંસદો આ કૂચમાં જોડાયા હતા. વિરોધ પક્ષોનો મુખ્ય મુદ્દો SIRની પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરીને લઈને છે. વિપક્ષી નેતાઓએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.

સંસદથી ચૂંટણી પંચ (Election Commission) સુધી લગભગ 3 કિલોમીટર લાંબી કૂચ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને કૂચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢ્યા

વિરોધ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)પોલીસના બેરિકેડ પર ચઢી ગયા હતા. તેઓ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે વિરોધમાં જોડાયા હતા. બીજી તરફ સમાજવાદી પાર્ટીના કેટલાક સાંસદો પણ બેરિકેડ પર બેસીને વિરોધ કરતા જોવા મળ્યા હતા.

પોલીસે કૂચને આગળ વધતી અટકાવ્યા બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ રસ્તા પર બેસી ગયા હતા. જેના કારણે વિસ્તારનું રાજકીય વાતાવરણ વધુ ગરમાયું હતું.

વિપક્ષે જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ કરી

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, NCP (SP), શિવસેના (UBT), RJD, ડાબેરી પક્ષો અને અન્ય INDIA ગઠબંધનના સાંસદોએ વિરોધમાં ભાગ લીધો હતો. વિપક્ષી નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને લોકશાહી સંસ્થાઓની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સરકાર પર ગંભીર રાજકીય આક્ષેપો કર્યા અને ફરી લોકસભા ચૂંટણી યોજવાની વાત કરી હતી. કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે દિલ્હીમાં વધારવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી.

દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા, બોડી કેમેરાથી નજર

વિપક્ષની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સંસદથી ચૂંટણી પંચ સુધીના માર્ગ પર સુરક્ષા વધારી હતી. પોલીસકર્મીઓને બોડી કેમેરા પણ પહેરાવવામાં આવ્યા હતા, જેથી વિરોધ દરમિયાનની ગતિવિધિઓ રેકોર્ડ થઈ શકે.

શિવસેના (UBT) નેતા સંજય રાઉતે સુરક્ષાના ભારે બંદોબસ્ત અંગે સવાલ ઉઠાવ્યો હતો. દરમિયાન TMC સાંસદ અભિષેક બેનર્જી સહિત અન્ય વિપક્ષી નેતાઓ પણ માર્ચમાં જોડાયા હતા. CPI સાંસદ પી. સંતોષ કુમારે કહ્યું હતું કે આ વિરોધને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામાની માંગ યથાવત રહેશે.

ચૂંટણી પંચને મળવાની માંગ

રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ, 300થી વધુ વિપક્ષી સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ચૂંટણી કમિશનરોને મળવા માંગે છે. વિપક્ષનો દાવો છે કે SIR સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ અંગે તેઓ ચૂંટણી પંચ સમક્ષ સવાલો મૂકવા માંગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લાખો લોકો દ્વારા ચૂંટાયેલા સાંસદોને ચૂંટણી કમિશનરો સાથે વાત કરવાની તક મળવી જોઈએ.

’મને કહો, આ દેશમાં હું ક્યાં બેસી શકું?’

દિલ્હીમાં SIR મુદ્દે વિરોધ પક્ષોના વિરોધ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી. સંસદથી ચૂંટણી પંચ તરફ કૂચ કરી રહેલા વિપક્ષી સાંસદોને રોકવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી આકાશવાણી ભવન પરિસર સુધી પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે, “મને કહો કે હું આ દેશમાં ક્યાં બેસી શકું?”

આકાશવાણી ભવન પરિસરમાં રાહુલ ગાંધીએ પોલીસને કહ્યું કે તેઓ અગાઉ જ્યાં બેઠા હતા ત્યાંથી તેમને હટાવવામાં આવ્યા હતા અને હવે અહીંથી પણ હટાવવાની કાર્યવાહી થઈ રહી છે. તેમણે સવાલ કર્યો કે જો અહીં બેસવાની મંજૂરી નથી તો તેઓ ક્યાં બેસી શકે? તેમણે જંતર મંતર, ઇન્ડિયા ગેટ કે રસ્તા પર બેસી શકાય કે નહીં તે અંગે પણ સવાલ ઉઠાવ્યો.

રાહુલનો ગંભીર રાજકીય આરોપ

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયાને લઈને સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નામનો ઉલ્લેખ કરીને ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે વિપક્ષ બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડી રહ્યો છે.


આ પણ વાંચો:  SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ECIને નોટિસ; કહ્યું- સમાચારના આધારે આદેશ નહીં

આ પણ વાંચો: ‘CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરો અને જૂની ચૂંટણી રદ કરો’; SIR વિવાદ પર કપિલ સિબ્બલનો હુમલો

આ પણ વાંચો: SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં’