Gujarat News : કડીના દંપતીને ફિનલેન્ડમાં નોકરી (Finland Job)અપાવવાની લાલચ આપી અમદાવાદમાં લાખોની છેતરપિંડી (Fraud)નો મામલો સામે આવ્યો છે. આરોપીએ નોકરી અને વર્ક પરમિટ અપાવવાના નામે દંપતી પાસેથી કુલ 28 લાખ રૂપિયા લીધા હતા. જોકે, જ્યારે દંપતી વિદેશ જવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચ્યું ત્યારે તેમની સાથે થયેલી છેતરપિંડી (Fraud)નો ભાંડો ફૂટ્યો.
ફિનલેન્ડની નોકરી માટે 28 લાખનો સોદો
કડીના યુઝ્ડ કાર ડીલર પરાગ પટેલનો ઓક્ટોબર 2025માં એક મિત્ર મારફતે રોહિત નટવરલાલ શર્મા સાથે પરિચય થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ, રોહિત શર્મા અમદાવાદના આશ્રમ રોડ પર રત્ના બિઝનેસ સ્ક્વેરમાં ‘મહંત ટ્રાવેલ્સ’ ચલાવે છે. તેણે પરાગ પટેલ અને તેમની 22 વર્ષીય પત્ની રાજકુમારીને ફિનલેન્ડમાં નોકરી (Finland Job)અપાવવાની ખાતરી આપી હતી. આ માટે કુલ 28 લાખ રૂપિયાનો સોદો નક્કી થયો હતો.
હપ્તામાં રોકડ લીધા, નકલી વિઝા મોકલ્યા
ફરિયાદ મુજબ, 30 ઓક્ટોબર 2025ના રોજ પરાગ પટેલે ચાણક્યપુરીના નેહા અપાર્ટમેન્ટ ખાતે પ્રથમ હપ્તા તરીકે 9 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ દંપતીને પોતાની ઓફિસે બોલાવીને જોબ ઓફર લેટર આપ્યા હતા. નવેમ્બર દરમિયાન વિઝા અને પાસપોર્ટ પ્રોસેસિંગના નામે વધુ 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.

આ દરમિયાન આરોપીએ વોટ્સએપ મારફતે ફિનલેન્ડના વિઝા (Visa)હોવાનું જણાવી દસ્તાવેજો મોકલ્યા હતા. દંપતીનો 10 નવેમ્બરે એપોલો હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ક પરમિટ ઇશ્યૂ થઈ ગયાનું કહીને ટિકિટના નામે વધુ 9 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.
મુંબઈ એરપોર્ટ પહોંચતા જ છેતરપિંડી બહાર આવી
દંપતીને 30 જાન્યુઆરી 2026ના રોજ મુંબઈથી ફિનલેન્ડ જવાની ટિકિટ આપવામાં આવી હતી. તેઓ મુંબઈ પહોંચ્યા ત્યારે આરોપીએ ટિકિટ રદ થઈ હોવાનું કહી તેમને પરત અમદાવાદ બોલાવ્યા હતા. ત્યારબાદ ફરી નવી તારીખ આપીને 27 ફેબ્રુઆરીએ દંપતીને મુંબઈ એરપોર્ટ લઈ જવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર પાસપોર્ટ પરત મળ્યા ત્યારે તેમાં ફિનલેન્ડના કોઈ માન્ય વિઝા ન હોવાનું સામે આવ્યું. પરિણામે દંપતી વિદેશ જઈ શક્યું નહોતું. સમગ્ર મામલો સામે આવ્યા બાદ દંપતીએ પોતાના 28 લાખ રૂપિયા પરત માંગ્યા, પરંતુ આરોપીએ રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સમગ્ર મામલે પરાગ પટેલે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રોહિત નટવરલાલ શર્મા સામે છેતરપિંડી (Fraud) સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નાણાકીય વ્યવહારો, દસ્તાવેજો, વોટ્સએપ પર મોકલાયેલા વિઝા અને નોકરી સંબંધિત કાગળોની તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસ ફરી એકવાર વિદેશમાં નોકરી અને વર્ક પરમિટ (Work Permit Fraud)ના નામે થતી છેતરપિંડીથી સાવચેત રહેવાની જરૂરિયાત દર્શાવે છે.
