Gandhinagar News: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના ચેરમેન હસમુખ પટેલ સામે સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારીઓએ મોરચો માંડ્યો છે. “સામાજિક ક્રાંતિ અભિયાન” હેઠળ ચાલતા આ વિરોધમાં અનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આંદોલનકારીઓને ટેકો આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ત્યાં પહોંચ્યા હતા.
ચેરમેનના રાજીનામાની માંગ
આંદોલનકારીઓ હસમુખ પટેલ (Hasmukh Patel)ની કાર્યશૈલી તથા ભરતી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. અનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય થતો હોવાનું કહી તેઓ ચેરમેન રાજીનામું આપે તેવી માંગ કરી રહ્યા છે. અગાઉ પણ આ મુદ્દે આંદોલન ચાલતું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
આંદોલનકારીઓને મળ્યા વાઘેલા
શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela)વિરોધ કરી રહેલા લોકોને મળવા સત્યાગ્રહ છાવણી (Satyagraha Chhavani)ગયા હતા. સંબોધનમાં તેમણે કહ્યું કે તેઓ આંદોલનકારીઓને સાથ આપવા આવ્યા છે. અનામતના ઐતિહાસિક સંદર્ભ અને વંચિત સમાજોની સ્થિતિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે અનામતને કારણે આજે ઘણા લોકો આગળ વધી શક્યા છે. દલિત અને વંચિત સમાજે વર્ષો સુધી જે ભેદભાવ સહન કર્યો, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.
“સરકાર મા-બાપ સમાન, નાના બાળકનું વધુ ધ્યાન રાખે”
વાઘેલાના કહેવા પ્રમાણે સરકાર મા-બાપ જેવી હોય છે અને સૌથી નાના બાળકની વધુ કાળજી રાખે છે. તેમણે જણાવ્યું કે વાલ્મિકી સમાજ સહિતના વંચિત સમાજોએ વર્ષો સુધી સામાજિક અસમાનતા વેઠી છે. અગાઉના સમયમાં પાણી ભરવા પરની મનાઈથી માંડીને આજે પણ કેટલાક સ્થળોએ વરઘોડા અને મૂછ રાખવા સામે થતા વિરોધનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.
“પદ પર બેઠા પછી કોમવાદ ન હોવો જોઈએ”
GPSCના મુદ્દે વાઘેલાએ કહ્યું કે મહત્વના પદ પર બેઠેલી વ્યક્તિએ તમામને સમાન માન આપવાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમના મતે પદ પર બેઠા પછી કોમવાદ ન હોવો જોઈએ અને વ્યવહાર કેવો રાખવો તે વ્યક્તિના પોતાના હાથમાં હોય છે. પોતાના ભૂતકાળનો દાખલો આપતાં તેમણે કહ્યું કે તેમણે પ્રિન્સિપાલ પ્રભુદાસ પટેલને મેરિટના આધારે જવાબદારી સોંપી હતી.
GPSCના ચેરમેનને રાજીનામાની આપી સલાહ
વિરોધના મંચ પરથી વાઘેલાએ હસમુખ પટેલને ઇશારામાં રાજીનામું આપવાની સલાહ આપી. તેમણે કહ્યું કે હસમુખ પટેલે સમજીને રાજીનામું આપી દેવું જોઈએ. સાથે જ તેમણે ઉમેર્યું કે પોતાના પર આક્ષેપ થાય ત્યારે પદ પર ન રહેવાની નૈતિકતા હોવી જોઈએ.
આ પણ વાંચો:GPSCમાં શિશિર ત્રિવેદીની નિમણૂકને લઈને વિવાદ, કોંગ્રેસે રદ કરવાની માગ કરી
આ પણ વાંચો:GPSC ભરતી પ્રક્રિયા પર ફરી સવાલો, OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ અપાતા હોવાનો આક્ષેપ
આ પણ વાંચો:GPSC Exam 2026: રાજ્યના 19 જિલ્લામાં 323 કેન્દ્રો પર 75,487 ઉમેદવારો આપશે પરીક્ષા
