Gujarat News/ GPSC ભરતી પ્રક્રિયા પર ફરી સવાલો, OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ અપાતા હોવાનો આક્ષેપ

GPSCમાં રેગ્યુલર અને ડાયરેક્ટ એમ બે પ્રકારની ભરતી પ્રક્રિયા થાય છે. ડાયરેક્ટ ભરતીમાં ઇન્ટરવ્યૂના માર્ક્સને લઈને સૌથી વધુ પ્રશ્નો ઊભા થયા

Gujarat Top Stories
ગુજરાતમાં GPSCની ભરતી પ્રક્રિયાને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે

Gujarat News : ગુજરાતમાં GPSCની ભરતી પ્રક્રિયાને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. વર્ગ-1 અને વર્ગ-2ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા ડૉ. બી.સી. રાઠોડે GPSCની ડાયરેક્ટ ભરતીમાં OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રમાણમાં ઓછા માર્ક્સ અપાતા હોવાનો આક્ષેપ (GPSC OBC Controversy) કર્યો છે. બીજી તરફ કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ પણ GPSCના ચેરમેન હસમુખ પટેલ (Hasmukh Patel)સામે ગંભીર સવાલો ઉઠાવી સમગ્ર મામલે તપાસની માગ કરી છે.

ડાયરેક્ટ ભરતીના ઇન્ટરવ્યૂના માર્ક્સ પર સવાલ

ડૉ. બી.સી. રાઠોડના જણાવ્યા મુજબ GPSCમાં રેગ્યુલર અને ડાયરેક્ટ એમ બે પ્રકારની ભરતી પ્રક્રિયા થાય છે. ડાયરેક્ટ ભરતીમાં ઇન્ટરવ્યૂના માર્ક્સને લઈને સૌથી વધુ પ્રશ્નો ઊભા થયા છે.

તેમનો દાવો છે કે લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનારા OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં પ્રમાણમાં ઓછા માર્ક્સ મળતા હોવાથી તેઓ ઓપન મેરિટમાં સ્થાન મેળવી શકતા નથી.

306 જગ્યાએ 727 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યાનો દાવો

ડૉ. રાઠોડે 19 માર્ચ, 2025ના રોજ જાહેર થયેલી 102 જગ્યાઓની ભરતી પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ જાહેરાત અને RTIમાં મળેલી માહિતી પ્રમાણે 306 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના હતા, પરંતુ વાસ્તવમાં 727 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.

તેમણે એવો પણ દાવો કર્યો કે તેમાં આશરે 231 EWS ઉમેદવારોનો સમાવેશ થતો હતો. આ મુદ્દે ભરતી પ્રક્રિયામાં અનામતના પ્રમાણ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

લેખિત પરીક્ષામાં વધુ માર્ક્સ છતાં ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ?

ડૉ. રાઠોડના દાવા પ્રમાણે OBC ઉમેદવારોના લેખિત પરીક્ષામાં સરેરાશ 404.20 માર્ક્સ હતા, જ્યારે ઇન્ટરવ્યૂમાં તેમને સરેરાશ 59.90 માર્ક્સ મળ્યા હતા.

તેમના મતે લેખિત પરીક્ષામાં સારો દેખાવ કરનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ મળવાથી તેમની અંતિમ મેરિટ પર અસર થાય છે અને તેઓ ઓપન કેટેગરીની મેરિટમાં સ્થાન મેળવી શકતા નથી.

31 OBC ઉમેદવારોની પસંદગી અંગે પણ સવાલ

ડૉ. રાઠોડે અન્ય ભરતી પરીક્ષાઓના આંકડાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ આદિજાતિ વિકાસ અધિકારી સહિતની કેટલીક ભરતીમાં લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનારા OBC ઉમેદવારો અંતિમ પરિણામમાં પસંદ થઈ શક્યા નહોતા.

તેમણે દાવો કર્યો કે ત્રણ અલગ-અલગ ભરતીમાં 110 જગ્યાઓ સામે 31 જેટલા OBC ઉમેદવારો એવા હતા, જેમના કુલ માર્ક્સ પસંદ થયેલા કેટલાક ઉમેદવારો કરતાં વધુ હોવા છતાં તેમની પસંદગી થઈ નહોતી.

ઇન્ટરવ્યૂ માર્કિંગ સિસ્ટમ અંગે પણ સવાલ

RTIના આધારે ડૉ. રાઠોડે ઇન્ટરવ્યૂના માર્ક્સ નક્કી કરવાની પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ ઇન્ટરવ્યૂમાં માર્ક્સ આપવા માટે કોઈ ચોક્કસ અને નિશ્ચિત માર્કિંગ પદ્ધતિ નથી.

તેમના દાવા પ્રમાણે ત્રણ સભ્યોની પેનલ ચર્ચા બાદ માર્ક્સ નક્કી કરે છે અને અંતિમ પ્રક્રિયામાં ચેરમેનની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. તેમણે GPSCમાં સભ્યોની સંખ્યા અને મોટી સંખ્યામાં પેન્ડિંગ ઇન્ટરવ્યૂ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

પોલીસ ભરતીમાં દોડના માર્ક્સ દૂર કરવા અંગે પણ આક્ષેપ

કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ પણ GPSCની ભરતી પ્રક્રિયાને લઈને સરકાર અને GPSCના ચેરમેન સામે સવાલો ઉઠાવ્યા છે.

રબારીએ આક્ષેપ કર્યો કે લેખિત પરીક્ષામાં ટોચના માર્ક્સ મેળવનારા OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ મળતા હોવાના મુદ્દાની તપાસ થવી જોઈએ. તેમણે પોલીસ ભરતીમાં મેદાનની દોડના માર્ક્સ દૂર કરવાના નિર્ણયને લઈને પણ GPSCના વર્તમાન ચેરમેનની ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો છે.

તપાસની માગ

GPSC ભરતીમાં OBC ઉમેદવારો સાથે અન્યાયના આક્ષેપો વચ્ચે હવે ભરતી પ્રક્રિયાની પારદર્શિતા, ઇન્ટરવ્યૂ માર્કિંગ સિસ્ટમ અને મેરિટ તૈયાર કરવાની પદ્ધતિ અંગે સવાલો ઊભા થયા છે.

આ તમામ આક્ષેપોની સત્તાવાર રીતે ચકાસણી થાય અને જો કોઈ ગેરરીતિ હોય તો તેની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જોકે, ઉપરોક્ત દાવાઓ અને આક્ષેપો સંબંધિત સત્તાવાર પક્ષનું સ્પષ્ટ નિવેદન સામે આવે તે બાદ સમગ્ર મામલાની વધુ સ્પષ્ટતા થઈ શકે છે.


આ પણ વાંચો : GPSCનું ‘અવસર’ મોડ્યુલ લોન્ચ: 18 હજારથી વધુ ઉમેદવારોને રોજગારની નવી તક

આ પણ વાંચો : GPSC Exam 2026: રાજ્યના 19 જિલ્લામાં 323 કેન્દ્રો પર 75,487 ઉમેદવારો આપશે પરીક્ષા

આ પણ વાંચો : GPSC પરીક્ષા વિવાદ વચ્ચે ડ્રગ ઈન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ, હસમુખ પટેલે જણાવ્યું કારણ