MANTAVYA Vishesh/ જ્ઞાનેશ કુમાર સામે રાહુલ કેમ આક્રમક? રાજીનામું થાય કે ન થાય, બંનેમાં રાજકીય ખેલ!

Rahul Gandhi: રાહુલ ગાંધી જ્ઞાનેશ કુમાર સામે કેમ આક્રમક બન્યા? ‘વોટ ચોરી’, એસઆઈઆર, ફોર્મ-6 અને ચૂંટણી પંચ સામે વિપક્ષના આરોપો વચ્ચે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પાછળનું રાજકીય ગણિત શું છે અને રાજીનામું ન થાય તો કોંગ્રેસની આગળની રણનીતિ શું હશે? જાણો સમગ્ર મામલાનું વિશ્લેષણ.

Breaking News Mantavya Vishesh
Rahul Gandhi: રાહુલ ગાંધીની ‘જ્ઞાનેશ’ સામે આરપારની લડાઈ પાછળ શું છે?

Mantavya Vishesh: એક તરફ રાહુલ ગાંધીનો નારો… ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો!’ અને બીજી તરફ ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમાર સામે રાજીનામાની માગ… સવાલ એ છે કે આખરે રાહુલ ગાંધીને (Rahul Gandhi) જ્ઞાનેશ કુમાર સામે આટલી મોટી લડાઈ લડવામાં એટલો રસ કેમ છે? શું આ માત્ર મતદાર યાદી અને ‘વોટ ચોરી’નો મુદ્દો છે? કે પછી તેની પાછળ 2029ની લોકસભા ચૂંટણીનું મોટું રાજકીય ગણિત છે? કારણ કે હવે આ લડાઈ માત્ર રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે રહી નથી… તેમાં આખું વિપક્ષ, કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ પણ સામેલ થઈ ગયા છે.

Rahul Gandhi: આખરે થયું શું?

6 ઑક્ટોબર..મંગળવારે રાહુલ ગાંધીના (Rahul Gandhi)  નેતૃત્વમાં વિપક્ષના સાંસદો ચૂંટણી પંચ તરફ કૂચ કરવા નીકળ્યા. રાહુલ ગાંધીનો આરોપ છે કે મતદાર યાદીમાં ગેરરીતિ થઈ રહી છે અને ‘વોટ ચોરી’ (Election Commission) દ્વારા ચૂંટણી પ્રક્રિયાને અસર કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે તેમની સાથે લગભગ 300 વિપક્ષી સાંસદો છે. પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ થયો, ત્યારબાદ તેઓ આકાશવાણી ભવનમાં બેસી ગયા અને લગભગ 8 કલાક બાદ દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા. એટલે કે કોંગ્રેસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ મુદ્દો હવે માત્ર નિવેદનો પૂરતો નથી… આ મુદ્દે રસ્તા પરની લડાઈ લાંબી ચલાવવાની તૈયારી છે.

રાહુલ ગાંધી માટે આ મુદ્દો બે રીતે મહત્વનો છે. પહેલું… તેઓ લાંબા સમયથી ‘વોટ ચોરી’નો આરોપ લગાવી રહ્યા છે. મહાદેવપુરાથી લઈને હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) સુધી તેમણે આ મુદ્દાને સતત જીવંત રાખ્યો છે. એટલે જો આ મુદ્દો મોટો બને, તો તેનો રાજકીય શ્રેય પણ રાહુલ ગાંધી લેવાનો પ્રયાસ કરશે. બીજું… રાહુલ માટે આ 2029ની લડાઈની તૈયારી પણ છે. તેમનો સંદેશ એવો છે કે ચૂંટણીમાં ભાજપની જીત માત્ર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી નથી થતી, પરંતુ ચૂંટણી વ્યવસ્થા પણ ભાજપના પક્ષમાં કામ કરે છે. એટલે રાહુલ ગાંધી સીધી રીતે નરેન્દ્ર મોદી સામે નહીં, પરંતુ ભાજપની ચૂંટણી મશીનરી સામેનો નેરેટિવ ઊભો કરવા માગે છે.

વિપક્ષ એકસાથે કેમ આવ્યો?

વિપક્ષ માટે પણ જ્ઞાનેશ કુમારનો મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે જો ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર જ સવાલ ઊભો થાય, તો આગામી ચૂંટણીની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરી શકાય. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના વિવાદમાં ચૂંટણી ચિહ્ન અંગે લેવાયેલા નિર્ણયો હોય કે અન્ય રાજ્યોમાં ચૂંટણી પંચની કાર્યવાહી… વિપક્ષ લાંબા સમયથી પંચ પર પક્ષપાતના આરોપ લગાવી રહ્યો છે. હવે જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ જાન્યુઆરી 2029 સુધીનો છે. એટલે આગામી વર્ષોમાં યોજાનારી અનેક વિધાનસભા ચૂંટણીઓ અને ત્યારબાદની લોકસભા ચૂંટણી પહેલાં જ વિપક્ષ ચૂંટણી પંચની વિશ્વસનીયતા અંગે રાજકીય લડાઈ ઊભી કરવા માગે છે.

પરંતુ અહીં સુપ્રીમ કોર્ટનું વલણ સૌથી મહત્વનું છે

આ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા ખૂબ મહત્વની બની ગઈ છે. કોર્ટે કહ્યું છે કે ફોર્મ-6માં ફેરફાર કરવાની મંજૂરી તેણે આપી નથી. સાથે જ જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામે લગાવવામાં આવેલા આરોપો અંગે જવાબ માંગવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવવામાં આવી છે. એટલે હાલ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના આરોપોને અંતિમ સત્ય તરીકે સ્વીકારી લીધા છે એવું પણ નથી, અને તેમને સીધા ફગાવી દીધા છે એવું પણ નથી. કોર્ટ પુરાવા અને જવાબના આધારે આગળ વધશે. આ જ કારણ છે કે હવે રાજકીય લડાઈની સાથે કાનૂની લડાઈ પણ એટલી જ મહત્વની બની ગઈ છે.

જ્ઞાનેશ કુમાર રાજીનામું આપશે નહીં તો?

અહીંથી આખું રાજકીય ગણિત વધુ રસપ્રદ બને છે. વિપક્ષની સૌથી મોટી માગ જ્ઞાનેશ કુમારનું રાજીનામું છે. પરંતુ જો તેઓ રાજીનામું નથી આપતા, તો કોંગ્રેસે પહેલેથી જ લાંબા વિરોધની તૈયારી કરી છે. 10થી 20 ઑક્ટોબર સુધી બ્લોક સ્તરે ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાન, ત્યારબાદ ચૌપાલ, 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી અને 25-26 નવેમ્બરે ‘ચાલો દિલ્હી’ માર્ચ… એટલે સ્પષ્ટ છે કે કોંગ્રેસ આ મુદ્દાને સંસદના શિયાળુ સત્ર સુધી જીવંત રાખવા માગે છે. બીજી તરફ જો જ્ઞાનેશ કુમાર દબાણમાં રાજીનામું આપે, તો વિપક્ષ કહી શકે કે તેના આરોપોમાં વજન હતું. એટલે રાજીનામું થાય કે ન થાય… બંને સ્થિતિમાં કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય રીતે પોતાના ફાયદામાં વાપરવાનો પ્રયાસ કરશે.

પરંતુ રાહુલ ગાંધી માટે સૌથી મોટો પડકાર પણ અહીં જ છે

કારણ કે માત્ર રસ્તા પર ભીડ ભેગી કરવાથી ચૂંટણી જીતી શકાતી નથી. બિહાર પહેલાં રાહુલ ગાંધીએ મતદાર અધિકાર યાત્રા કાઢી, લગભગ 1300 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને 110 બેઠકો સુધી પહોંચ્યા… પરંતુ કોંગ્રેસનું ચૂંટણી પરિણામ અપેક્ષા પ્રમાણે આવ્યું નહીં. એટલે હવે સવાલ એ છે કે ‘વોટ ચોરી’નો મુદ્દો ખરેખર સામાન્ય મતદારને જોડશે કે માત્ર રાજકીય કાર્યકરો સુધી સીમિત રહેશે? ઉપરથી આખું INDIA ગઠબંધન પણ આ પ્રદર્શનમાં એકસાથે દેખાયું નથી. એટલે આખી લડાઈનું અંતિમ પરિણામ એક જ બાબત નક્કી કરશે…

શું રાહુલ ગાંધી ‘વોટ ચોરી’ના આરોપને કોર્ટમાં (Supreme Court) પુરવાર કરી શકે છે અને સાથે જ તેને મતદારના મનનો મુદ્દો બનાવી શકે છે? કારણ કે જો પુરાવા મજબૂત પડે તો જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પર દબાણ વધશે… અને જો પુરાવા નબળા પડે, તો ભાજપને રાહુલ ગાંધી સામે મોટો રાજકીય હથિયાર મળી જશે. એટલે અત્યારે લડાઈ માત્ર જ્ઞાનેશ કુમારના (Chief Election Commissioner) રાજીનામાની નથી… આ લડાઈ 2029 પહેલાં ‘કોણ ચૂંટણી પર વિશ્વાસ કરે અને કોણ નથી કરતું’ એની ધારણા પોતાના પક્ષમાં કરવાની છે.


આ પણ વાંચો: જ્ઞાનેશ કુમાર સામે મુશ્કેલી કેમ? CECને સસ્પેન્ડ કરવાની જોગવાઈ શું કહે છે?

આ પણ વાંચો: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઈન્ડિયા બ્લોકનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ

આ પણ વાંચો: જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માગ, સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર; ચૂંટણી પંચને નોટિસ