Ahmedabad News : અમદાવાદના મકરબા વિસ્તારમાં બનેલો રેલવે ઓવરબ્રિજ (Makarba Bridge) ફરી ચર્ચામાં આવ્યો છે. બ્રિજમાં સામે આવેલી ખામી ((Bridge Defect)ઓના અભ્યાસની જવાબદારી એ જ કન્સલ્ટન્ટ એજન્સીને સોંપવામાં આવી છે, જેની દેખરેખ હેઠળ આ બ્રિજ તૈયાર થયો હતો. આ નિર્ણયને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
Makarba Bridge : ડિઝાઈનને લઈને સવાલ
મકરબાનો રેલવે ઓવરબ્રિજ (Railway Overbridge)અંદાજે ₹96 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ચાર વર્ષમાં પૂર્ણ થવાનું કામ લગભગ છ વર્ષ બાદ પૂરું થયું હતું. બ્રિજ શરૂ થયા બાદ તેની ડિઝાઈન, ટ્રાફિક વ્યવસ્થા અને ચાર રસ્તા પાસે બ્રિજનો છેડો ઉતરતો હોવા અંગે સવાલો ઉઠ્યા હતા.

સ્થાનિક સ્તરે એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે બ્રિજની વર્તમાન રચનાને કારણે ભવિષ્યમાં ટ્રાફિકનું ભારણ વધવાની સાથે અકસ્માતનું જોખમ પણ ઊભું થઈ શકે છે. હવે બ્રિજની ખામી ((Bridge Defect)ઓનો અભ્યાસ કરવામાં આવનાર હોવાથી આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
જે એજન્સીએ કામ કર્યું તે જ તપાસશે
સૌથી મહત્વની બાબત એ છે કે બ્રિજની કામગીરી સાથે જોડાયેલી કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફ (Delf Agency)પાસેથી જ આ મામલે સ્પષ્ટીકરણ મંગાવવામાં આવ્યું છે. આ જ એજન્સીને બ્રિજની ખામીઓનો અભ્યાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિર્ણયને કારણે લોકોમાં એવી ચર્ચા છે કે જે એજન્સીની કામગીરી સામે સવાલો ઊભા થયા છે, તે જ એજન્સી પોતાના કામનું મૂલ્યાંકન કેવી રીતે કરશે? સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
કાર્યવાહી થશે કે માત્ર સ્પષ્ટીકરણ પૂરતું રહેશે?
બ્રિજ મામલે લોકોમાં નારાજગી વધ્યા બાદ AMC દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે હાલ કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. એજન્સી તરફથી મળનારા સ્પષ્ટીકરણના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.
હવે જોવાનું એ રહેશે કે મકરબા બ્રિજ (Makarba Bridge)ની ખામીઓ અંગે ખરેખર જવાબદારી નક્કી થાય છે કે પછી તપાસ અને સ્પષ્ટીકરણની પ્રક્રિયા સુધી જ મામલો સીમિત રહે છે. અમદાવાદના શહેરીજનોમાં બ્રિજની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને ચિંતા વચ્ચે AMCની આગામી કાર્યવાહી પર સૌની નજર છે.
આ પણ વાંચો: છોટાઉદેપુરવાસીઓ માટે રાહતના સમાચાર; સિહોદ ખાતે ભારજ નદી પર ઓવરબ્રિજનું કામ પુનઃ ધમધમ્યું
આ પણ વાંચો: નરોડા ઓવરબ્રિજના કામમાં વિલંબ પર AMCના ચેરમેનના સવાલ, કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મુદ્દે માગ્યો જવાબ
આ પણ વાંચો: ઠાસરાના ચિતલાવમાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્ષેપ
