Karjan Murder News: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામમાં એક વૃદ્ધની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હત્યારાએ વૃદ્ધની હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી કેનાલ પાસેની અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. કરજણ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Karjan : 18 એપ્રિલથી ગુમ હતા વૃદ્ધ
મૃતકની ઓળખ કુરાલી ગામના દરબાર ફળિયામાં રહેતા 65 વર્ષીય કનકસિંહ માનસિંહ ચૌહાણ તરીકે થઈ છે. કનકસિંહ ગત 18 એપ્રિલના રોજ અચાનક ગુમ થયા હતા, જે અંગે તેમના પુત્રએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસ અને પરિવાર તેમની શોધખોળ કરી રહ્યા હતા, તે દરમિયાન ગત રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
પુરાવાનો નાશ કરવા લાશને કોથળામાં પૂરી
કુરાલીથી કોઠાવ જતી કેનાલ પાસેના રોડ નીચે ઝાડી-ઝાંખરામાંથી પ્લાસ્ટિકના કોથળામાં વીંટેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. મૃતદેહ સડેલી (Decomposed) હાલતમાં હોવાથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. હત્યારાએ પુરાવાનો નાશ કરવા અને ઓળખ છુપાવવાના ઈરાદે લાશને કોથળામાં બાંધીને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી.
LCB અને FSLની ટીમો તપાસમાં જોડાઈ
આ ગંભીર ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હત્યાના મૂળ સુધી પહોંચવા માટે જિલ્લા એલસીબી (LCB) તથા એસઓજી (SOG)ની ટીમો કામે લાગી છે. પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની મદદ લઈને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, તેમજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
વૃદ્ધની હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ હાલ ઝીણવટભરી તપાસ કરી રહી છે
