Ahmedabad News/ નરોડા ઓવરબ્રિજના કામમાં વિલંબ પર AMCના ચેરમેનના સવાલ, કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મુદ્દે માગ્યો જવાબ

કૃષ્ણનગરથી નરોડા ગેલેક્સી સુધીના 2 કિમીથી વધુ લાંબા ઓવરબ્રિજ (Naroda Flyover)ના કામમાં વિલંબને લઈને AMCના રોડ બિલ્ડિંગ ચેરમેને વર્ક ઓર્ડર અને પેનલ્ટી મુદ્દે જવાબ માગ્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Naroda Flyoverનું કામ ક્યારે પૂરું થશે? વિલંબને લઈને AMCનો રોડ બિલ્ડિંગ વિભાગ એક્શન મોડમાં

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગરથી નરોડા ગેલેક્સી સુધી બની રહેલા શહેરના સૌથી લાંબા ઓવરબ્રિજ (Naroda Flyover)ના નિર્માણ કાર્યને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં જ સવાલો ઉઠ્યા છે. 2 કિલોમીટરથી વધુ લાંબા આ ઓવરબ્રિજ (Naroda Flyover)નું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાને લઈને રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે પ્રોજેક્ટ વિભાગ સામે મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે.

કોન્ટ્રાક્ટરની એક વર્ષની સમયમર્યાદા વધારવાના મુદ્દે રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને બ્રિજ પ્રોજેક્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં કામ શરૂ કરવા માટે જરૂરી પ્રક્રિયા, ડિઝાઇન, સાઇટ ક્લિયરન્સ અને કોન્ટ્રાક્ટરની જવાબદારી સહિતના મુદ્દે સ્પષ્ટતા માગવામાં આવી છે.

Naroda Flyover: કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર કયા આધારે અપાયો?

જૈનિક વકીલે સવાલ ઉઠાવ્યો છે કે AMCની નીતિ મુજબ કોઈપણ મોટા બાંધકામ માટે સાઇટ ક્લિયરન્સ, અડચણમુક્ત વર્કફ્રન્ટ, યુટિલિટી મેપિંગ અને જરૂરી ડ્રોઇંગ ઉપલબ્ધ થયા બાદ જ વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા હોય છે. આ સ્થિતિમાં સંપૂર્ણ સાઇટ ક્લિયર થયા પહેલાં અને ફાઇનલ ડ્રોઇંગ ઉપલબ્ધ ન હોવા છતાં કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર કયા આધારે આપવામાં આવ્યો તે અંગે તેમણે સ્પષ્ટતા માગી છે. સાથે જ GFC ડ્રોઇંગ અને R&B એપ્રુવલમાં દર્શાવાયેલા 556 દિવસના વિલંબ અંગે R&B ડિઝાઇન સર્કલ પાસેથી લેખિત પ્રમાણપત્ર લેવામાં આવ્યું છે કે નહીં તે અંગે પણ સવાલ કરવામાં આવ્યો છે.

ડિઝાઇન કન્સલ્ટન્ટની જવાબદારી શું?

ઓવરબ્રિજ (Naroda Flyover)ના પ્રોજેક્ટમાં ડિઝાઇનને લઈને થયેલા વિલંબ અંગે પણ રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. જો ડિઝાઇન અથવા મંજૂરીની પ્રક્રિયાના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હોય તો ડિઝાઇન કન્સલ્ટન્ટ સામે કરારની શરતો મુજબ કોઈ પેનલ્ટી અથવા અન્ય કાર્યવાહી માટે સ્પષ્ટતા માગવામાં આવી છે કે નહીં, તે અંગે પણ પ્રોજેક્ટ વિભાગ પાસે જવાબ માંગવામાં આવ્યો છે.

185 દિવસના વિલંબ સામે માત્ર રૂ.50 લાખની પેનલ્ટી કેમ?

કોન્ટ્રાક્ટરના કારણે 185 દિવસનો વિલંબ થયો હોવાના મુદ્દે પણ ચેરમેન દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. તેમણે પૂછ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ વિલંબ બદલ LD (Liquidated Damages) તરીકે પેનલ્ટી વસૂલવાની જોગવાઈ હોય તો તેના બદલે માત્ર રૂ.50 લાખની પેનલ્ટી કયા નિયમ અથવા શરતના આધારે નક્કી કરવામાં આવી છે? આ ઉપરાંત કોન્ટ્રાક્ટરની ભૂલ કે વિલંબના કારણે કામનો સમયગાળો લંબાયો હોય તો આ વધારાના સમય દરમિયાન કોન્ટ્રાક્ટરને ભાવવધારો અથવા અન્ય નાણાકીય લાભ આપવાનો થાય છે કે નહીં તે અંગે પણ ટેન્ડરની શરતો રજૂ કરવા જણાવાયું છે.

જંગલની જમીનના ક્લિયરન્સથી પણ કામ અટક્યું હોવાનો મુદ્દો

આ પ્રોજેક્ટમાં વિવિધ મંજૂરી અને ક્લિયરન્સના મુદ્દાઓ પણ વિલંબ માટે જવાબદાર હોવાનું જણાવાયું છે. ખાસ કરીને જંગલની જમીનના ક્લિયરન્સ સહિતના મુદ્દાઓને કારણે બાંધકામની કામગીરીમાં વિલંબ થયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ઈજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટર તરફથી થયેલી કથિત બેદરકારીને કારણે પણ કામની ગતિ પર અસર પડી હોવાના સવાલો ઉઠ્યા છે.

નરોડામાં ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા

કૃષ્ણનગરથી નરોડા ગેલેક્સી સુધીનો આ ઓવરબ્રિજ (Naroda Flyover) પૂર્વ અમદાવાદના મહત્વના ટ્રાફિક કોરિડોરમાંથી એક છે. બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હોવાનું જણાવાયું છે. રસ્તા પર બાંધકામની કામગીરી અને વાહનવ્યવહારના દબાણને કારણે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ઓવરબ્રિજ (Naroda Flyover)નું કામ સમયસર પૂર્ણ થાય અને પ્રોજેક્ટમાં વધુ વિલંબ ન થાય તે માટે જવાબદારી નક્કી કરવાની સાથે કામની ગતિ વધારવી જરૂરી બની છે.

AMCના પ્રોજેક્ટ વિભાગ પાસેથી માંગવામાં આવ્યા જવાબ

હાલ રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો બાદ બ્રિજ પ્રોજેક્ટ વિભાગ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. ખાસ કરીને વર્ક ઓર્ડર, ડિઝાઇન મંજૂરી, સાઇટ ક્લિયરન્સ, 556 દિવસના વિલંબ, 185 દિવસના કોન્ટ્રાક્ટર વિલંબ અને રૂ.50 લાખની પેનલ્ટી જેવા મુદ્દાઓ પર જવાબ માગવામાં આવ્યો છે.


આ પણ વાંચો:ઠાસરાના ચિતલાવમાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્ષેપ

આ પણ વાંચો:કાંકરેજમાં ટ્રેલરની ટક્કરે લીધો 4 વર્ષના બાળકનો જીવ, અકસ્માતોથી ત્રસ્ત ગ્રામજનોએ ઓવરબ્રિજની માંગ કરી

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના ડોળીયા ઓવરબ્રિજ પર ફરી ગાબડું, વાહનચાલકોના જીવ જોખમમાં