National News : એસ્સેલ ગ્રૂપ (Essel Group)ના ચેરમેન સુભાષ ચંદ્રા (Subhash Chandra)એ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT) સાથે જોડાયેલા નાણાકીય વિવાદ અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ડૉ. ચંદ્રાએ દાવો કર્યો છે કે મીડિયા રિપોર્ટ્સમાં દર્શાવવામાં આવી રહેલી ₹22,000 કરોડની વ્યક્તિગત લોન હકીકતમાં તેમની વ્યક્તિગત લોન નથી. તેમના જણાવ્યા મુજબ, અલગ-અલગ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા દેવા માટે તેમણે પર્સનલ ગેરંટી (Personal Guarantee) આપી હતી.
ચંદ્રાના જણાવ્યા અનુસાર, ₹22,000 કરોડની રકમને તેમનું વ્યક્તિગત દેવું ગણાવવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે કંપનીઓ મૂળ ઉધાર લેનાર હતી અને તેઓ માત્ર ગેરંટર હતા. તેમના દાવા પ્રમાણે, NCLT પ્રક્રિયા સાથે સંકળાયેલો વર્તમાન પર્સનલ ગેરંટી (Personal Guarantee)ક્લેમ આશરે ₹3,992 (3992 Crore Claim)કરોડનો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ રકમમાંથી ₹620 કરોડનો ક્લેમ સેટલ થઈ ચૂક્યો છે, જ્યારે લેણદારોને વધુ ₹1,063 કરોડની ચુકવણી માટે ઓફર કરવામાં આવી છે. એટલે બાકી રહેલી રકમ અંગે પણ પ્રક્રિયા ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું છે.
₹45,000 કરોડના દેવામાંથી ₹43,000 કરોડ ચૂકવ્યાનો દાવો
ડૉ. ચંદ્રાએ જણાવ્યું કે 24 જાન્યુઆરી 2019 સુધી એસ્સેલ ગ્રૂપ (Essel Group)સાથે સંકળાયેલી કંપનીઓ પર આશરે ₹45,000 કરોડનું દેવું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, તેમાંથી કંપનીઓએ લગભગ ₹43,000 કરોડની ચુકવણી કરી દીધી છે. બાકી રકમ ચૂકવવા માટે પણ તેઓ પ્રતિબદ્ધ હોવાનું તેમણે કહ્યું.
તેમણે દાવો કર્યો કે દેવું ચૂકવવા માટે તેમણે પોતાની અનેક મિલકતો વેચી છે અને કેટલીક સંપત્તિ ઓછા ભાવે પણ વેચવી પડી હતી. તેમણે ઘર ગીરવે મૂકવાની અને Zee સંબંધિત સંપત્તિ વેચવાની સ્થિતિ ઊભી થઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો.
નેટવર્થના આંકડા અંગે પણ સવાલ
ડૉ. ચંદ્રાએ પોતાની નેટવર્થ અંગે પ્રસિદ્ધ થયેલા આંકડાઓ પર પણ સવાલ ઉઠાવ્યો. તેમના જણાવ્યા મુજબ, ક્યાંક ₹45,888 કરોડની નેટવર્થનો ઉલ્લેખ થયો છે, જ્યારે તેમણે 2016માં રાજ્યસભાના સભ્ય તરીકે પોતાની કુલ સંપત્તિ આશરે ₹39.08 કરોડ જાહેર કરી હતી. તેથી 2017ની ₹45,888 કરોડની નેટવર્થનો દાવો કેવી રીતે કરવામાં આવ્યો તે અંગે તેમણે પ્રશ્ન કર્યો.
ચંદ્રાએ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસની માગણી કરતાં બેંકિંગ સિસ્ટમ અને નાણામંત્રીને સ્વતંત્ર ઓડિટર નિયુક્ત કરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે તપાસ થશે તો વાસ્તવિક દેવું, ગેરંટી અને ચુકવણીની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
અંબાણી અંગે પણ ગંભીર આક્ષેપ
ડૉ. ચંદ્રાએ મુકેશ અંબાણી અને અન્ય સંબંધિત મીડિયા રિપોર્ટ્સ અંગે પણ આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેમણે મુકેશ અંબાણીને ફોન કર્યો હતો અને બાદમાં પત્ર પણ લખ્યો હતો. જોકે, આ આક્ષેપો અંગે અહીં સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી.
ચંદ્રાએ અંતે કહ્યું કે તેઓ મૂળ જવાબદારીમાંથી ભાગી રહ્યા નથી અને દરેક લેણદારના પૈસા ચૂકવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે પોતાના જીવનના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ ફરીથી ઊભા થવા અને નવા કામ શરૂ કરવા માટે તૈયાર છે.
