Surat News: સુરતના કાપડ અને એમ્બ્રોડરી ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોમાં સાપ્તાહિક રજાની માગ અને કથિત શોષણને લઈને શરૂ થયેલું ‘ગાંવ ચલો આંદોલન’ હવે (Surat Workers Protest) વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. સુરત શહેર અને જિલ્લાના મળીને અંદાજે 10 લાખથી વધુ શ્રમિકો આ આંદોલનમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રમિકો યુપી-બિહાર સહિત પોતાના વતન પરત ફરી રહ્યા હોવાથી રેલવે સ્ટેશનો પર પણ ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે.
શ્રમિકોનો આક્ષેપ છે કે તેમને સતત લાંબા કલાકો સુધી કામ કરાવવામાં આવે છે, જ્યારે સાપ્તાહિક રજા માગવા પર પગાર કાપવા અથવા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. કેટલાક શ્રમિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રજા માગ્યા બાદ તેમનો પગાર રોકી દેવામાં આવ્યો હતો.
Surat Workers Protest: ‘રોજ 12 કલાક કામ, છતાં સમયસર પગાર નહીં’
વતન પરત ફરી રહેલા શ્રમિકોએ પોતાની મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું કે કેટલાક કારખાનાઓમાં તેમને રોજના 12 કલાક સુધી કામ કરવું પડે છે. તેમ છતાં પગાર સમયસર મળતો નથી. સતત 30 દિવસ કામ કર્યા બાદ બીમારી કે થાકને કારણે રજા લેતાં પગારમાં કપાત કરવામાં આવે છે. શ્રમિકોના જણાવ્યા મુજબ, ઘણા કારીગરો સાત-આઠ મહિના બાદ વતન જવા માટે રજા માગે છે, પરંતુ રજા આપવાને બદલે કેટલાક માલિકો પગાર રોકી દેતા હોવાના આક્ષેપ છે. કેટલાક શ્રમિકોને તો નોકરીમાંથી બહાર કાઢી મૂકવામાં (Surat Workers Migration) આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
‘અઠવાડિયામાં એક રજા માગી તો 250થી 300 લોકોને કાઢી મૂક્યા’
શ્રમિકોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે અઠવાડિયામાં એક દિવસની રજાની માગ કરનારા 250થી 300 જેટલા કારીગરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. શ્રમિકોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી કામના દબાણ અને રજા ન મળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.તેમના જણાવ્યા (Surat Workers Protest)પ્રમાણે, શરૂઆતમાં માલિકો રજા આપવા અંગે સહમત થાય છે, પરંતુ થોડા સમય બાદ ફરીથી અગાઉની વ્યવસ્થા શરૂ થઈ જાય છે.
શ્રમિકએ કહ્યું- ‘માત્ર દિલાસો મળે છે’
અયોધ્યા પરત ફરી રહેલા શ્રમિકએ જણાવ્યું કે અઠવાડિયામાં ઓછામાં ઓછી રવિવારની એક રજા મળવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ, કારીગરો રજા માગે ત્યારે શરૂઆતમાં (Surat Workers Protest) માલિકો બે અઠવાડિયાની છૂટ આપે છે, પરંતુ ત્યારબાદ ફરી જૂની વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવે છે.તેમણે કહ્યું કે સંબંધિત વિભાગો અને પોલીસ પાસેથી પણ માત્ર આશ્વાસન મળે છે, પરંતુ પાછળથી તેમની સમસ્યાઓનું કોઈ કાયમી નિરાકરણ થતું નથી.
‘રજા લઈએ તો પગાર કપાય છે’
વતન જઈ રહેલા યુવકે જણાવ્યું કે કારખાનામાં (Surat Textile Industry) રજા લેવાની મંજૂરી નથી અને જો રજા લેવામાં આવે તો પગારમાં કપાત કરવામાં આવે છે. અલાહાબાદના રાજીવ કુમાર પાલે પણ આવી જ ફરિયાદ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, પગાર ન વધારવા અને રજાના દિવસે પગાર કાપવાની નીતિના કારણે તેઓ વતન પરત જઈ રહ્યા છે. યુવકના કહેવા પ્રમાણે, માલિકે તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે રવિવારની રજા નહીં મળે અને જો જવું હોય તો તેઓ જઈ શકે છે.
‘સુરતની ગુલામી કરતાં ગામમાં ખેતી કરવી સારી’
પ્રયાગરાજ પરત ફરી રહેલા યુવકે જણાવ્યું કે તેઓ ચાર-પાંચ મહિનાથી સુરતમાં કામ કરી રહ્યા હતા. જોકે, વારંવાર રજા માગવા છતાં રજા ન મળતાં તેમણે વતન પરત જવાનો નિર્ણય લીધો.તેમણે કહ્યું કે પોતાની રીતે અઠવાડિયામાં રજા લેતા ત્યારે પણ રજાના દિવસનો પગાર કાપી લેવામાં આવતો હતો. હવે તેઓ ગામ જઈને ખેતી અથવા અન્ય કોઈ કામ કરીને જીવનનિર્વાહ કરવાનો પ્રયાસ કરશે.શ્રમિકોમાં એવી લાગણી પણ જોવા મળી રહી છે કે સુરતમાં લાંબા કલાકો સુધી કામ કરીને શોષણ સહન કરવા કરતાં ગામમાં ખેતી કે નાની-મોટી મજૂરી કરવી વધુ સારી છે.
12 કલાકની ડ્યૂટી અને પગાર રોકવાના આક્ષેપ
વઘુ એક શ્રમિકે જણાવ્યું કે તેમને ફરજિયાત 12 કલાકની ડ્યૂટી કરવી પડતી હતી અને પગાર પણ સમયસર મળતો નહોતો.તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે કારીગરોએ ગામ જવા માટે રજા માગી ત્યારે રજા આપવામાં આવી નહોતી અને પગાર રોકી દેવામાં આવ્યો હતો. કારખાનામાંથી કાઢી મૂકવામાં આવેલા કેટલાક શ્રમિકો પણ હવે વતન પરત ફરી રહ્યા છે અને ત્યાં ખેતીવાડી કરવાનો વિચાર કરી રહ્યા છે.
‘30 દિવસ કામ નહીં કરીએ, શેઠ બોલાવશે તો જ આવીશું’
શ્રમિકે જણાવ્યું કે માલિક દ્વારા 12 કલાકની ડ્યૂટી કરવા દબાણ કરવામાં આવતું હતું. કારીગરોએ મહિનામાં 26 દિવસ કામ કરવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ 30 દિવસ સતત કામ કરવાની ફરજ અંગે મતભેદ સર્જાયો હતો.શિવવંદનના જણાવ્યા પ્રમાણે, હવે તેઓ વતન પરત જઈ રહ્યા છે. ભવિષ્યમાં માલિકને ફરી કારીગરોની જરૂર પડશે તો ફોન કરીને બોલાવશે ત્યારે જ સુરત પરત આવવાનો નિર્ણય લેવાશે.
મજૂર યુનિયન પણ મેદાને
શ્રમિકોના પલાયન વચ્ચે મજૂર યુનિયનો પણ સક્રિય થઈ છે. મજૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેના જણાવ્યા પ્રમાણે, ‘ગાંવ ચલો’ આંદોલન હેઠળ મોટી સંખ્યામાં શ્રમિકો વતન જઈ રહ્યા છે.યુનિયન દ્વારા રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ જતા શ્રમિકોને પાણી અને બિસ્કિટ આપવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે.દુબેએ આક્ષેપ કર્યો છે કે આંદોલન શરૂ થયા બાદ કેટલાક માલિકો દ્વારા શ્રમિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ અંગેના વીડિયો પણ યુનિયન પાસે ઉપલબ્ધ છે.
સુરતના કાપડ ઉદ્યોગ સામે મોટો પડકાર
સુરતનો કાપડ અને એમ્બ્રોડરી ઉદ્યોગ મોટા પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો પર નિર્ભર છે. આવી સ્થિતિમાં જો મોટી સંખ્યામાં કારીગરો લાંબા સમય સુધી સુરતથી દૂર રહે છે, તો ઉદ્યોગની કામગીરી પર તેની અસર પડી શકે છે.શ્રમિકોની મુખ્ય માગમાં અઠવાડિયામાં એક દિવસની રજા, સમયસર પગાર, પગારમાં મનસ્વી કપાત બંધ કરવી અને કામના કલાકોને લઈને યોગ્ય વ્યવસ્થા સામેલ છે.
હાલ ‘ગાંવ ચલો આંદોલન’ને (Gaon Chalo Andolan) કારણે સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી શ્રમિકોના વતન પરત ફરવાનો સિલસિલો તેજ બન્યો છે. જો શ્રમિકોની ફરિયાદો અને માગણીઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગ સામે માનવબળની અછતનો પડકાર ઊભો થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદની એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડ દીવાલ તૂટી પડતાં 27 વર્ષીય શ્રમિકનું મોત
આ પણ વાંચો: શ્રમિકોની સુરક્ષાને લઈ રાજ્ય સરકાર કેટલી ચિંતિત? 5 વર્ષમાં 555ના મોત
