Ahmedabad News: ગુજરાતમાં પોલીસ(police) ભરતી દરમિયાન ટ્રાન્સજેન્ડર ઉમેદવારોને કઈ કેટેગરીમાં સ્થાન આપવું તે અંગેનો વિવાદ હવે હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. ભાવનગરના એક ઉમેદવારે ભરતી પ્રક્રિયામાં ત્રીજી જાતિ માટે અલગ વિકલ્પ ન હોવાનો મુદ્દો ઉઠાવતાં ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. કોર્ટે લોકરક્ષક ભરતીમાં એક જગ્યા હાલ પૂરતી ખાલી રાખવા ભરતી બોર્ડને નિર્દેશ આપ્યો છે. અરજીનો અંતિમ નિકાલ ન આવે ત્યાં સુધી આ જગ્યા ભરવામાં નહીં આવે.
સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની સ્વતંત્ર ઓળખને માન્યતા આપવામાં આવી હતી. આ સાથે શિક્ષણ અને રોજગારમાં તેમના અધિકારોનું રક્ષણ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલની અરજીમાં પોલીસ ભરતીની વ્યવસ્થામાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરી અને યોગ્ય પસંદગીના માપદંડ ન હોવાનો પ્રશ્ન રજૂ થયો છે.
police ભરતીમાં ત્રીજી જાતિ માટે વિકલ્પ ન હોવાની રજૂઆત
ભાવનગરના 35 વર્ષના અરજદારના આધાર કાર્ડમાં મહિલા તરીકેની ઓળખ નોંધાયેલી છે. બીજી તરફ, ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ, 2019 હેઠળ જિલ્લા કલેક્ટર પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર ઓળખનું પ્રમાણપત્ર મેળવ્યું હોવાનું અરજીમાં જણાવાયું છે.
અરજદારના જણાવ્યા પ્રમાણે, ગુજરાત પોલીસની ચાલુ ભરતીમાં તેમણે બિનહથિયારી કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર(Police Sub-Inspector)ની જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ઓનલાઇન અરજીપત્રકમાં પુરુષ અને મહિલા એમ બે જ વિકલ્પ હોવાથી તેમને પોતાની ઓળખ મુજબની કેટેગરી પસંદ કરવામાં મુશ્કેલી પડી હતી.
આ અંગે માર્ગદર્શન મેળવવા તેઓ DGP કચેરીનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી આધાર કાર્ડમાં નોંધાયેલી ઓળખ અનુસાર અરજી કરવાની સલાહ મળતાં તેમણે મહિલા કેટેગરી પસંદ કરી હતી.
પરીક્ષામાં 94 ગુણ મળ્યા, મેરિટમાં સ્થાન ન મળતાં કોર્ટમાં અરજી
ભરતી પ્રક્રિયા દરમિયાન અરજદારે શારીરિક માપદંડ અને શારીરિક ક્ષમતા સંબંધિત બંને પરીક્ષાઓ પાસ કરી હતી. જોકે, લેખિત પરીક્ષામાં તેમને 94 ગુણ મળ્યા હતા, જ્યારે SEBC મહિલા કેટેગરી માટેનું કટ-ઓફ મેરિટ 98.5 ગુણ નોંધાયું હતું.
11 જુલાઈએ મેરિટ યાદી જાહેર થયા પછી અરજદારે ભરતી સત્તાધીશોને રજૂઆત કરી હતી. પોતાની ઉમેદવારીને પુરુષ કે મહિલા વર્ગમાં મૂકવાને બદલે ત્રીજી જાતિના ઉમેદવાર તરીકે ધ્યાનમાં લેવા તેમણે માગ કરી હતી. આ રજૂઆતનો જવાબ ન મળતાં તેમણે ન્યાય મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ પસંદગી માપદંડની માગ
અરજીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કટ-ઓફ મેરિટ અને બંધારણીય જોગવાઈઓને અનુરૂપ પસંદગી પ્રક્રિયા ઘડવાની માગ કરવામાં આવી છે. અરજદારના પક્ષે દલીલ કરવામાં આવી છે કે ભરતીમાં સમાન તક મળે તે માટે સુપ્રીમ કોર્ટના NALSA ચુકાદામાં દર્શાવાયેલા સિદ્ધાંતોનું પાલન જરૂરી છે.
અરજીમાં બંધારણના અનુચ્છેદ 14 હેઠળ મળતા સમાનતાના અધિકારનો પણ આધાર લેવામાં આવ્યો છે. અરજદારના મતે, હાલની ભરતીમાં માત્ર પુરુષ અને મહિલા ઉમેદવારો માટે વ્યવસ્થા હોવાથી ટ્રાન્સજેન્ડર ઉમેદવારોની ઓળખ અને તેમની પરિસ્થિતિને પૂરતું સ્થાન મળતું નથી.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને સામાજિક ભેદભાવ અને વિવિધ પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરતીમાં યોગ્ય અનામત (Transgender Reservation) અથવા અલગ પસંદગી માપદંડો અંગે વિચારણા થવી જોઈએ.
અરજદારના વકીલે દલીલ કરી હતી કે ત્રીજી જાતિના ઉમેદવારો માટે અલગ મેરિટ માપદંડ(Merit criteria)નક્કી ન કરવાથી સમાનતાના અધિકાર પર અસર પડે છે. આ મુદ્દે પોતાની રજૂઆતને સમર્થન આપવા અન્ય રાજ્યોમાં અમલમાં રહેલી વ્યવસ્થાનાં ઉદાહરણો પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યાં હતાં.
5 જાન્યુઆરી, 2027ના રોજ આગામી સુનાવણી
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)હાલના તબક્કે લોકરક્ષક ભરતીમાં એક જગ્યા ખાલી રાખવાનો વચગાળાનો આદેશ આપ્યો છે. આ આદેશથી અરજદારને અંતિમ નિર્ણય પહેલાં રાહત મળી છે, જોકે તેમની ઉમેદવારી અંગે અંતિમ ચુકાદો હજુ આવ્યો નથી.
કોર્ટે સામાવાળા પક્ષોને આગામી સુનાવણી પહેલાં પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસની વધુ સુનાવણી 5 જાન્યુઆરી, 2027ના રોજ હાથ ધરવામાં આવશે. હવે કોર્ટમાં થનારી આગળની કાર્યવાહી દરમિયાન ટ્રાન્સજેન્ડર ઉમેદવારોની કેટેગરી, સમાન તક અને ભરતીના માપદંડો અંગેની દલીલો પર વિચારણા થશે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતીમાં મોટું અપડેટ, 870 જગ્યાની ફાઇનલ આન્સર કી જાહેર
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા 2026: 23 ઓગસ્ટે 950 જગ્યાઓ માટે પરીક્ષા, 25 હજાર ઉમેદવારો તૈયાર
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતીમાં મોટું અપડેટ! 12,733 જગ્યાઓ માટે 18,322 ઉમેદવારો DV માટે પસંદ, કટ-ઓફ જાહેર
