Ahmedabad Rath Yatra: અષાઢી બીજના પાવન અવસરે યોજાયેલી અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Ahmedabad Rath Yatra 2026) દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સમગ્ર યાત્રાના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાનું CM ડેશબોર્ડ (CM Dashboard) પરથી રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આવેલી વીડિયો વોલ પર જીવંત પ્રસારણ મારફતે તેમણે સમગ્ર રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને વિવિધ સ્થળોની સતત સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ વહેલી સવારે શ્રી જગન્નાથ મંદિર ખાતે પરંપરાગત પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાંથી બપોર દરમિયાન CM ડેશબોર્ડ મારફતે રથયાત્રાની પ્રગતિ અને વ્યવસ્થાનું જીવંત નિરીક્ષણ કર્યું હતું.
Ahmedabad Rath Yatra 2026: AI અને ડ્રોન ટેક્નોલોજીથી સુરક્ષા પર નજર
મુખ્યમંત્રીએ રથયાત્રા દરમિયાન રથનું લાઇવ લોકેશન, પોલીસ દ્વારા AI આધારિત સર્વેલન્સ, ડ્રોન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવતી દેખરેખ તેમજ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત માહિતી મેળવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તેની પણ તેમણે સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ તથા ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક તેમજ પોલીસ વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
અડાલજ જગન્નાથ મંદિરમાં પણ કરી પહિંદ વિધિ
અમદાવાદની રથયાત્રા ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ સ્થિત જગન્નાથ મંદિરમાં યોજાયેલી ભવ્ય રથયાત્રા(Ahmedabad Rath Yatra 2026)માં પણ હાજરી આપી હતી. અહીં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સુવર્ણની છાંટવાળી સાવરણીથી પહિંદ વિધિ કરી અને ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ભાગ લીધો હતો.
રથયાત્રા (Ahmedabad Rath Yatra 2026) પૂર્વે મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું પરંપરાગત પાઘડી અને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર અને રથયાત્રાનો માર્ગ જય જગન્નાથ’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
આ પણ વાંચો:જગન્નાથ રથયાત્રા 2026: પુરીમાં 5 કિમી વિસ્તાર ‘નો-ફ્લાઈંગ ઝોન’ જાહેર, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
