National News/ હાઇજેક એલર્ટથી દોડધામ, જયપુરમાં Air India વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ,સિગ્નલ 7500 કોણે આપ્યું?

ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ (Hijack Alert)મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી

Top Stories India
ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ (Hijack Alert)મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી

National News : ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ (Hijack Alert)મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. ફ્લાઇટ AI-2030નું જયપુર એરપોર્ટ (Jaipur Airport)પર ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, પાયલટે ભૂલથી બટન દબાવી દેતાં હાઇજેક એલર્ટ સક્રિય થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાની સત્તાવાર પુષ્ટિ અને તપાસની વિગતો સામે આવવાની બાકી છે.

Hijack Alertથી સુરક્ષા એજન્સીઓ સતર્ક 

મળતી માહિતી મુજબ, ફ્રેન્કફર્ટથી દિલ્હી તરફ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030 (Air India Flight)અંગે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને એલર્ટ મળ્યું હતું. આ દરમિયાન વિમાનના પાયલટે થોડી સેકન્ડ માટે Squawk 7500 સિગ્નલ આપ્યું હતું. ઉડ્ડયન ક્ષેત્રમાં આ કોડનો ઉપયોગ વિમાન હાઇજેક થવા જેવી ગેરકાયદેસર દખલગીરીની સ્થિતિ દર્શાવવા માટે થાય છે. આ સિગ્નલ મળતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.

જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ 

એલર્ટ બાદ વિમાનને જયપુર એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને ત્યાં સલામત ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)કરાવવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, સવારે 9:45 વાગ્યે વિમાનને એરપોર્ટના આઇસોલેશન વે પર લઈ જવામાં આવ્યું હતું. આવી જગ્યાએ સામાન્ય રીતે સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ તપાસ કરવાની જરૂર હોય ત્યારે વિમાનને અલગ રાખવામાં આવે છે.

NSGને રવાના કરાઈ, હોસ્પિટલો એલર્ટ પર 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હીથી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ને રવાના કરવામાં આવી હોવાના અહેવાલ છે. જયપુરની સાંગાનેર અને E HCC હોસ્પિટલને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓ સાથે ફોન પર વાત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

પાયલટની ભૂલથી એલર્ટ સક્રિય થયું હોવાની શક્યતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલટે ભૂલથી સંબંધિત બટન દબાવતાં હાઇજેક એલર્ટ સક્રિય થયું હોવાની શક્યતા છે. જોકે, આ અંગે સત્તાવાર તપાસ અને પુષ્ટિ મહત્ત્વપૂર્ણ રહેશે. વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થયા બાદ સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરવામાં આવી હતી. ઘટનાને પગલે એરપોર્ટ અને સંબંધિત એજન્સીઓ દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી હતી.

 સિગ્નલ 7500 કોણે આપ્યું?

ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ મળતાં ઉડ્ડયન ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ હતી. બુધવારે સવારે વિમાનને જયપુર તરફ વાળવામાં આવ્યું હતું અને જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હવે આ સમગ્ર ઘટનામાં હાઇજેકિંગ માટે વપરાતા 7500 કોડને લઈને સવાલો ઊભા થયા છે. આ મામલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) તપાસ કરી રહ્યું છે.

શું છે સિગ્નલ 7500 અને કેવી રીતે મળ્યું એલર્ટ?

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030 બોઇંગ 787-9 વિમાન દ્વારા સંચાલિત હતી. આ વિમાન ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહ્યું હતું ત્યારે સવારે આશરે 9:10 વાગ્યે થોડી સેકન્ડ માટે હાઇજેકિંગનો સંકેત આપતો સ્ક્વોક 7500 કોડ જનરેટ થયો હતો. જોકે, થોડા જ સમયમાં આ સિગ્નલ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. તેમ છતાં, સુરક્ષાની દૃષ્ટિએ વિમાનને જયપુર એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાયલટે કોડ સક્રિય કર્યો કે ટેકનિકલ ખામી હતી?

પ્રાથમિક તપાસમાં કોડ ભૂલથી સક્રિય થયો હોવાની શક્યતા સામે આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ, પાયલટે પોતે આ કોડ જનરેટ કર્યો હોવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની પણ જાણ કરવામાં આવી હતી. આથી સિગ્નલ માનવીય ભૂલને કારણે સક્રિય થયો હતો કે પછી કોઈ ટેકનિકલ સમસ્યા જવાબદાર હતી, તે અંગે તપાસ જરૂરી બની છે.

વિમાનની તપાસ માટે એન્જિનિયરોને બોલાવાયા

જયપુર એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ બાદ વિમાનને નિયમિત સ્થળથી અલગ આવેલા આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યાં સુરક્ષા સંબંધિત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે વિમાનમાં સંભવિત ટેકનિકલ ખામીની તપાસ કરવા માટે જાળવણી વિભાગના એન્જિનિયરોને પણ બોલાવવામાં આવ્યા હતા.

DGCAની તપાસ બાદ જ સ્પષ્ટ થશે હકીકત

હાઇજેક એલર્ટ મળ્યા બાદ વિમાનને ડાયવર્ટ કરવાનો નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. જોકે, થોડી સેકન્ડ માટે સક્રિય થયેલો 7500 કોડ કોણે અને કયા સંજોગોમાં જનરેટ કર્યો, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. DGCAની તપાસમાં કોડ સક્રિય થવાનું કારણ, પાયલટની ભૂમિકા અને સંભવિત ટેકનિકલ ખામી સહિતના મુદ્દાઓની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.


આ પણ વાંચો: શું ઇરાનના કહેવાથી ફ્લાઇટ કરાઇ હતી હાઇજેક? ઇરાન લિંક અને ઓમાની કો-પાઇલટની ભૂમિકાની તપાસ શરૂ

આ પણ વાંચો: ફ્લાઇટ હાઇજેક નિષ્ફળ બનાવનાર ભારતીય પાઇલટના PM મોદીએ કર્યા વખાણ

આ પણ વાંચો: Flydubai ફ્લાઇટમાં ખળભળાટ, કોકપીટમાં હુમલા બાદ 180 મુસાફરોના જીવ પર સંકટ