Gandhinagar News/ રૂપાલમાં ઘીની નદીઓ વહેતી થઈ! મા વરદાયિનીની પલ્લીમાં ભક્તોની ભારે ભીડ

ગાંધીનગરના રૂપાલમાં મા વરદાયિનીની પલ્લી(PALLI)માં લાખો ભક્તોએ ઘીનો અભિષેક કરી માતાજીનાં દર્શન કર્યાં.

Gandhinagar Gujarat Breaking News
Palli

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં જગતજનની મા વરદાયિનીની(Maa Vardayini) વિશ્વવિખ્યાત પલ્લી(Palli) ભક્તિ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થઈ હતી. આસો નવરાત્રિની નોમની મધ્યરાત્રિએ પાંચ જ્યોતથી શોભતી પલ્લી ગામના 27 ચકલામાં ફરી હતી. આ ધાર્મિક મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

ભક્તોએ પોતાની આસ્થા અને મનોકામના સાથે પલ્લી પર દેશી ઘીનો અભિષેક કર્યો હતો. જેના કારણે રૂપાલની શેરીઓમાં ઘી વહેતું હોય તેવા અદ્ભુત દૃશ્યો જોવા મળ્યા હતા. આયોજકોના અંદાજ મુજબ, આ વર્ષે 10 લાખથી વધુ ભક્તોએ પલ્લીનાં દર્શન કર્યાં હતાં અને ઘીના અભિષેકની કિંમત રૂ. 20 કરોડથી વધુ હોવાનું જણાવાયું હતું.

મધરાતે મંદિરેથી નીકળી પાંચ જ્યોતવાળી Palli

palli
lakhs-of-devotees-flocked-to-palli

આસો નવરાત્રિની નોમની રાત્રે માતાજી(Maa Vardayini)ના મંદિર પરિસરમાં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ મધરાત્રિએ 12 વાગ્યા પછી પલ્લીનું પ્રસ્થાન થયું હતું. ખીજડાના લાકડામાંથી પરંપરાગત પદ્ધતિથી તૈયાર થતી આ પલ્લીમાં લોખંડની ખીલીનો ઉપયોગ કરવામાં આવતો નથી. પલ્લી પર પાંચ જ્યોત પ્રગટાવીને તેને ગામના નિર્ધારિત 27 ચકલામાં ફેરવવામાં આવી હતી.

પલ્લી જે-જે માર્ગ પરથી પસાર થઈ હતી, ત્યાં શ્રદ્ધાળુઓ ઘી ભરેલા ડબ્બા, પીપડા અને તગારાં લઈને માતાજીની રાહ જોઈને ઊભા રહ્યા હતા. પલ્લી નજીક આવતાં જ ભક્તોએ ઘીનો અભિષેક કરીને માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મોટી માત્રામાં ઘી એકત્ર કરવા માટે ટ્રેક્ટરની ટ્રોલીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

ગુલાલની છોળો વચ્ચે માતાજીના જયઘોષ

પલ્લીના આગમન પહેલાં મંદિર પરિસરમાં ગુલાલ ઉત્સવ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ, પુરુષો, યુવાનો અને વડીલોએ માતાજીની આરાધના સાથે ગરબા રમીને ઉત્સવની ઉજવણી કરી હતી. એકબીજા પર ગુલાલ ઉડાડીને ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો. ‘જય મા વરદાયિની’ અને ‘જય જગદંબા’ના નાદથી રૂપાલની શેરીઓ ગુંજી ઊઠી હતી. ધાર્મિક પરંપરા, સામૂહિક શ્રદ્ધા અને ભક્તોના ઉત્સાહે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

પાંડવો સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા

રૂપાલની પલ્લીનો ઇતિહાસ આશરે પાંચ હજાર વર્ષ જૂનો હોવાનું ધાર્મિક પરંપરામાં માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર, મહાભારત(MAHABHARAT)ના સમયમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન પોતાનાં દિવ્ય શસ્ત્રો રૂપાલના પવિત્ર વરખડીના વૃક્ષ નીચે સંતાડ્યાં હતાં. અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ તેમણે મા વરદાયિનીની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા.

ધાર્મિક કથા અનુસાર, મહાભારતના યુદ્ધમાં વિજય બાદ પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં સોનાની પલ્લી બનાવીને તેના પર ઘીનો અભિષેક કર્યો હતો. ત્યારથી પરંપરા શરૂ થયાની માન્યતા છે. આ ઉપરાંત, રાવણ સામેના યુદ્ધ પહેલાં ભગવાન શ્રીરામે પણ અહીં માતાજીના આશીર્વાદ લીધા હોવાની લોકવાયકા પ્રચલિત છે.

500 પોલીસ જવાનો સહિત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

લાખો શ્રદ્ધાળુઓની અવરજવરને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા 500થી વધારે પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને 24 મહત્ત્વનાં સ્થળો માટે 24 નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી.

પલ્લીના માર્ગો અને મેળા વિસ્તારમાં CCTV કેમેરા તથા ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. ભીડનું વ્યવસ્થાપન સરળ બને અને શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે ગામ તરફ જતા મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી.

આરોગ્ય, પાણી અને અગ્નિશમન માટે વિશેષ આયોજન

ભક્તોની સુવિધા અને સલામતી માટે આરોગ્ય વિભાગની ચાર મેડિકલ ટીમો 24 કલાક તૈનાત રહી હતી.  તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પીવાના પાણીની ચાર મુખ્ય લાઈનોમાં ક્લોરીનેશનની ચકાસણી સાથે સુપર ક્લોરીનેશનવાળા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા નવ ફૂડ સેફ્ટી અધિકારીઓ કાર્યરત રહ્યા હતા. આગની સંભવિત ઘટનાઓને પહોંચી વળવા ચાર ફાયર સેફ્ટી ટીમો અને વીજ પુરવઠો જાળવવા UGVCLની 17 ટીમો તહેનાત રહી હતી. દાન સ્વીકાર કેન્દ્રો પર પણ 19 કર્મચારીઓએ કામગીરી સંભાળી હતી.

શ્રદ્ધાળુઓ માટે આખી રાત વધારાની એસ.ટી. બસો

રૂપાલમાં પલ્લીનાં દર્શન કરવા આવતા ભક્તોને પરિવહનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાંધીનગર(Gandhinagar), કલોલ, માણસા અને અમદાવાદ એસ.ટી. ડેપો દ્વારા રૂપાલના માર્ગ પર વધારાની બસો દોડાવવામાં આવી હતી.

બપોર બાદથી શરૂ થયેલી વધારાની બસોની સેવા રાત્રિ દરમિયાન અને બીજા દિવસે સવાર સુધી ચાલુ રાખવામાં આવી હતી. પલ્લી પૂર્ણ થયા બાદ પણ દર્શનાર્થીઓની અવરજવરને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દશેરાથી શરદપૂર્ણિમા સુધી દર્શનનો લાભ

નોમની રાત્રે પલ્લીનાં દર્શન કરી ન શકેલા ભક્તો માટે દશેરાની સવારથી શરદપૂર્ણિમાની મધ્યરાત્રિ સુધી વિશેષ દર્શન વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓ રૂપાલ ખાતે આવી મા વરદાયિનીનાં દર્શન કરી શકે છે અને ઘી અર્પણ કરીને આશીર્વાદ મેળવી શકે છે.

રૂપાલની ઐતિહાસિક પલ્લી માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ પેઢીઓથી ચાલી આવતી પરંપરા, સામૂહિક આસ્થા અને સામાજિક એકતાનું પ્રતીક પણ છે. લાખો ભક્તોની હાજરી અને ઘીના અભિષેક સાથે આ વર્ષે પણ આ મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.


આ પણ વાંચો: રૂપાલથી ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’નો પ્રારંભ: હર્ષ સંઘવીએ પ્રજ્વલિત કરી મશાલ, ચારેય તાલુકામાં ફરશે

આ પણ વાંચો: સાંસદ ધવલ પટેલ અને પરસોત્તમ રૂપાલાના નામે ફેક લેટરપેડથી છેતરપિંડીનો પ્રયાસ, આરોપી ઝડપાયો

આ પણ વાંચો: વિશ્વપ્રસિદ્ધ રૂપાલ મંદિરમાં તસ્કરોનો તરખાટ, 3 દાનપેટી તોડી 15 લાખની લૂંટ