Valsad News : વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ (Dhaval Patel)ના નામે નકલી લેટરપેડ (Fake Letterpad)અને ફેક ઈ-મેલ આઈડી બનાવી સરકારી તેમજ નાણાકીય સંસ્થાઓને ગેરમાર્ગે દોરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે પશ્ચિમ બંગાળના રહેવાસી પ્રતિક પ્રદ્યુતકુમાર દે (30)ની અમદાવાદના ઈશનપુર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેનને પણ સાંસદના નામે બનાવટી ભલામણ પત્ર મોકલી છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ સાંસદ ધવલ પટેલ (Dhaval Patel)ના સત્તાવાર લેટરપેડ જેવી જ ડિઝાઇન, હોદ્દો અને નકલી સહીનો ઉપયોગ કરીને ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ત્યારબાદ [email protected] નામની ફેક ઈ-મેલ આઈડી બનાવી તેના મારફતે SBIના ચેરમેન (SBI Chairman)સી.એસ. શેટ્ટીને ભલામણ પત્ર મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં સાંસદના પર્સનલ આસિસ્ટન્ટ રવીકુમાર સુરેશભાઈ પટેલે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. ડિજિટલ ફૂટપ્રિન્ટ, સોશિયલ મીડિયા અને ઈ-મેલ ટ્રેસિંગના આધારે પોલીસ અમદાવાદના ઈશનપુર વિસ્તાર સુધી પહોંચી હતી, જ્યાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન આરોપી પાસેથી સેમસંગનો મોબાઈલ ફોન અને HP કંપનીનો લેપટોપ કબજે કરવામાં આવ્યો હતો. મોબાઈલમાં સાત ફેક ઈ-મેલ આઈડી લોગિન મળી આવ્યા હતા, જ્યારે લેપટોપમાંથી સાંસદ ધવલ પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલા (Parsottam Rupala)તેમજ પશ્ચિમ બંગાળની હુગલી રૂરલ પોલીસના અધિકારીઓના નામે તૈયાર કરાયેલા અનેક બનાવટી લેટરપેડ અને ભલામણ પત્રોના ફોર્મેટ મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી આ બનાવટી ભલામણ પત્રો (Fake Recommendation Letter)નો ઉપયોગ કરીને રેલવેના VIP અને સ્પેશિયલ ક્વોટામાં ટિકિટ કન્ફર્મ કરાવવાનો પ્રયાસ કરતો હતો. ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓમાં પણ આવા નકલી ભલામણ પત્રો મોકલી પોતાના સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હવે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.
વલસાડ સાયબર ક્રાઈમ (Valsad Cyber Crime) પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act)ની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
