Botad News: બોટાદ શહેરમાં ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ઢાંકણીયા રોડ પર ITI સામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેગા ડિમોલિશન (Dhankaniya Road Demolition) કરવામાં આવ્યું હતું. રોડની બંને બાજુ માર્ગની હદમાં આવેલા 7થી વધુ સ્થળોના કાચા-પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રના જણાવ્યા મુજબ, દબાણકારોને અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણો દૂર ન કરાતાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી (Botad Bulldozer Action) કરવામાં આવી હતી.
Dhankaniya Road Demolition: રોડની બંને બાજુ 12 મીટર સુધીનાં દબાણો દૂર કરાયાં
ઢાંકણીયા રોડ પર ટ્રાફિકની અવરજવર સરળ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગે (Road and Building Department) દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન રોડની બંને બાજુ માર્ગની હદમાં આવેલા 7થી વધુ સ્થળો પર જેસીબીની મદદથી બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.
કાર્યવાહી દરમિયાન પતરાં અને નળિયાંથી બનાવેલા શેડ, ઓટલા, દુકાનો તથા પાકી દીવાલો સહિતનાં બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. રોડની મધ્યરેખાથી બંને તરફ 12 મીટર સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ત્રણ વખત નોટિસ છતાં દબાણો દૂર ન કરાયાં
માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંબંધિત દબાણકારોને અગાઉ સ્વેચ્છાએ બાંધકામો હટાવવા માટે ત્રણ વખત લેખિત નોટિસ આપવામાં આવી હતી. જોકે, નોટિસમાં આપવામાં આવેલી મુદત પૂરી થયા બાદ પણ દબાણો દૂર ન થતાં તંત્રએ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
ત્યારબાદ અધિકારીઓ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને જેસીબીની મદદથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
કાર્યવાહી દરમિયાન સ્થાનિકો સાથે બોલાચાલી
ડિમોલિશન શરૂ થતાં કેટલાક સ્થાનિક રહીશો અને વેપારીઓએ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા પરિસ્થિતિ સંભાળવામાં આવી હતી અને સમજાવટ બાદ કામગીરી આગળ વધારવામાં આવી હતી.
ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો પ્રયાસ
ઢાંકણીયા રોડ પરનાં દબાણો દૂર થતાં માર્ગને વધુ ખુલ્લો બનાવવાનો અને વાહનવ્યવહાર સુગમ કરવાનો તંત્રનો હેતુ છે. જાહેર માર્ગની હદમાં થયેલાં બાંધકામો સામેની આ કાર્યવાહીથી રસ્તા પરની અવરજવરમાં કેટલી સરળતા આવે છે તે આગામી દિવસોમાં જોવા મળશે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર
આ પણ વાંચો: સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશનથી હોબાળો
આ પણ વાંચો: રાજકોટમાં 18 વર્ષ બાદ વેપારીઓને ન્યાય: મનપાનું 2008નું ડિમોલિશન ગેરકાયદે, વૈકલ્પિક જગ્યા આપવા હુકમ
