Morbi News: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને પડતર માગણીઓને લઈને મોરબીના સનાળા-રાજપર રોડ પર આવેલા આનંદ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું (Khedut Aakrosh Mahasabha) આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
Khedut Aakrosh Mahasabha: સૌરાષ્ટ્ર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ
ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો મુદ્દો મહાસભામાં મુખ્ય રહ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ સૌરાષ્ટ્ર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી હતી. સાથે જ ખેડૂતોના અન્ય પ્રશ્નોનો ઉકેલ લાવવા અને મુશ્કેલીના સમયમાં તેમને રાહત આપવા સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વીજપોલ માટે જમીનના યોગ્ય વળતરની માગ
ખેડૂતોની જમીનમાંથી વીજપોલ પસાર કરવા અથવા વીજપોલ ઊભા કરવા સામે પૂરતું વળતર મળતું હોવાનો મુદ્દો પણ મહાસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ માગ કરી હતી કે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર પૂરતું ધ્યાન આપતી નથી.
રણદીપ સુરજેવાલા, ગેનીબેન સહિતના નેતાઓ હાજર રહ્યા
મહાસભામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા, સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી અને ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, ભચુભાઈ પટેલ, પ્રતાપભાઈ દુધાત, મહામદજાવિદ પીરઝાદા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ અઘારા અને મનોજભાઈ પનારા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
ગેનીબેન ઠાકોરનો સરકાર પર પ્રહાર
સભા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતાં સરકારની કામગીરીની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર ખેડૂતોના હિત કરતાં ગણ્યાગાંઠ્યા લોકોના હિત માટે કામ કરી રહી છે. તેમણે 22 ગામના ખેડૂતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ લડત આપશે તેવી વાત પણ કરી હતી.
200 યુવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા
મહાસભા દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ગામના ભાજપના યુવા આગેવાન અલ્પેશ ઓડિયા પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના જણાવ્યા મુજબ, અલ્પેશ ઓડિયાની આગેવાનીમાં આશરે 200 યુવાનોએ ભાજપ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસી આગેવાનોએ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
મહાસભામાં કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના હક, યોગ્ય વળતર અને ઓછા વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સહિતના મુદ્દાઓ પર ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવાની માગ સાથે કોંગ્રેસે આંદોલનાત્મક વલણ દર્શાવ્યું હતું.
આ પણ વાંચો: કોડિનારમાં પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકી કોંગ્રેસમાં જોડાયા, ભાપજ પર કર્યાં અનેક આક્ષેપ
આ પણ વાંચો: હરદીપ પુરી અને જેફરી એપ્સટિનના ફોટા વાયરલ: કોંગ્રેસે પૂછ્યું- ‘જો એકલા મળ્યા નહોતા તો આ તસવીરો શું કહે છે?’
આ પણ વાંચો: જયપુરમાં રિતુ બરાલા મામલે કોંગ્રેસનું ધરણું, ઝીરો FIR નોંધવાની માંગ
