Food Recipe: જો તમને ગળ્યું ખાવાનું પસંદ હોય પરંતુ સાથોસાથ તમારા સ્વાસ્થ્ય અને ડાયેટનું પણ ધ્યાન રાખવા માગતા હો તો આ હોમમેઈડ ગ્રેનોલા (Homemade Granola Recipe) એક ઉત્તમ વિકલ્પ છે. ઓટ્સ, ડ્રાયફ્રુટ્, સીડ્સ , કેળા અને મધ (Oats, Seeds, Dry Fruits, Banana & Honey)થી તૈયાર થતું આ ગ્રેનોલા સ્વાદમાં ક્રંચી અને ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. એને તમે બ્રેકફાસ્ટમાં ગરમ દૂધ કે દહીં સાથે પણ ખાઈ શકો છો. બાળકોને તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. ઘરે ગ્રેનોલા બનાવવાનો એક ફાયદો એ પણ છે કે તમને જે પસંદ હોય એ સામગ્રી ઉમેરી શકો છો. તો ચાલો ઘરે જ ઓટ્સના હૅલ્ધી ગ્રેનોલા બનાવવાની સરળ ડાયેટ રેસિપી (Diet Recipe) વિશે…
શી રીતે બનાવશો હોમમેડ ગ્રેનોલા? (Homemade Granola Recipe)
હોમમેડ ગ્રેનોલા (Homemade Granola) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 પાકા કેળાં
1 કપ ઓટ્સ
1/3 કપ બદામ
1/3 કપ કાજુ
1/3 કપ અખરોટ
1/4 કપ કોળાના બીજ
1/4 કપ સનફ્લાવર સીડ્સ
2 મોટા ચમચા અળસીના બીજ
1 મોટો ચમચો સફેદ તલ
1/3 કપ મધ
2 મોટી ચમચી દેશી ઘી
નોંધ- અહિં તમે તમારી પસંદ અને ઉપલબ્ધતા અનુસાર સીડ્સ અને ડ્રાય ફ્રુટ્સની માત્રા ઓછી-વત્તી કરી શકો છો.
હોમમેડ ગ્રેનોલા બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 2 પાકા કેળાને મૅશ કરી લો. કેળાથી ગ્રેનોલામાં કુદરતી મીઠાશ અને સ્વાદ આવે છે.
2. ત્યાર બાદ ઓટ્સને શેકી લો, એ માટે એક પૅનમાં એક કપ ઓટ્સ નાખીને ધીમા તાપે 2-3 મિનિટ સુધી એને ડ્રાય રોસ્ટ કરી લો. જ્યારે એ સારી રીતે શેકાઈ જાય અને સુગંધ આવવા લાગે ત્યારે ગૅસ બંધ કરીને ઠંડા કરવા અને કેળાના બાઉલમાં ઉમેરી દેવા.
3. ડ્રાય ફ્રુટ્સ જેવા કે બદામ, કાજુ અને અખરોટને નાના-નાના ટુકડામાં સમારી લેવા. ત્યાર બાદ એમને પણ હળવા ડ્રાય રોસ્ટ કરી લો. હવે એમાં કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, અળસીની બીજ અને સફેદ તલ (Pumpkin seeds, Sunflower seeds, Flax seeds and White sesame) ઉમેરીને એમને પણ ધીમા તાપે હળવા શેકી લો.
4. તમને પસંદ હોય તો અન્ય સીડ્સ અને ડ્રાય ફ્રુટ્સ પણ ઉમેરી શકો છો. આ તૈયાર મિશ્રણને કેળા અને ઓટ્સ વાળા બાઉલમાં મિક્સ કરી લો.
5. આ મિશ્રણમાં મધ અને દેશી ઘી મિકસ કરો. તમામ સામગ્રીને સારી રીતે હલાવી લો જેથી મધ અને ઘી સમાન રીતે મિશ્રણ પર લાગી શકે.
6. હવે ઓવન (Ovan)ને 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર લગભગ 10 મિનિટ સુધી પ્રિહીટ કરો. એક બેકિંગ ટ્રેમાં બટર પેપર લગાવીને હળવું ગ્રીસ કરી લો.
7. તૈયાર મિશ્રણને ટ્રેમાં ઉમેરીને એક પાતળું અને સમાન લૅયર બનાવી દો. એને 180 ડિગ્રી સેલ્સિયસ પર આશરે 25-35 મિનિટ સુધી બૅક કરી લો.
8. 10-15 મિનિટ બાદ મિશ્રણને સાવધાનીપૂર્વક હલાવો અને એ સમાન રીતે પાકી જાય એ રીતે એને હલાવતા રહેવું.
જ્યારે ગ્રેનોલા કુરકુરા અને સોનેરી બની જાય તો એને બહાર કાઢી લેવા. તમારા ઓવનના હિસાબે સમય ઓછો-વત્તો થઇ શકે છે.
હવે જો તમારી પાસે ઓવન ન હોય તો તમે એને કોઈ ભારે તળિયાવાળી કડાઈમાં પણ બનાવી શકો છો. મિશ્રણને કડાઈ કે પૅનમાં રાખીને સતત હલાવતા રહેવું. આમ કરવાથી એ બળશે નહિં. અહિં ધ્યાન રાખવું કે મધવાળું મિશ્રણ ઝડપથી ભેજ છોડી શકે છે. આથી એને સારી રીતે પકાવવું અને કુરકુરા કરવા જરુરી છે.

તો તૈયાર છે તમારા હોમમેડ ગ્રેનેલા (Homemade Granola)…જેને પૂર્ણ રીતે ઠંડું થવા દેવું. હવે એને નાના-નાના ટુકડાઓમાં કાપી લેવું. તમે ઈચ્છો તો ક્રન્ચી ક્લસ્ટર્સ (Crunchy Clusters) પણ બનાવી શકો છો. આ ગ્રેનોલાને તદ્દન સાફ અને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવા. ઘરે બનાવેલા આ ગ્રેનોલામાં તાજા કેળા હોવાથી એની શેલ્ફ લાઇફ ભેજ અને સ્ટોરેજ પર નિર્ભર કરશે. આથી એને ઓછી માત્રામાં બનાવવું અને જો એમાં ફૂગ, ભેજ કે ખરાબ વાસ આવે તો ન વાપરવું.
હોમમેડ ગ્રેનેલા ખાવાની 3 સરળ રીત
1. ગરમ દૂધ સાથે- એક વાડકી દૂધમાં ગ્રેનોલા નાખીને સ્વાદિષ્ટ નાસ્તાનો આનંદ લેવો.
2. સાદા દહીંમાં –ગ્રેનોલા, દહીં અને તમારી પસંદના ફળ ઉમેરીને ખાવું.
3. સ્નેકના રુપમાં- ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો થોડી માત્રામાં સ્નેકની જેમ ખાઈ શકો છો.
આ પણ વાંચો: બ્રેક ફાસ્ટમાં બનાવો મસાલા ઓટ્સ…સ્વાદમાં લાજવાબ…વેઈટ લોસમાં કારગર..!
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં બનાવો ઓટ્સ અપ્પમ…સ્વાદમાં લાજવાબ…વેટ લૉસ જર્નીમાં મદદગાર રેસિપી..!
