Lifestyle: સવારની ચા કે કોફી સાથે નાસ્તામાં જો તમને અલગ-અલગ પ્રકારના પરોઠા ખાવાનું પસંદ હોય તો પ્રસ્તુત છે આ ટેસ્ટી અને હૅલ્ધી રેસિપી (Healthy Recipe)! પોષક ગુણોથી ભરપૂર એવા ઓટ્સના પરોઠાનો નાસ્તો તમને ખૂબ જ પસંદ પડશે અને તમે વારંવાર એ બનાવવાનું પસંદ કરશો!
મોટાભાગે, પરોઠાના શોખીન લોકો સવારના નાસ્તામાં આલુ પરોઠા, પનીર પરોઠા કે પછી ઓનિયન પરોઠા ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ, જો તમે કોઇ હૅલ્ધી ઑપ્શનની શોધમાં છો તો ઓટ્સ (Oats) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સ્વાસ્થ્ય માટે ઓટ્સનું સેવન અત્યંત ગુણકારી હોય છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઇબર (Fibre) હોય છે જેનાથી પાચન તો સુધરે જ છે અને એ ઉપરાંત, તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાનું મહેસૂસ થવાથી વારે-વારે ભૂખ પણ નથી લાગતી અને વજન (Weight Control) પણ કંટ્રોલમાં (Weight Control) રહે છે. ઓટ્સ શરીરને ઊર્જા (Energy) પ્રદાન કરે છે એનાથી શરીર સ્વસ્થ અને એક્ટિવ રહે છે અને બીમારીઓથી રક્ષણ થાય છે. આ રેસિપીથી ઝટપટ બનશે ગરમાગરમ હૅલ્ધી ઓટ્સ પરોઠા…તો ચાલો જાણીએ, આટલા બધા ફાયદા ધરાવતા ઓટ્સના પરોઠાની રેસિપી….

શી રીતે બનાવશો ઓટ્સ પરોઠા?
ઓટ્સ પરોઠા (Oats Paratha) બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.
સામગ્રી
1 કપ ઓટ્સ
1/2 કપ ઘઉંનો લોટ
1 ડુંગળી
1-2 લીલા મરચાં
1 ચમચી ગરમ મસાલો
સ્વાદાનુસાર મીઠું
સમારેલી કોથમીર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ઓટ્સને કકરા પીસી લો અને પછી એમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરી લો.
2. હવે આ લોટમાં મીઠું, ગરમ મસાલો, લીલા મરચા, બારીક કાપેલી ડુંગળી કે કોથમીર ઉમેરી લો. ત્યારબાદ, લોટને સારી રીતે કેળવીને લોટ બાંધી લો.
3. લોટ બાંધ્યા પછી ઉપર થોડુંક ઘી લગાવી દો જેથી એ સુકાઇ ન જાય. લોટને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપો.
4. હવે લોટના લુઆ બનાવીને પરોઠાના આકારમાં વણી લો.
5. ગરમ તવા પર આ પરોઠાને થોડી વાર શેકી લો.હવે થોડું ઘી, તેલ અથવા તો માખણ લગાવીને બંને તરફથી આ પરોઠાને શેકી લો.
આ જ પ્રમાણે બધા જ પરોઠા બનાવી લેવા. હૅલ્થ અને ટેસ્ટનું અનોખું મિશ્રણ એવા ગરમાગરમ ઓટ્સના પરોઠા સર્વ કરવા માટે તૈયાર છે!
આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…
આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો:ચોમાસામાં કોથમીર બગડી જાય છે? જલદીથી અપનાવો આ ટિપ્સ, અઠવાડિયા સુધી રહેશે તરોતાજા…!
