Navsari News: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામની એક યુવતી પાસેથી ₹28.43 લાખ પડાવી લેવાયાની ફરિયાદ સામે આવી છે. આ સમગ્ર મામલે યુવતીએ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે (Navsari Online Fraud). ફરિયાદ મુજબ, મધ્યપ્રદેશની એક મહિલા જ્યોતિષે મનગમતા યુવક સાથે લગ્ન કરાવવાની લાલચ આપી યુવતી પાસેથી પૂજા-વિધિના નામે અલગ-અલગ બેંક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં. યુવતીએ વધુ રૂપિયા આપવાની ના પાડતાં આરોપીએ તેના અંગત ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
Navsari Online Fraud: ઈન્સ્ટાગ્રામની રીલ જોઈને મહિલા જ્યોતિષનો સંપર્ક કર્યો
ફરિયાદ મુજબ, યુવતી પોતાની પસંદના યુવક સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર તેણે ‘ઈશા શર્મા’ નામની મહિલા જ્યોતિષની રીલ જોઈ હતી. રીલમાં પ્રેમલગ્ન કરાવવા અને મનોકામના પૂરી કરવા વિશેષ પૂજા-વિધિ કરવાના દાવા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવતીએ મહિલા જ્યોતિષ સાથે સંપર્ક કર્યો હતો.
પૂજા-વિધિના નામે 29 બેંક ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર
ફરિયાદ મુજબ, મહિલા જ્યોતિષે યુવતી અને તેની પસંદગીના યુવકની કુંડળીમાં દોષ હોવાનું કહી તેને દૂર કરવા વિશેષ પૂજા કરાવવી પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ કારણો આપીને યુવતી પાસેથી આશરે 29 બેંક ખાતાંમાં કુલ ₹28.43 લાખ ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આક્ષેપ (Woman Astrologer Fraud) છે.
આટલી મોટી રકમ ચૂકવવા માટે યુવતીએ પોતાની જમા કરેલી બચતમાંથી નાણાં વાપર્યા હતા. આ ઉપરાંત, મિત્રો અને સગાં-સંબંધીઓ પાસેથી પણ નાણાં ઉધાર લીધાં હોવાની વિગતો ફરિયાદમાં જણાવવામાં આવી છે.
વધુ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં બ્લેકમેલિંગનો આક્ષેપ
ફરિયાદ મુજબ, મોટી રકમ ચૂકવ્યા બાદ પણ યુવતીની ઇચ્છા પૂરી ન થતાં તેણે વધુ નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો. આથી મહિલા જ્યોતિષે યુવતી અને તેના પસંદગીના યુવકના અંગત ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, પરિવારજનો અને ગામના લોકો સામે બદનામ કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ (Blackmail Case) કર્યાનો પણ આરોપ છે.
બીલીમોરા પોલીસમાં ફરિયાદ, તપાસ શરૂ
આ ઘટનાને લઈને યુવતીએ બીલીમોરા પોલીસ (Bilimora Police) સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે. ફરિયાદના આધારે પોલીસે મધ્યપ્રદેશની મહિલા જ્યોતિષ ઈશા શર્મા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ બેંક ખાતાંની વિગતો સહિતના વિવિધ પુરાવાઓ એકત્રિત કરીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હાલ આરોપ સામેના આક્ષેપોની સત્યતા તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: અમદાવાદમાં IT કંપની અને સરકારી પ્રોજેક્ટના નામે ₹1.07 કરોડની ઠગાઈનો આક્ષેપ, બે સામે ફરિયાદ
આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નામે ઠગાઈ! IITના કમ્પાઉન્ડરને રૂ.₹1.35 લાખનો ચૂનો
આ પણ વાંચો: દિવાળીમાં ટૂર પ્લાન કરો છો? તો ચેતી જજો, ટિકિટના નામે ઠગાઈ!
