Ahmedabad News/ અમદાવાદમાં ₹34.15 લાખની લૂંટ અને અપહરણ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો

અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 ઓક્ટોબર, 2026ના રોજ લૂંટ અને અપહરણની (Ahmedabad Robbery)ઘટના બની હતી

Gujarat Ahmedabad
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ વિસ્તારમાં ₹34.15 લાખની લૂંટ અને અપહરણના કેસ (Ahmedabad Robbery)માં મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહિલને ઝડપી પાડ્યો છે

Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ વિસ્તારમાં ₹34.15 લાખની લૂંટ અને અપહરણના કેસ (Ahmedabad Robbery)માં મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહિલને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ લૂંટનું કાવતરું ઘડી સાગરીતોને બેંકમાંથી રોકડ રકમ લઈને જતા વેપારીના કર્મચારીની માહિતી આપી હતી. આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.

બેંકમાંથી રોકડ લઈને જતા કર્મચારીને બનાવ્યો નિશાન

અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 ઓક્ટોબર, 2026ના રોજ લૂંટ અને અપહરણની (Ahmedabad Robbery)ઘટના બની હતી. ફરિયાદી અને સાહેદ એક્ટિવા પર વસ્ત્રાલથી બાપુનગર તરફ જઈ રહ્યા હતા. તેમની પાસે રોકડ રકમ ભરેલી બેગ હતી. તેઓ રાજેન્દ્ર પાર્ક પાસે આવેલા રામરાજ્ય બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે સ્વિફ્ટ કારમાં આવેલા બે શખસોએ તેમનું ટુ-વ્હીલર અટકાવ્યું હતું.

આ શખસોએ પોતે GST અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી અને સાહેદને ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમની પાસેથી રોકડ રકમ ભરેલી બેગ અને ત્રણ મોબાઇલ ફોન લઈ બંનેને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આરોપીઓ ફરિયાદી અને સાહેદને ગાંધીનગરના ધોળા કૂવા વિસ્તારમાં છોડી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં કુલ ₹34.15 લાખની મત્તાની લૂંટ (34.15 Lakh Robbery)થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સથી મુખ્ય સૂત્રધારને શોધ્યો

લૂંટ અને અપહરણના આ ગુનાનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પ્રિતમ કૈલાશનારાયણ ગોહિલની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તેને ન્યૂ રાણીપ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રિતમ ફરિયાદી કેતન પરીખને ઓળખતો હતો. કેતન વસ્ત્રાલમાં આવેલી કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક અને બેંક ઓફ ઇન્ડિયામાંથી તેના શેઠ વતી મોટી રકમ ઉપાડી અલગ-અલગ સ્થળે પહોંચાડતો હતો. આ બાબતની જાણકારીનો લાભ લઈને પ્રિતમે લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસનું કહેવું છે.

₹5 લાખની લાલચ આપી સાગરીતોને લૂંટ માટે તૈયાર કર્યા

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રિતમે પોતાના ઓળખીતા વિશ્વજીત પ્રફુલકુમાર ગોસ્વામીને લૂંટ કરવા બદલ ₹5 લાખ આપવાની વાત કરી હતી. તેણે ફરિયાદીનો ફોટો અને બેંક સંબંધિત માહિતી પણ આપી હતી. ત્યારબાદ વિશ્વજીતે ખેડામાં રહેતા મહીપાલ સાથે મળીને લૂંટ અને અપહરણની ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે પ્રિતમ ગોહિલને (Pritam Gohil)ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને વધુ તપાસ માટે ઓઢવ પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં વિશ્વજીત અને મહીપાલની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સાબરમતીના લૂંટ કેસમાં પણ વોન્ટેડ હોવાનો ખુલાસો

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પકડાયેલો પ્રિતમ ગોહિલ (Pritam Gohil)વર્ષ 2025માં સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટ અને મારામારીના કેસમાં પણ વોન્ટેડ છે. આ ઉપરાંત, તેની સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યા, મારામારી અને પ્રોહિબિશન સહિતના અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે.

બીજી તરફ, વિશ્વજીત ગોસ્વામી સામે પણ અગાઉના વિવિધ પોલીસ કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. હાલ ઓઢવ લૂંટ કેસમાં અન્ય આરોપીઓની શોધ અને લૂંટાયેલી રકમની રિકવરી અંગેની તપાસ મહત્વપૂર્ણ બની છે.


આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાપુરમાં અપહરણ અને લૂંટની ઘટના , IT કંપનીના કર્મચારી સાથે અપહરણ અને લૂંટ , 

આ પણ વાંચો: અમદાવાદમાં ચા પીતા 3 મિત્રોનું અપહરણ કરી લૂંટ, છરી બતાવી રૂ. 5,500 પડાવ્યા

આ પણ વાંચો: ભાવનગરનાં બોરતળાવ અપહરણ કેસમાં છ ઝડપાયા