Ahmedabad News : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી (Share Market Fraud)કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ (4 Arrested) કરી છે. આરોપીઓ લોકોને બનાવટી ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરાવી તેમના નાણાં પડાવતા (Investment Scam)હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ બેંક ખાતાઓ કમિશન પર મેળવીને દુબઈમાં બેઠેલા સાગરીતો સુધી પહોંચાડતી હતી. પોલીસને આરોપીઓ પાસેથી 30થી વધુ બેંક ખાતાઓની કિટ મળી છે. આ ખાતાઓ સાથે દેશનાં 15થી વધુ રાજ્યોમાં 80થી વધુ સાયબર ફરિયાદો જોડાયેલી હોવાનું પણ સામે આવ્યું છે.
બનાવટી એપ્લિકેશનમાં રોકાણ કરાવી ₹67.92 લાખ પડાવ્યા
ફરિયાદીને અલગ-અલગ વોટ્સએપ નંબર પરથી ફોન કરીને Julius Baer કંપનીની JB X One નામની એપ્લિકેશનમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં રોકાણ કરવાથી કોઈ બ્રોકરેજ ચાર્જ નહીં લાગે અને કંપની SEBIમાં રજિસ્ટર્ડ હોવાનું જણાવી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાયો હતો. આ માટે SEBIના નામ, લોગો અને સહી-સિક્કાવાળું બનાવટી સર્ટિફિકેટ પણ મોકલવામાં આવ્યું હતું.
આ રીતે ફરિયાદી પાસે JB X One એપ્લિકેશનમાં કુલ ₹47.14 લાખનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ICICI Securitiesની કર્મચારી અંજુ ગર્ગ તરીકે ઓળખ આપીને અન્ય એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો.
Share Market Fraud : એક દિવસમાં 5થી 20 ટકા નફાની લાલચ આપી
આ વ્યક્તિએ બ્લોક ટ્રેડિંગમાં રોકાણ કરવાથી એક જ દિવસમાં 5થી 20 ટકા સુધીનો નફો મળી શકે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ ફરિયાદીને ID-QSB નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન મારફતે ફરિયાદી પાસે વધુ ₹20.78 લાખનું રોકાણ કરાવવામાં આવ્યું હતું.

એપ્લિકેશનમાં શેરની ખરીદી-વેચાણના નામે ફરિયાદીના ખાતામાં ₹74,32,707.79નું બેલેન્સ દેખાડવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદીએ આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે 20 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને 4 ટકા હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ભરવાની માગણી કરવામાં આવી હતી. આમ, બનાવટી નફો અને ટેક્સના નામે વધુ નાણાં પડાવવાનો પ્રયાસ કરાયો હતો.
વડોદરા અને અમદાવાદમાંથી ચાર આરોપીઓ ઝડપાયા
આ મામલે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વડોદરા અને અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં ઈરફાન શેખ (ઉં.વ. 41), સોહેબ જોજાવરવાલા (ઉં.વ. 37), શેહઝાદ અજમેરવાલા (ઉં.વ. 35) અને ઈસ્તિયાક રીયાવાલા (ઉં.વ. 38)નો (4 Arrested)સમાવેશ થાય છે.
દુબઈમાં મોકલતા હતા બેંક ખાતાં, 50 કરોડથી વધુના વ્યવહારોની તપાસ
પોલીસ તપાસમાં આરોપીઓની ભૂમિકાઓ પણ સામે આવી છે. ઈરફાન શેખે કમિશન મેળવી પોતાનું બેંક ખાતું સોહેબને આપ્યું હતું. સોહેબે પોતાના સહિત ઈરફાન અને અન્ય લોકોનાં પાંચથી વધુ બેંક ખાતાં શેહઝાદને આપ્યાં હતાં. શેહઝાદ આ ખાતાં ઈસ્તિયાકને કમિશન પર પહોંચાડતો હતો. તે બેંક ખાતાધારકો શોધવાનું કામ પણ કરતો હતો.
આરોપી ઈસ્તિયાક આ સમગ્ર નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તે અન્ય આરોપીઓ પાસેથી બેંક ખાતાં મેળવી દુબઈમાં બેઠેલા સાગરીતોને મોકલતો હતો. તેની પાસેથી 30થી વધુ બેંક ખાતાઓની કિટ મળી આવી છે.
પોલીસે આ બેંક ખાતાઓ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસતાં 15થી વધુ રાજ્યોમાં 80થી વધુ ફરિયાદો સાથે તેમનું જોડાણ મળી આવ્યું છે. આ ફરિયાદો સાથે સંકળાયેલા વ્યવહારોની કુલ રકમ ₹50 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ (Cyber Crime Ahmedabad)આ સમગ્ર નેટવર્ક અને દુબઈ સુધી પહોંચતા નાણાકીય વ્યવહારોની (Dubai Bank Accounts)વધુ તપાસ કરી રહી છે.
