Surat News/ એરપોર્ટ જેવી સુવિધા, 15 હજાર મુસાફરોની ક્ષમતા! ઉધના સ્ટેશન પર તૈયાર થયું મેગા હોલ્ડિંગ સેન્ટર

Udhna Railway Station પર દિવાળી અને છઠ પૂજાના મુસાફરો માટે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્ર તૈયાર કરાયું છે. 15 હજાર મુસાફરોની ક્ષમતા, AI મોનિટરિંગ, 55 CCTV કેમેરા અને અન્ય સુવિધાઓ વિશે જાણો.

Surat Top Stories Gujarat Breaking News
Udhna Railway Station: યાત્રી સુવિધા કેન્દ્ર તૈયાર, એકસાથે 15 હજાર મુસાફરોની વ્યવસ્થા

Surat News: દિવાળી અને છઠ પૂજા દરમિયાન વતન જતાં મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા પશ્ચિમ રેલવે દ્વારા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વિશાળ પેસેન્જર હોલ્ડિંગ સેન્ટર તૈયાર (Udhna Railway Station) કરવામાં આવ્યું છે. એરપોર્ટ ટર્મિનલ જેવી સુવિધાઓ ધરાવતા આ કેન્દ્રમાં એકસાથે 10થી 15 હજાર મુસાફરો રોકાઈ શકશે. 1 નવેમ્બરથી મુસાફરો માટે આ સુવિધા શરૂ કરવાની તૈયારી છે. આ વ્યવસ્થાનો હેતુ તહેવારો દરમિયાન સ્ટેશન અને પ્લેટફોર્મ પર થતી ભીડને નિયંત્રિત કરવા અને નાસભાગ જેવી ઘટનાઓનું જોખમ ઘટાડવાનો છે.

Udhna Railway Station: એરપોર્ટ જેવી સુવિધાઓ, પીવાના પાણી માટે 40થી વધુ નળ

ઉધના સ્ટેશન પર તૈયાર કરાયેલા હોલ્ડિંગ સેન્ટરમાં મુસાફરોની અવરજવર સરળ બને તે માટે મોટા સાઇન બોર્ડ અને ડિજિટલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યાં છે. વિશાળ પરિસરમાં કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમી અને ભીડ વચ્ચે મુસાફરોને રાહત મળે તે માટે મોટા એર સર્ક્યુલેશન ફેન લગાવવામાં આવ્યા છે. પીવાના શુદ્ધ પાણી માટે RO પ્લાન્ટ સાથે 40થી વધુ વોટર ટેપ્સની સુવિધા ઊભી કરવામાં આવી છે. વડીલોને આરામ મળી રહે તે માટે ખાસ બેન્ચ અને સ્વચ્છતા જાળવવા માટે ડસ્ટબિન પણ (Passenger Holding Area) ગોઠવવામાં આવ્યાં છે.

મહિલા, પુરુષ અને દિવ્યાંગ મુસાફરો માટે અલગ શૌચાલય

હોલ્ડિંગ સેન્ટરમાં મુસાફરોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને શૌચાલય અને સ્નાનગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. પુરુષો માટે 10 વેસ્ટર્ન ટોયલેટ, 49 યુરિનલ, 16 વોશ બેસિન અને 6 બાથરૂમ બનાવવામાં આવ્યાં છે. જ્યારે મહિલાઓ માટે 13 ટોયલેટ, 10 વોશ બેસિન અને 4 બાથરૂમની સુવિધા છે. દિવ્યાંગ મુસાફરો માટે પણ અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

જનરલ ટિકિટ લેવા માટે મુસાફરોને સ્ટેશન પર અન્યત્ર ભટકવું ન પડે તે માટે હોલ્ડિંગ સેન્ટરમાં જ આશરે 10 વધારાની ટિકિટ વિન્ડો ઊભી કરવામાં આવી છે. મુસાફરોને સીધા પ્લેટફોર્મ પર જવાને બદલે પહેલાં હોલ્ડિંગ એરિયામાં (Udhna Passenger Facility Centre) રોકવામાં આવશે. ત્યારબાદ ટ્રેનના સમય પ્રમાણે RPFની દેખરેખ હેઠળ લાઇન બનાવીને તેમને ટ્રેનમાં બેસાડવામાં આવશે.

55 CCTV કેમેરા અને AIથી ભીડનું મોનિટરિંગ

મુસાફરોની સુરક્ષા અને ભીડનું સંચાલન કરવા માટે હોલ્ડિંગ સેન્ટરમાં કુલ 55 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમાં 8 ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS), 8 વીડિયો એનાલિટિક્સ કેમેરા, 4 PTZ કેમેરા અને 35 અલ્ટ્રા HD કેમેરાનો સમાવેશ થાય છે. આ કેમેરાની મદદથી ભીડની સ્થિતિ પર નજર (AI CCTV Monitoring) રાખવામાં આવશે. તેના માટે સ્ટેશન પર ખાસ કંટ્રોલ રૂમ એટલે કે વૉર રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

રેલવેના જણાવ્યા મુજબ, વૉર રૂમમાં અધિકારીઓ અને RPFના કર્મચારીઓ તૈનાત રહીને CCTV ફીડના આધારે પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. સોશિયલ મીડિયા પર જૂના વીડિયો દ્વારા ભીડ અંગે અફવા ફેલાવવાના કિસ્સાઓમાં પણ તથ્યોની ચકાસણી કરવામાં આવશે. નિયમભંગ જણાશે તો લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

250થી વધુ સ્પેશિયલ ટ્રેનો, 150થી વધુ સ્પીકરથી માહિતી

દિવાળી અને છઠ પૂજા દરમિયાન સુરત તથા ઉધના સ્ટેશન પરથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ મોટી સંખ્યામાં મુસાફરો પ્રવાસ કરે છે. રેલવેના જણાવ્યા મુજબ, આ સમયગાળામાં દરરોજ આશરે 15થી 20 હજાર મુસાફરોની અવરજવર રહે છે. વધારાના ધસારાને પહોંચી વળવા માટે નિયમિત ટ્રેનો ઉપરાંત 250થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો જાહેર કરવામાં આવી છે.

ટ્રેનના આગમન, પ્રસ્થાન અને પ્લેટફોર્મ સંબંધિત માહિતી મુસાફરોને સમયસર મળી રહે તે માટે હોલ્ડિંગ સેન્ટરમાં મલ્ટી-લાઇન ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ અને 150થી વધુ લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવેના PRO અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે તહેવારોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, ઉધનાનું આ યાત્રી સુવિધા કેન્દ્ર મુસાફરોને રાહત આપવા, ભીડનું વ્યવસ્થિત સંચાલન કરવા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવાના હેતુથી તૈયાર કરાયું છે. હવે તહેવારો દરમિયાન આ વ્યવસ્થા કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર મુસાફરોની નજર રહેશે.


આ પણ વાંચો: ગુજરાત અને રાજસ્થાનના ઐતિહાસિક સ્થળોને જોડશે અમદાવાદ-બિકાનેર દૈનિક રેલ્વે સર્વિસ

આ પણ વાંચો: PM મોદી 30 ઑક્ટોબરે ગુજરાતની 2 નવી ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો રૂટ અને સમય

આ પણ વાંચો: અમદાવાદમાં ચાંદખેડા રોડ સ્ટેશન પર MEMU ટ્રેનનું સ્ટોપેજ શરૂ, જાણો સમય