National News: Imran Khan SIR Protest (SIR વિરોધ પ્રદર્શન) મામલે એક્ટર ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં બિનશરતી માફી માગી છે. તેમણે કોર્ટને ખાતરી આપી છે કે ભવિષ્યમાં તેઓ કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે નહીં. ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ (Leave India Notice) મળ્યા બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે અને આગામી સુનાવણી 7 ડિસેમ્બરે નક્કી કરી છે.
SIR વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ ઇમરાનની માફી
અભિનેતા ઇમરાન ખાન (Imran Khan Actor) SIR એટલે કે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયાના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ મામલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને ‘લીવ ઇન્ડિયા નોટિસ’ આપવામાં આવી હતી. આ નોટિસને પડકારવા માટે ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઇમરાન ખાનને બિનશરતી માફી માગવા અને ભવિષ્યમાં આવા પ્રદર્શનોમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપવા જણાવ્યું હતું. આ પછી ઇમરાન ખાને કોર્ટમાં માફી માગી હતી અને ભવિષ્યમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થવાની ખાતરી આપી હતી.
‘તમારી રોજીરોટી આ દેશમાં ચાલે છે’, હાઈકોર્ટની ટકોર

આ સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટની બેન્ચે ઇમરાન ખાનના OCI દરજ્જા અને વિરોધ પ્રદર્શનમાં તેમની ભાગીદારી અંગે સવાલો ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચે કહ્યું હતું કે ઇમરાન ખાન લાંબા સમયથી ભારતમાં રહે છે, પરંતુ અગાઉ ક્યારેય કોઈ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા નહોતા. તો પછી અત્યારે આ પ્રદર્શનમાં જોડાવાનું કારણ શું છે?
કોર્ટે એવું પણ કહ્યું કે ઇમરાન ખાન અમેરિકન નાગરિક છે અને તેમની પાસે ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ છે. તેઓ ભારતીય નાગરિક નથી અને SIR પ્રક્રિયાથી સીધી રીતે પ્રભાવિત પણ થતા નથી. આવી સ્થિતિમાં તેમણે વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અંગે વિચારવું જોઈએ.
કોર્ટે ટકોર કરતાં કહ્યું કે સેલિબ્રિટી પાસેથી આવી અપેક્ષા રાખવામાં આવતી નથી. તમારી રોજીરોટી પણ આ જ દેશમાંથી ચાલે છે. કોર્ટે ભારતીય નાગરિકતા માટે અરજી કરવા અંગે પણ સવાલ કર્યો હતો.
કેન્દ્ર સરકારને ‘વસુધૈવ કુટુંબકમ્’ની યાદ અપાવી
આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ભારતના ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંતની યાદ અપાવી હતી. બેન્ચે કહ્યું કે ભારતની ઉદારતા જુઓ કે એક અમેરિકન નાગરિકને તાત્કાલિક દેશમાંથી બહાર કાઢવાને બદલે પહેલાં નોટિસ આપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી છે.
કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે જો કોઈ ભારતીય નાગરિકે વિદેશમાં આવી પ્રવૃત્તિ કરી હોત, તો તેને કદાચ આગલી ફ્લાઇટમાં જ ભારત પરત મોકલી દેવામાં આવ્યો હોત.
બીજી તરફ, ઇમરાન ખાનને પોતાની સામે આપવામાં આવેલી ‘લીવ ઇન્ડિયા નોટિસ’નો જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને પણ પોતાનો જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
7 ડિસેમ્બરે આગામી સુનાવણી, નોટિસ પર વચગાળાની રોક
ઇમરાન ખાનને આ કેસમાં વચગાળાનું રક્ષણ મળ્યું છે. બોમ્બે હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી તેમની સામે આપવામાં આવેલી ‘લીવ ઇન્ડિયા નોટિસ’ પર રોક લગાવી છે. એટલે કે હાલ તેમને ભારત છોડવાની જરૂર રહેશે નહીં.
આ ઉપરાંત, ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા 17 ઑક્ટોબરે ઇમરાન ખાનનું OCI કાર્ડ રદ કરવા અંગે અલગથી કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી. આ મામલો પણ કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે.
હવે આ સમગ્ર કેસની આગામી સુનાવણી 7 ડિસેમ્બરે થશે. તેમાં કેન્દ્ર સરકારનો જવાબ અને ઇમરાન ખાનને આપવામાં આવેલી નોટિસ અંગે વધુ સુનાવણી થશે. હાલ ઇમરાન ખાનને વચગાળાની રાહત મળી છે, પરંતુ OCI કાર્ડ અંગેનો અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે.
