National News : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા વિદેશી મદદથી સત્તા સુધી પહોંચ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ વડાપ્રધાનને દેશ સાથે જૂઠું બોલવાનું બંધ કરવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, તેમણે આ મુદ્દે PM મોદીને ખુલ્લી ચર્ચા (PM Modi Debate)કરવાનો પડકાર પણ ફેંક્યો છે.
રાહુલ ગાંધીનો PM મોદી પર સીધો પ્રહાર
રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ‘મોદીજી, આ દેશ સાથે જૂઠું બોલવાનું બંધ કરો. તમે વિદેશી મદદ (Foreign Support)થી વડાપ્રધાન બન્યા છો અને વિદેશી મદદ (Foreign Support)થી જ વડાપ્રધાન બનેલા છો. તમારી આર્થિક વ્યવસ્થા સંપૂર્ણપણે વિદેશીઓના નિયંત્રણ અને સમર્થન પર ચાલે છે. વિદેશી સોશિયલ મીડિયા પણ સંપૂર્ણ રીતે તમારી સાથે ઊભું છે.’

રાહુલ ગાંધીના આ નિવેદનથી ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. તેમણે પોતાના દાવાઓને લઈને વડાપ્રધાનને સીધો સામનો કરવાની પણ તૈયારી દર્શાવી છે.
PM મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર
પોતાની પોસ્ટમાં રાહુલ ગાંધીએ (Rahul Gandhi)વડાપ્રધાન મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું તમને આ મુદ્દે ખુલ્લી ચર્ચા માટે પડકાર આપું છું. કોઈપણ મંચ અને કોઈપણ સમય નક્કી કરી લો, જો હિંમત હોય તો આવો.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન આ ચર્ચામાં ભાગ લેશે નહીં, કારણ કે તેઓ રાહુલ ગાંધી પાસે રહેલી કેટલીક બાબતોથી ડરે છે. આ નિવેદન સાથે તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનની નીતિઓ સામે ફરી સવાલો ઊભા કર્યા છે.
એકતા નગરમાં PM મોદીએ વિપક્ષને ઘેર્યો હતો
રાહુલ ગાંધીનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 31 ઓક્ટોબરના સંબોધન બાદ સામે આવ્યું છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કેટલીક શક્તિઓ દેશના વિકાસમાં અવરોધ ઊભો કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને ભારતની છબીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
‘દિમાગી નક્સલીઓ’ સામે પણ PM મોદીની ચેતવણી
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદી (Narendra Modi)એ દેશની એકતા અને અખંડિતતા સામે પડકાર ઊભા કરનારી તાકાતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ‘દિમાગી નક્સલીઓ’ સામે ચેતવણી આપવાની સાથે દેશમાં સેક્યુલર સિવિલ કોડ તરફ આગળ વધવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
PM મોદી ના આ નિવેદન બાદ હવે રાહુલ ગાંધીએ વિદેશી મદદના મુદ્દે વડાપ્રધાનને ચર્ચાનો પડકાર આપ્યો છે. બંને નેતાઓ વચ્ચેના આ શાબ્દિક યુદ્ધને કારણે રાષ્ટ્રીય રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
