Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને લઈને વિવાદ ઊભો (Gujarat University Waste Contract) થયો છે. NSUIએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસમાંથી કચરો પીરાણા ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાનું કામ છેલ્લા છ વર્ષથી ધ્રુવ કોર્પોરેશનને (Dhruv Corporation) કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના સોંપવામાં આવ્યું છે. સંગઠનના જણાવ્યા મુજબ, એક ડમ્પર દીઠ રૂ. 8 હજાર ચૂકવવામાં આવે છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આ જ પ્રકારની કામગીરી રૂ. 2,000થી 2,500માં કરે છે. આ રીતે યુનિવર્સિટીને અંદાજે રૂ. 2.5થી 3 કરોડનું નુકસાન થયું હોવાનો NSUIએ દાવો કર્યો છે. બીજી તરફ, યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ રજૂઆતના આધારે તપાસ કરીને ખામી જણાશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
Gujarat University Waste Contract: ટેન્ડર વગર છ વર્ષથી કોન્ટ્રાક્ટ ચાલતો હોવાનો આક્ષેપ
NSUIના જણાવ્યા મુજબ, ગુજરાત યુનિવર્સિટીના અલગ-અલગ વિભાગો અને કેમ્પસમાંથી એકત્રિત થતો કચરો એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે. ત્યારબાદ આ કચરો પીરાણા ડમ્પિંગ સાઇટ (Pirana Dumping Site) સુધી પહોંચાડવાની કામગીરી ધ્રુવ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. સંગઠનનો આક્ષેપ છે કે આશરે છ વર્ષથી કંપની આ કામગીરી કરી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટ આપતી વખતે કોઈ ટેન્ડર કે જાહેર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી.
NSUIએ સવાલ ઉઠાવ્યો છે કે સરકારી સંસ્થા AMC કરતાં વધુ ભાવ ચૂકવીને ખાનગી કંપનીને આ કામ શા માટે સોંપવામાં (Contract Irregularities) આવ્યું? સંગઠનના જણાવ્યા મુજબ, AMCમાં એક ડમ્પર દીઠ કચરો ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાનો દર રૂ. 2,000થી 2,500 છે, જ્યારે ધ્રુવ કોર્પોરેશનને રૂ. 8 હજાર ચૂકવવામાં આવે છે.
સન કંપનીને સફાઈ માટે દર મહિને રૂ. 22 લાખ ચૂકવાતા હોવાનો દાવો
ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટીમાં કચરો સાફ કરવાની કામગીરી માટે સન નામની કંપનીને દર મહિને રૂ. 22 લાખ ચૂકવવામાં આવે છે. તેમ છતાં, કેમ્પસમાંથી એકત્રિત થયેલો કચરો પીરાણા ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવા માટે અલગથી ધ્રુવ કોર્પોરેશનને કામગીરી સોંપવામાં આવી છે.
વિક્રમસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ટેન્ડર કે જાહેરખબર વિના રૂ. 60 લાખથી વધુની ચૂકવણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં એકાઉન્ટ, ઓડિટ, એસ્ટેટ વિભાગથી લઈને રજિસ્ટ્રાર કચેરી સુધીના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ થવી જોઈએ.
કંપનીને બ્લેકલિસ્ટ કરવાની NSUIની માગ
NSUIએ ધ્રુવ કોર્પોરેશનને આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની માગ કરી છે. વિક્રમસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે કંપનીને વધુ ભાવ ચૂકવીને યુનિવર્સિટીના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કંપની કોની છે અને કયા અધિકારીઓ સાથે તેની સાંઠગાંઠ છે તેની તપાસ કરવાની માગ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જો નાણાકીય ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે ફરિયાદ નોંધવામાં આવે. તેમના દાવા મુજબ, તાજેતરમાં બાકી નીકળતા રૂ. 12 લાખનું ચૂકવણું પણ રજિસ્ટ્રારની સહી બાદ કંપનીને કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વ્યવહારને કારણે યુનિવર્સિટીને રૂ. 2.5થી 3 કરોડનું નુકસાન થયું હોવાનો NSUIનો આક્ષેપ છે.
તપાસમાં ખામી જણાશે તો કાર્યવાહી કરીશું: ઇન્ચાર્જ કુલપતિ
આ મામલે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંગઠન તરફથી રજૂઆત મળી છે કે ધ્રુવ કોર્પોરેશનને સામાન્ય દર કરતાં વધુ ભાવે કચરો ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી છે. આ રજૂઆતના આધારે સમગ્ર મામલાની હકીકતલક્ષી તપાસ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે રૂ. 10 લાખથી વધુના ખર્ચ માટે ટેન્ડર પ્રક્રિયા જરૂરી હોય છે. છેલ્લા કેટલાક વર્ષથી આ કામગીરી કઈ રીતે ચાલી રહી હતી તેની તપાસ કરાશે. જો તપાસમાં કોઈ ગેરરીતિ કે નિયમભંગ સામે આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. AMC ઓછા ભાવે આ કામગીરી કરી શકતી હશે તો તે વિકલ્પ અંગે પણ વિચારણા કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં લાખોનું કૌભાંડ!? પૂર્વ કુલપતિના વિદેશ પ્રવાસને લઈ વિવાદ
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ નીરજા ગુપ્તાએ આપ્યું રાજીનામું
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં Safety Auditની માંગ, NSUIનું આવેદન
