Rajkot News/ હવે રાજકોટવાસીઓને નહીં સતાવે પાણીકાપની ચિંતા! બંને ડેમમાં નર્મદાનું પાણી શરૂ

Rajkot Narmada Water: ઓછા વરસાદ વચ્ચે રાજકોટને રાહત મળી છે. આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજના હેઠળ દરરોજ કુલ 35 MCFT નર્મદાનું પાણી પહોંચાડાશે.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Narmada Water: રોજ 35 MCFT પાણી પહોંચાડવાની યોજના

Rajkot News: રાજકોટમાં ઓછા વરસાદને કારણે દિવાળી બાદ પાણીકાપ મુકવાની શક્યતા ઊભી થઈ હતી, પરંતુ હવે શહેરના લોકોને મોટી રાહત મળી છે. આજી-1 ડેમ બાદ રાજકોટના બીજા મુખ્ય જળાશય ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના નીર (Rajkot Narmada Water) પહોંચાડવાનું શરૂ કરાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા ન્યારી ડેમમાં દરરોજ 15થી 16 MCFT પાણી આપવામાં આવશે. આ રીતે અંદાજે દોઢથી બે મહિનામાં ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે.

Rajkot Narmada Water: આજી અને ન્યારીમાં રોજ 35 MCFT પાણી અપાશે

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે બપોરથી આજી-1 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત પાણી આપવાનું શરૂ કરાયું હતું.

મનપાના સિટી ઇજનેર કે. પી. દેથરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રાજકોટની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્મદાનું (Rajkot Water Crisis) પાણી આપવાની માગ સ્વીકારી છે. આજી અને ન્યારી ડેમમાં અલગ-અલગ લાઇન મારફતે દરરોજ કુલ આશરે 35 MCFT પાણી આપવામાં આવશે. આજી ડેમમાં રોજ 18થી 20 MCFT અને ન્યારી ડેમમાં 15થી 16 MCFT પાણી પહોંચાડવાની યોજના છે.

ન્યારી ડેમમાં હાલ 347.5 MCFT પાણી

હાલમાં આજી-1 ડેમમાં (Aji Dam) 19.50 ફૂટ સપાટી સાથે આશરે 400 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ડેમની કુલ સપાટી 29 ફૂટ અને સંગ્રહ ક્ષમતા આશરે 917 MCFT છે.

બીજી તરફ, ન્યારી-1 ડેમમાં (Nyari Dam) હાલ 13.94 ફૂટ સપાટી સાથે આશરે 347.5 MCFT પાણી ઉપલબ્ધ છે. સૌની યોજના હેઠળ દરરોજ 15થી 16 MCFT પાણી મળવાથી આગામી દોઢથી બે મહિનામાં ડેમ ભરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પાણીકાપની શક્યતા ટળી, નિયમિત વિતરણ ચાલુ રહેશે

ઓછા વરસાદને કારણે રાજકોટમાં દિવાળી બાદ પાણીકાપ મુકવો પડે તેવી આશંકા હતી. જોકે, આજી અને ન્યારી બંને ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાનું શરૂ થતાં શહેરની પાણીની સ્થિતિમાં રાહત મળવાની અપેક્ષા છે.

મનપા દ્વારા હાલની વ્યવસ્થા મુજબ શહેરમાં દરરોજ 20 મિનિટ પાણીનું વિતરણ કરવામાં આવશે. બંને ડેમમાં પાણીનો જથ્થો વધવાથી આગામી દિવસોમાં રાજકોટવાસીઓને પીવાના પાણીની અછતનો સામનો કરવો ન પડે તે માટેની વ્યવસ્થા મજબૂત બનશે.


આ પણ વાંચો: પાણીની અછત વચ્ચે રાજકોટને રાહત, ન્યારી-1માં સૌની યોજના હેઠળ ફરી પાણી શરૂ

આ પણ વાંચો: રાજકોટમાં પાણીની ચિંતા છોડો! નર્મદાના નીરથી જરૂરિયાત પૂરી કરાશે: મેયર

આ પણ વાંચો: રાજકોટવાસીઓને દિવાળી પહેલાં પાણીની રાહતની આશા, આજી-ન્યારી ડેમમાં આવશે નર્મદાનું પાણી