bussiness news/ તહેવારો પહેલાં અમૂલના ગ્રાહકોને ઝટકો, ઘી અને બટરના નવા ભાવ જાહેર

દિવાળી પહેલાં અમૂલે ઘી અને બટરના ભાવ (Amul Ghee Price Hike) વધાર્યા. 1 કિલો ઘી રૂ.630થી વધીને રૂ.680 થયું, જ્યારે 100 ગ્રામ બટર હવે રૂ.66નું મળશે.

Top Stories Breaking News Business
Amul Ghee Price Hike: 1 કિલો ઘી ₹50 મોંઘું, બટરના ભાવમાં પણ વધારો

Bussiness News: દિવાળીના તહેવાર પહેલાં અમૂલના ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો (Amul Ghee Price Hike) લાગ્યો છે. અમૂલે ઘી અને બટરના ભાવમાં રૂ. 3થી રૂ. 50 સુધીનો વધારો કર્યો છે. હવે 1 કિલો ઘીના કાર્ટન માટે ગ્રાહકોએ રૂ. 630ને બદલે રૂ. 680 ચૂકવવા પડશે. જ્યારે 100 ગ્રામ બટરના પેકનો ભાવ રૂ. 63થી વધારીને રૂ. 66 કરવામાં આવ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાં નકલી ઘી સામે થયેલી કાર્યવાહી બાદ બ્રાન્ડેડ ઘીની માગમાં વધારો થતાં ભાવ વધારાનું દબાણ (Diwali Price Hike) ઊભું થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.

Amul Ghee Price Hike: અમૂલના ઘી અને બટરના નવા ભાવ

અમૂલે અલગ-અલગ પેકિંગમાં ઘી અને બટરના ભાવમાં (Amul Butter Price) વધારો કર્યો છે. 500 ગ્રામ પ્યોર ઘીના પાઉચનો ભાવ રૂ. 325થી વધારીને રૂ. 345 કરવામાં આવ્યો છે. જ્યારે 500 ગ્રામ બટરના પેકની કિંમત રૂ. 310થી વધીને રૂ. 325 થઈ છે. 100 ગ્રામ બટરના પેકનો ભાવ રૂ. 63થી વધીને રૂ. 66 થયો છે. આમ, 1 કિલો ઘીના કાર્ટન પર રૂ. 50, 500 ગ્રામ પ્યોર ઘીના પાઉચ પર રૂ. 20, 500 ગ્રામ બટર પર રૂ. 15 અને 100 ગ્રામ બટર પર રૂ. 3નો વધારો થયો છે.

GST ઘટ્યા બાદ અમૂલે 700 પ્રોડક્ટ્સ સસ્તાં કર્યાં હતાં

સપ્ટેમ્બર 2025માં GSTના દરમાં ઘટાડો થયા બાદ અમૂલે લગભગ 700 ડેરી પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા હતા. ડેરી પ્રોડક્ટ્સ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો. તે સમયે 1 કિલો ઘીના કાર્ટનનો ભાવ રૂ. 650થી ઘટીને રૂ. 610 થયો હતો. 5 કિલોના ટિનની કિંમત રૂ. 3,275થી ઘટાડીને રૂ. 3,075 કરવામાં આવી હતી. તેવી જ રીતે 100 ગ્રામ બટરનો ભાવ રૂ. 62થી ઘટીને રૂ. 58 અને 500 ગ્રામ બટરનો ભાવ રૂ. 305થી ઘટીને રૂ. 285 થયો હતો. જોકે, તાજેતરના ભાવ વધારા બાદ GSTમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળતો હોવાનો અનુભવ હવે ઓછો થઈ શકે છે.

અમદાવાદ-વડોદરામાં ઘીના સ્ટોકની અછત

ભાવ વધારા સાથે અમૂલના કેટલાક ડેરી પ્રોડક્ટ્સની ઉપલબ્ધતાને લઈને પણ મુશ્કેલી (Dairy Product Prices) સામે આવી રહી છે. અમદાવાદ અને વડોદરાના દુકાનદારોના જણાવ્યા અનુસાર, ઘીનો સ્ટોક ઓછો થઈ રહ્યો છે. ગણેશોત્સવ બાદ માગ વધતાં ખાસ કરીને કાઉ ઘીની ઉપલબ્ધતા પર અસર પડી છે. મંગળવારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ડી-માર્ટ આઉટલેટમાં અમૂલ ઘી અને બટરનો સ્ટોક ન હોવાનું જાણવા મળ્યું હતું. આ સમસ્યા માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. જુલાઈ અને સપ્ટેમ્બર દરમિયાન પુણે તથા કોલકાતામાં પણ સપ્લાય અટકવાની ફરિયાદો સામે આવી હતી.

નકલી ઘી સામે કાર્યવાહી બાદ બ્રાન્ડેડ ઘીની માગ વધી

અમૂલ સાથે સંકળાયેલા એક સહકારી નેતાના જણાવ્યા અનુસાર, ગુજરાત અને રાજસ્થાનમાં નકલી ઘી સામે થયેલી કાર્યવાહી બાદ ગ્રાહકોમાં બ્રાન્ડેડ ઘીની માગ અચાનક વધી છે. છેલ્લા છ મહિનામાં બંને રાજ્યોના અલગ-અલગ વિસ્તારોમાંથી આશરે 2 લાખ કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું હોવાનો દાવો છે. આ કાર્યવાહી બાદ ગ્રાહકો અમૂલ જેવી જાણીતી બ્રાન્ડનું ઘી ખરીદવા તરફ વળ્યા હોવાનું જણાવાયું છે. સહકારી નેતાના જણાવ્યા પ્રમાણે, વર્ષ દરમિયાન વેચાતા કુલ ઘીમાંથી આશરે 45 ટકા ઘીનો વપરાશ માત્ર તહેવારોની સિઝનમાં થાય છે. તહેવારોમાં વધતી માગ અને સપ્લાય પરના દબાણને કારણે બજારમાં ઘીની ઉપલબ્ધતા પર પણ અસર પડી રહી છે.


આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં તેજી: સોનું ₹691 અને ચાંદી ₹2,540 મોંઘી

આ પણ વાંચો: 2027થી હવાઈ ભાડાં પર સરકારનું નિયંત્રણ નહીં, એરલાઇન્સ ખર્ચ મુજબ ટિકિટના દર નક્કી કરશે

આ પણ વાંચો: ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, સોનું ₹2,282 અને ચાંદી ₹1,264 સસ્તી