Narmada News: એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પરિસરમાં યોજાઈ રહેલા ‘ભારત પર્વ 2026’ને (Bharat Parv 2026) પ્રવાસીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. 1થી 15 નવેમ્બર દરમિયાન યોજાનારા આ મહોત્સવના પ્રથમ ત્રણ દિવસમાં જ 25 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ઉત્સવમાં દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા, લોકનૃત્યો અને પરંપરાગત વાનગીઓ એક જ સ્થળે માણવાની તક મળી રહી છે.

Bharat Parv 2026: વિવિધ રાજ્યોની હસ્તકલા અને પરંપરાગત કળાઓનું પ્રદર્શન
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરતા આ મહોત્સવમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસન પેવેલિયન ઊભા કરવામાં આવ્યા છે. અહીં રાજ્યોનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળો ઉપરાંત પરંપરાગત કલા, હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું પ્રદર્શન થઈ રહ્યું છે. ઓડિશાની સંબલપુરી સાડી અને પટ્ટચિત્ર કલા, આસામની મુગા સિલ્ક, બિહારની મધુબની ચિત્રકલા, મધ્યપ્રદેશની ચંદેરી અને મહેશ્વરી સાડી તેમજ જમ્મુ-કાશ્મીરની પશ્મિના શાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
![]()
ગુજરાત તરફથી પટોળા, પીઠોરા ચિત્રકલા અને અજરખ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત છત્તીસગઢની વાંસની કળાકૃતિઓ અને અંદમાન-નિકોબારની શંખકલા પણ મુલાકાતીઓને આકર્ષી રહી છે. પ્રવાસીઓ હસ્તકલાના લાઇવ ડેમો નિહાળવાની સાથે કારીગરો પાસેથી પરંપરાગત કળા બનાવવાની પ્રક્રિયા જાણી શકે છે અને વિવિધ ઉત્પાદનોની ખરીદી પણ કરી શકે છે.
25 ફૂડ સ્ટોલ પર દેશભરની વાનગીઓનો સ્વાદ
ભારત પર્વનું બીજું મોટું આકર્ષણ વિવિધ રાજ્યોના 25 ફૂડ સ્ટોલ છે. અહીં મહારાષ્ટ્ર, કર્ણાટક, સિક્કિમ, આસામ, લદ્દાખ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત સહિતનાં રાજ્યોની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવી રહી છે. બિહારની લિટ્ટી ચોખા અને ઠેકુઆ, રાજસ્થાનની દાલ બાટી અને પ્યાઝ કચોરી, મધ્યપ્રદેશની ગજક અને રતલામી સેવ, પશ્ચિમ બંગાળની ઝાલમુડી અને પત્તીસપ્ત પીઠા તેમજ સિક્કિમના વેજ મોમો અને સેલ રોટી પ્રવાસીઓના આકર્ષણનું (Ekta Nagar tourism) કેન્દ્ર બન્યાં છે.
![]()
![]()
આ ઉપરાંત IIHM શિમલા અને IIHM ગાંધીનગર દ્વારા સંચાલિત સ્ટુડિયો કિચનમાં દરરોજ વિવિધ રાજ્યોની પ્રાદેશિક વાનગીઓ બનાવવાના લાઇવ કુકિંગ ડેમો યોજાઈ રહ્યા છે. તેના દ્વારા પ્રવાસીઓને (Gujarat tourism) વાનગીઓ બનાવવાની રીત જાણવાની સાથે ભારતની વિવિધ ખાદ્ય પરંપરાઓનો પરિચય મળી રહ્યો છે.
દરરોજ સાંજે લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો
![]()
મહોત્સવમાં દરરોજ સાંજે વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા લોકસંગીત, પરંપરાગત નૃત્યો અને લોકકળાની પ્રસ્તુતિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને દેશના અલગ-અલગ પ્રદેશોની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાઓનો અનુભવ મળી રહ્યો છે. આમ, હસ્તકલા, હેન્ડલૂમ, પ્રાદેશિક વાનગીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારત પર્વ દેશની વિવિધતામાં એકતાની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે.
![]()
9 નવેમ્બરે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લું રહેશે
ભારત પર્વ 2026 અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને 9 નવેમ્બર, 2026ના સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ દિવસે માત્ર વ્યૂઇંગ ગેલેરી બંધ રહેશે. પ્રવાસીઓ અને પરિવારોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત સાથે ભારત પર્વનો આનંદ માણવાની વધારાની તક મળશે. આ મહોત્સવ 15 નવેમ્બર સુધી ચાલશે.
![]()
![]()
આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા બનાવનાર મહાન શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન
આ પણ વાંચો: નર્મદાના રંગ સેતુ બ્રિજને લઈને ભાજપનાં ધારાસભ્યના સવાલો, ₹204 કરોડના નવા બ્રિજમાં પારદર્શિતાની માગ
આ પણ વાંચો: નર્મદા મુદ્દે મહત્વપૂર્ણ પ્રગતિ, દિલ્હીમાં RCNCAની 15મી બેઠક
