Ahmedabad News/ અમદાવાદમાં 15 વર્ષ જૂનાં વાહનો સામે તવાઈ! પ્રદૂષણ રોકવા AMC કમિશનરનો સીઝ કરવાનો આદેશ

Old Vehicles Seizure: અમદાવાદમાં પ્રદૂષણ નિયંત્રણ માટે 15 વર્ષ જૂનાં વાહનો સીઝ કરવા AMC કમિશનરે સૂચના આપી છે. બેઠકમાં 4,500 બસ સ્ટેન્ડ, 52 નવા શૌચાલય અને દબાણો દૂર કરવા અંગે પણ નિર્ણયો લેવાયા.

Top Stories Ahmedabad Gujarat
Old Vehicles Seizure: અમદાવાદમાં 15 વર્ષ જૂનાં વાહનો સીઝ કરવા AMC કમિશનરનો આદેશ

Ahmedabad News: અમદાવાદમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે મહાનગરપાલિકા (AMC) કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે યોજાયેલી રિવ્યુ બેઠકમાં શહેરના રસ્તાઓ પર ફરતાં 15 વર્ષથી જૂનાં વાહનો સીઝ (Old Vehicles Seizure) કરવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નિયમોનું પાલન કર્યા વિના ચાલતાં બાંધકામનાં સ્થળો સીલ કરવા અને રસ્તાઓ પરથી દબાણો દૂર કરવા સહિતના મુદ્દે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

Old Vehicles Seizure: 15 વર્ષ જૂનાં વાહનો સીઝ કરવા સૂચના

પ્રદૂષણ નિયંત્રણના મુદ્દે યોજાયેલી ચર્ચામાં RTO અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ અને રાયખડ વિસ્તારમાં નિયમોનું પાલન કર્યા વિના ચાલી રહેલાં બાંધકામનાં સ્થળોને સીલ કરવા કમિશનરે સૂચના આપી હતી. સાથે જ શહેરમાં ફરતાં 15 વર્ષથી જૂનાં વાહનો સીઝ કરવાની કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો હતો. પ્રદૂષણ રોકવા (Ahmedabad Pollution Control) માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન રાખીને કડક પગલાં ભરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

4,500 બસ સ્ટેન્ડ પર લાઇન દોરવાની કામગીરી ઝડપી બનાવો

શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે 4,500 બસ સ્ટેન્ડ પર લાઇન દોરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કમિશનરે તાકીદ કરી હતી. બસો નિર્ધારિત જગ્યાએ જ ઊભી રહે અને ટ્રાફિકને અડચણ ન થાય તે માટે યોગ્ય માર્કિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી.

દબાણો દૂર કરવામાં નિષ્ફળ અધિકારીઓને નોટિસની ચીમકી

શહેરમાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી અને શાકમાર્કેટની આસપાસનાં રસ્તાઓ પર થયેલાં દબાણો દૂર કરવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરીમાં નિષ્ફળ રહેનારા અધિકારીઓને શો-કોઝ નોટિસ આપવાની ચીમકી કમિશનરે આપી હતી. કામગીરીમાં બેદરકારી દાખવનારા અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

જાહેર શૌચાલયોની સ્થિતિ સુધારવા તાકીદ

બેઠકની શરૂઆત જાહેર શૌચાલયોના બ્લોક અંગેના પ્રેઝન્ટેશનથી થઈ હતી. પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં શૌચાલયોની જાળવણીમાં ખામીઓ સામે આવી હતી. ક્યાંક રંગકામ યોગ્ય રીતે થયું નહોતું તો ક્યાંક દરવાજા, બારીઓ, લાઇટ અને પાઇપલાઇનની સમસ્યાઓ હતી. આ મુદ્દે કમિશનરે અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

શહેરમાં 52 નવા શૌચાલય બ્લોક બનાવવાનું આયોજન છે, જેમાંથી 27 સ્થળોની ઓળખ કરવામાં આવી છે. આ સ્થળોએ કામગીરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. સ્માર્ટ ટોઇલેટની વાસ્તવિક સ્થિતિ જાણવા વિજિલન્સ ટીમ દ્વારા સર્વે કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

76 ટકા કચરાનું સેગ્રિગેશન, 2 હજારથી વધુ પુસ્તકોનું વિતરણ

ઘન કચરા વ્યવસ્થાપનની સમીક્ષા દરમિયાન શહેરમાં 76 ટકા કચરાનું સેગ્રિગેશન થતું હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. ડિજિટલાઇઝેશનની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

‘સંવેદના’ પ્રોજેક્ટ હેઠળ બલ્ક વેસ્ટ જનરેટ કરતી હાઉસિંગ સોસાયટીઓ અને મોલમાંથી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ એકત્રિત કરવા વાહનો મોકલવામાં આવશે. આ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાની યોજના છે.

આ ઉપરાંત પુસ્તક મેળામાં એકત્રિત થયેલાં 2,000થી વધુ પુસ્તકો મ્યુનિસિપલ સફાઈ કામદાર કલ્યાણ બોર્ડના સફાઈ કામદારોનાં બાળકોને આપવામાં આવશે. મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં નાની ઉંમરથી નાગરિક તરીકેની ફરજ અને સિવિક સેન્સ વિકસે તે માટે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ તાલીમ આપવાની સૂચના આપવામાં આવી હતી.


આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણનો કહેર, AQI 428 પર પહોંચ્યો; ગુજરાત સહિત 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

આ પણ વાંચો: રાજકોટમાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે ઓળખાણના નામે ઉઘરાણી, કંપનીના માલિક પાસેથી ₹1 લાખ પડાવ્યા

આ પણ વાંચો: સાબરમતીના પાણીમાં પ્રદૂષણનો ગંભીર મુદ્દો! આ જ પાણીથી ઉગાડાતાં શાકભાજી અમદાવાદના બજારોમાં પહોંચે છે?