New Delhi News : NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના આરોપોને લઈને દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar)પર છેલ્લા અનેક દિવસોથી વિરોધ પ્રદર્શન (NEET Protest) ચાલી રહ્યું છે. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે (Abhijit Dipke)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
વીડિયોમાં અભિજીત દીપકે પોલીસ અધિકારીઓ સમક્ષ હાથ જોડીને અને પગ પકડીને વિનંતી કરતા જોવા મળે છે. તેમણે જણાવ્યું કે ભારે વરસાદને કારણે ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે અને તેમને વરસાદથી બચાવવા માટે જંતર-મંતર પર તંબુ લગાવવાની મંજૂરી આપવામાં આવે.
અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર લખ્યું કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સતત વરસાદનો સામનો કરી રહ્યા છે. માનવતાના ધોરણે તેમને આશ્રય મળી રહે તે માટે પોલીસ પાસે તાત્કાલિક મંજૂરી માગવામાં આવી છે.
20 જૂનથી ચાલી રહ્યું છે નીટ વિરોધ (NEET Protest)પ્રદર્શન

કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 20 જૂનથી NEET સહિત વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સંગઠનની મુખ્ય માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો ભૂખ હડતાળ પર પણ બેઠા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
CJPની શરૂઆત કેવી રીતે થઈ?
કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત મે મહિનામાં થઈ હતી. એક ન્યાયિક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર આ સંગઠનની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ અભિજીત દીપકે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને પરીક્ષાઓમાં ગેરરીતિના વિરોધને મુખ્ય મુદ્દો બનાવી અભિયાન શરૂ કર્યું હતું.
પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઓનલાઈન અભિયાન પણ ચલાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ CJPને મોટી સંખ્યામાં અનુયાયીઓ મળ્યા હોવાનું સંગઠનનો દાવો છે.
અભિજીત દીપક કોણ છે?
અભિજીત દીપકે મહારાષ્ટ્રના સંભાજીનગરના રહેવાસી છે અને ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે ઓળખાય છે. તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યા બાદ હાલમાં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હોવાનું જણાવવામાં આવે છે.
