New Delhi News : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah)ની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘બોર્ડર ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ્સ ઓફ પોલીસ કોન્ફરન્સ-2026’ (Border District SP Conference)યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતની જમીન સરહદો સાથે જોડાયેલા લગભગ 119 જિલ્લાઓના પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો.

બેઠક દરમિયાન દેશની સરહદોની સુરક્ષા વધુ અસરકારક બનાવવા, સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આંતરરાજ્ય અને આંતર-એજન્સી સંકલન, ગુનાખોરી પર નિયંત્રણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અમિત શાહે (Amit Shah)સરહદી જિલ્લાઓના પોલીસ અધિકારીઓને આધુનિક ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાની સાથે ગુપ્તચર માહિતીના ઝડપી આદાન-પ્રદાન અને સંકલિત કામગીરી પર ભાર મૂક્યો હતો. તેમણે સરહદી વિસ્તારોમાં ઉભા થતા પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

બેઠકમાં સરહદી જિલ્લા (Border District)ઓમાં કાયદો-વ્યવસ્થા (Law and Order)જાળવવા, ગેરકાયદે ઘૂસણખોરી, દાણચોરી, નશીલા પદાર્થોની હેરાફેરી અને અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે દેશની સરહદો સુરક્ષિત રાખવામાં સરહદી જિલ્લાઓ (Border District)ના પોલીસ અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને કેન્દ્ર સરકાર તેમને જરૂરી તમામ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સરહદી જિલ્લાઓ વચ્ચે સંકલન વધારવાનો, સુરક્ષા પડકારોનું મૂલ્યાંકન કરવાનો અને ભવિષ્ય માટે વધુ અસરકારક સુરક્ષા વ્યૂહરચના તૈયાર કરવાનો હતો.
