National News : કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય નિવેદનબાજીનો દોર સતત તેજ બની રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ (Kiren Rijiju)એ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સાત મહત્વપૂર્ણ સલાહ આપી છે. રિજિજુનું કહેવું છે કે, જો રાહુલ ગાંધી આ સૂચનો પર અમલ કરે તો આગામી સમયમાં કોંગ્રેસની લોકસભાની બેઠકો (Congress Seats)ની સંખ્યામાં વધારો થઈ શકે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીને આ સલાહ આપી હતી.
રાહુલ ગાંધીને કિરેન રિજિજુની 7 સલાહ
કિરેન રિજિજુ (Kiren Rijiju)એ બુધવારે પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી પોસ્ટ કરીને રાહુલ ગાંધીને કોંગ્રેસની રાજકીય સ્થિતિ સુધારવા માટે સાત સૂચનો (Kiren Rijiju Advice)આપ્યાં હતાં. તેમણે રાહુલ ગાંધીને ભારતીય રાજકારણ, સંસદીય પરંપરા અને પક્ષની આંતરિક વ્યવસ્થાને લઈને કેટલીક બાબતોમાં ફેરફાર કરવાની સલાહ આપી હતી.
રિજિજુએ આપેલી સાત સલાહ નીચે મુજબ છે:
-
ભારતમાં વધુ સમય વિતાવો: વારંવાર વિદેશ પ્રવાસ કરવાને બદલે દેશમાં વધુ સમય આપો અને લોકો વચ્ચે રહો.
-
વડીલોનું સન્માન કરો: પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વડીલોનો આદર કરો તથા તેમના અનુભવમાંથી શીખો.
-
ભારત વિરોધી તત્ત્વોથી અંતર રાખો: ભારત વિરોધી વિચારધારા ધરાવતા લોકો સાથે મુલાકાત ટાળો અને તેમના એજન્ડાને પ્રોત્સાહન આપવાનું બંધ કરો.
-
રાજકીય વિરોધને દુશ્મનાવટ ન બનાવો: ભાજપ, RSS અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની નફરત છોડીને તેમને રાજકીય હરીફ તરીકે જુઓ.
-
સંસદની કામગીરીને ગંભીરતાથી લો: સંસદમાં વધુ સક્રિય રહો અને સાંસદોને ચર્ચામાં ભાગ લેવાની તક આપો.
-
બંધારણીય સંસ્થાઓનું સન્માન કરો: ભારતીય બંધારણમાં વિશ્વાસ રાખો અને બંધારણીય સંસ્થાઓને સમર્થન આપો.
-
વંશવાદી રાજનીતિનો અંત લાવો: કોંગ્રેસને લોકશાહી ઢબે ચાલતો પક્ષ બનાવો અને વંશવાદી રાજકારણથી દૂર રહો.
‘સમજદાર અને પરિપક્વ લોકો વચ્ચે ચર્ચા થાય છે’
રિજિજુએ પોતાની પોસ્ટમાં રાજકીય ચર્ચાના સ્તર અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉચ્ચ સ્તરની ચર્ચાઓ સમજદાર અને પરિપક્વ લોકો વચ્ચે થતી હોય છે. તેમના આ નિવેદનને રાહુલ ગાંધી (Rahul Gandhi)ની રાજકીય કાર્યશૈલી પરના કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત તેમણે સંસદને ચર્ચા અને સંવાદનું સ્થળ ગણાવ્યું હતું. તેમના મતે, લોકશાહી અને ચર્ચામાં વિશ્વાસ ન ધરાવતા લોકો હવે ચર્ચાની વાત કરી રહ્યા છે. તેમણે કેટલાક રાજકીય તત્ત્વો પર ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રધ્વજ અને બંધારણનો ઉપયોગ કરીને પોતાના વિચારો આગળ વધારવાનો આરોપ પણ લગાવ્યો હતો.
રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે કેમ વધી રહ્યો છે વિવાદ?
છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે સતત સવાલો ઉઠાવી રહ્યા છે. મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ તેમણે સરકારને ઘેરી છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર આપ્યો હતો.
આ પડકાર બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી (Rahul Gandhi)પર પ્રહારો શરૂ કર્યા છે. કિરેન રિજિજુ (Kiren Rijiju)એ પણ આ જ રાજકીય ખેંચતાણ વચ્ચે રાહુલ ગાંધીને સાત સલાહ આપીને કોંગ્રેસની રાજકીય રણનીતિ પર સવાલો ઉઠાવ્યા છે. હવે રિજિજુની આ ટિપ્પણીને લઈને કોંગ્રેસ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.
