Vadodara News: વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી હોન્ડા સિટી કારમાં આગ લાગ્યા બાદ જોરદાર બ્લાસ્ટ (Vadodara CNG Blast) થયો હતો. કારમાં રહેલી CNG બોટલ ફાટતાં વાહનના પતરાના ટુકડા હવામાં ફંગોળાઈને આશરે 200 મીટર દૂર સુધી પડ્યા હતા. આ ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. એક મહિલાના પગમાં કારનો પતરાનો ટુકડો ઘૂસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
Vadodara CNG Blast: કારમાં આગ લાગતાં વિસ્તારમાં દોડધામ
મળતી માહિતી મુજબ, 4 નવેમ્બરની મોડી રાત્રે નવાયાર્ડના રામવાડી વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ (Navayard Car Fire) લાગી હતી. આગ ફેલાતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ કારમાં રહેલી CNG બોટલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.
ધડાકાની તીવ્રતા એટલી હતી કે કારના પતરાના ટુકડા આસપાસના વિસ્તારમાં દૂર સુધી ફંગોળાયા હતા. કેટલાક ટુકડા આશરે 200 મીટર દૂર સુધી જઈને પડ્યા (Car Fire Accident) હતા.
પાંચ લોકોને ઈજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
બ્લાસ્ટને કારણે દીપિકાબેન મકવાણા, ઉષાબેન મકવાણા, નગીનભાઈ પરમાર, સવિતાબેન વાઘેલા અને વીણાબેન પરમાર સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી. એક મહિલાના પગમાં કારનો પતરાનો ટુકડો ઘૂસી ગયો હતો, જ્યારે અન્ય લોકોને પણ ઈજાઓ થઈ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
15 દિવસ પહેલાં જ કારમાં ગેસ કિટ લગાવી હોવાનો દાવો
ઈજાગ્રસ્ત દીપિકાબેનના ભાઈ નયન મકવાણાના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ (CNG Cylinder Explosion) સમયે તેઓ પોતાની કાર હટાવવા બહાર આવ્યા હતા. એ જ સમયે જોરદાર ધડાકો થયો અને કારનો એક ભાગ તેમની બહેનના પગમાં વાગ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, આગ લાગેલી હોન્ડા સિટી કાર પ્રિતેશ મકવાણાની હતી. કારમાં આશરે 15 દિવસ પહેલાં જ ગેસ કિટ લગાવવામાં આવી હોવાનું તેમને જાણવા મળ્યું હતું. જોકે, ગેસ કિટનું ફિટિંગ કંપનીમાં કરાવ્યું હતું કે બહારથી, તેની તેમને જાણ નથી. તેમણે પોતાની માતા અને બહેનની સારવારનો ખર્ચ કારમાલિકે આપવાની માગ કરી છે.
ગલ્લો અને સામાન પણ આગની ઝપેટમાં
બ્લાસ્ટને કારણે નજીકમાં આવેલી એક દુકાનના ગલ્લાને પણ આગ લાગી હતી. તેમાં રાખેલી ત્રણ સાયકલ, ખુરશીઓ અને બાળકો માટેની ચોકલેટ સહિતનો સામાન બળીને ખાખ થયો હતો. ગલ્લો એક દિવ્યાંગ વ્યક્તિનો હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ કયા કારણોસર લાગી અને બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: બેંગલુરુમાં ઘરના ઉંબરા પાસે સિલિન્ડર મૂકતાં જ બ્લાસ્ટ! CCTVમાં કેદ થઈ આખી ઘટના, ડિલિવરી કર્મચારીનો આબાદ બચાવ
આ પણ વાંચો: રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર જોરદાર ધડાકો! ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા
આ પણ વાંચો: સુરતના મોટા વરાછામાં ઈ-વ્હિકલમાં બ્લાસ્ટ બાદ આગ, 4 કાર અને 3 બાઈક બળીને ખાખ
