Surat News/ સુરતનું એક્વેરિયમ ક્યારે ખુલશે? અઢી વર્ષથી તાળાં, જાળવણી પાછળ કરોડોનો ખર્ચ

સુરતના પાલ વિસ્તારમાં આવેલું સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ (Surat Aquarium) અઢી વર્ષથી બંધ છે. માછલીઓની જાળવણી પાછળ દર વર્ષે ₹1.06 કરોડનો ખર્ચ થાય છે, જ્યારે પ્રવેશ ફીની આવક બંધ થઈ ગઈ છે.

Gujarat Top Stories Surat Breaking News
Surat Aquarium: ₹17 કરોડનું એક્વેરિયમ અઢી વર્ષથી બંધ

Surat News: સુરતના પાલ વિસ્તારમાં આવેલું સુભાષચંદ્ર બોઝ (Subhash Chandra Bose) એક્વેરિયમ (Surat Aquarium) છેલ્લા અઢી વર્ષથી જાહેર જનતા માટે બંધ છે. આશરે રૂ.17 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ એક્વેરિયમમાં આજે પણ દુર્લભ માછલીઓ અને અન્ય જળચર જીવોની માવજત કરવામાં આવી રહી છે, પરંતુ મુલાકાતીઓને અંદર પ્રવેશવાની મંજૂરી નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે એક્વેરિયમ બંધ હોવા છતાં માછલીઓ અને તેની સિસ્ટમની જાળવણી માટે મુંબઈની ખાનગી એજન્સીને દર વર્ષે રૂ.1.06 કરોડ ચૂકવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, એક્વેરિયમ બંધ થતાં સુરત મહાનગરપાલિકાની પ્રવેશ ફીથી થતી આવક પણ અટકી ગઈ છે.

Surat Aquarium: સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બાદ એક્વેરિયમ બંધ કરાયું

આ એક્વેરિયમનું લોકાર્પણ વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે, ઇમારતની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસ દરમિયાન પિલર અને કોલમ નબળા હોવાની બાબત સામે આવી હતી. ઇમારતની સલામતી અંગે ચિંતા ઊભી થતાં અને મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 28 માર્ચ, 2025થી એક્વેરિયમ જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

એક્વેરિયમ બંધ (Aquarium Closed) થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઇમારતનું સમારકામ કરવું કે નવેસરથી બાંધકામ કરવું તે અંગે અંતિમ નિર્ણય થયો નથી. પરિણામે અંદર માછલીઓની માવજત ચાલુ છે, પરંતુ સામાન્ય લોકો આ જળચર જીવોને નિહાળી શકતા નથી.

માછલીઓ જીવંત હોવાથી જાળવણી જરૂરી: ચીફ ક્યુરેટર

એક્વેરિયમના ચીફ ક્યુરેટર રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટને કારણે 28 માર્ચ, 2025થી એક્વેરિયમ લોકો માટે બંધ છે. અગાઉ પ્રવેશ ફીથી નિયમિત આવક થતી હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અંદર રહેલી માછલીઓ જીવંત હોવાથી તેમની યોગ્ય માવજત કરવી જરૂરી છે. આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા મુંબઈની ખાનગી એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે, જેના માટે વાર્ષિક રૂ.1.06 કરોડનો ખર્ચ થાય છે. એક્વેરિયમનો સ્ટાફ પણ દરરોજ હાજર રહીને માછલીઓ અને અન્ય વ્યવસ્થાની દેખરેખ રાખે છે.

દર વર્ષે રૂ.1.75થી રૂ.2 કરોડની આવક થતી હતી

એક્વેરિયમ કાર્યરત હતું ત્યારે સુરત મહાનગરપાલિકાને (Surat Municipal Corporation) પ્રવેશ ફી દ્વારા દર વર્ષે આશરે રૂ.1.75 કરોડથી રૂ.2 કરોડની આવક થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસો અને વીકએન્ડમાં દરરોજ 700થી 1,000 જેટલા મુલાકાતીઓ આવતા હતા. દિવાળી અને ઉનાળાના વેકેશન દરમિયાન 20થી 25 દિવસમાં જ આશરે રૂ.20થી રૂ.25 લાખની આવક થતી હતી.

હવે એક્વેરિયમ બંધ હોવાથી આ આવકનો સ્ત્રોત અટકી ગયો છે. દિવાળી અને ઉનાળાનાં વેકેશન દરમિયાન બાળકો અને પરિવારો એક્વેરિયમની મુલાકાતે પહોંચે છે, પરંતુ પ્રવેશ બંધ હોવાથી તેમને નિરાશ થઈને પાછા ફરવું પડે છે.

એક્વેરિયમ ક્યારે ફરી શરૂ થશે તે અંગે સ્પષ્ટતા નથી

રૂ.17 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સુવિધા અઢી વર્ષથી બંધ હોવાથી તેના સમારકામ અને પુનઃશરૂઆત અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ મહાનગરપાલિકાને પ્રવેશ ફીની આવક ગુમાવવી પડી રહી છે, તો બીજી તરફ એક્વેરિયમની જાળવણી પાછળ દર વર્ષે રૂ.1.06 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા ઇમારતના સમારકામ કે નવેસરથી બાંધકામ અંગે ઝડપથી નિર્ણય લેવામાં આવે અને એક્વેરિયમ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.


આ પણ વાંચો: લો બોલો.. પાંચ વર્ષમાં જ પુલ તોડવાની નોબત આવી, સુરતના માંગરોળમાં પૂલે ખોલી “વિકાસ”ની પોલ?

આ પણ વાંચો: TP સ્કીમોને મંજૂરી,અમદાવાદ-રાજકોટ-સુરતને વિકાસની ભેટ

આ પણ વાંચો: ઐતિહાસિક વિરાસત અને આધુનિક વિકાસનો સંગમ: 16મી સદીનું અગ્રણી વેપારી મથક અને સમૃદ્ધ બંદર સુરત બન્યું ‘સિલ્ક સિટી’…