Nal Sarovar News: નળ સરોવરની આસપાસના ગામોમાં હવે પ્લાસ્ટિકનો કચરો માત્ર પર્યાવરણ માટેની સમસ્યા નહીં, પરંતુ ગ્રામજનો માટે આવકનું સાધન પણ બની રહ્યો છે. પ્લાસ્ટિક એકત્રિત કરીને આપનારને પ્રતિ કિલો ₹80 ચૂકવવાની યોજના શરૂ કરવામાં આવી છે. જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA)ના સહયોગથી વન વિભાગે આ પાયલોટ પ્રોજેક્ટ (Nal Sarovar Plastic Project) હાથ ધર્યો છે. અત્યાર સુધીમાં આશરે 900 કિલો પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું છે. આ જથ્થા પ્રમાણે ગ્રામજનોને કુલ ₹72 હજાર ચૂકવવાના થાય છે.
આ પહેલનો મુખ્ય હેતુ નળ સરોવર જેવા મહત્વના વેટલેન્ડ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો પહોંચતો અટકાવવાનો છે. સાથે જ આસપાસનાં ગામોમાં કચરાના વ્યવસ્થાપન માટે વ્યવસ્થા ઊભી કરવી અને સ્થાનિક લોકોને આજીવિકાની તક પૂરી પાડવાનો પણ પ્રયાસ છે. પહેલાં જે પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો અને નાનાં પાઉચ રસ્તા પર કે ખુલ્લી જગ્યામાં ફેંકાઈ જતાં હતાં, તે હવે એકત્રિત કરીને પ્રોસેસિંગ સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે.
કાયલા ગામમાં બનાવાયું પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર
આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાયલા ગામ (Kayla Village)માં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન (Plastic Waste Collection) સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અહીં પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવા અને તેની પ્રાથમિક પ્રક્રિયા કરવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
કલેક્શન સેન્ટરમાં શેડ, પ્રોસેસિંગ યુનિટ, કમ્પાઉન્ડ વોલ, સિક્યોરિટી કેબિન, પાણી અને વીજળીની સુવિધા, પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ મશીન, સુરક્ષા સાધનો અને કચરો એકત્રિત કરવા માટેનાં બિન મૂકવામાં આવ્યાં છે. એકત્રિત થયેલો કચરો અહીં લાવવામાં આવે છે, જ્યાં તેને અલગ પાડીને આગળની પ્રક્રિયા માટે તૈયાર કરવામાં આવે છે.
પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં અમદાવાદ જિલ્લાના વેકરિયા, કાયલા, શાહપુર, ધારજી અને મેણી સહિતનાં ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી અને રાણાગઢ ગામોને પણ આવરી લેવામાં આવ્યાં છે. વન વિભાગના જણાવ્યા મુજબ, નળ સરોવરની આસપાસના વિસ્તારનાં આશરે 19 ગામોમાં પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગામોમાં 300 મોટાં અને ઘરે-ઘરે 1,200 ડસ્ટબિન
ગામડાંઓમાં પ્લાસ્ટિકનો કચરો રસ્તા પર કે ખુલ્લી જગ્યાએ ન ફેંકાય તે માટે વન વિભાગે કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા ઊભી કરી છે. દરેક ગામમાં મોટા કદનાં આશરે 300 ડસ્ટબિન મૂકવામાં આવ્યાં છે. જ્યારે ગ્રામજનોને ઘરે-ઘરે ઉપયોગ માટે અંદાજે 1,200 નાના ડસ્ટબિન આપવામાં આવ્યા છે.
પ્લાસ્ટિક એકત્રિત કરવાની બે વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રથમ વ્યવસ્થા મુજબ ગ્રામજનો પોતે પ્લાસ્ટિકનો કચરો કલેક્શન સેન્ટર સુધી પહોંચાડી શકે છે. બીજી વ્યવસ્થામાં વન વિભાગનું વાહન ગામોમાંથી પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરે છે. ત્યારબાદ આ કચરો કાયલા ગામના પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચાડવામાં આવે છે.
આ સમગ્ર કામગીરીમાં સ્થાનિક સ્વ-સહાય જૂથોને પણ જોડવામાં આવ્યાં છે. તેમને જરૂરી તાલીમ આપવામાં આવી છે અને પ્લાસ્ટિક કચરાના સંગ્રહ તથા પ્રોસેસિંગ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ રીતે ગામના લોકોને પર્યાવરણની જાળવણી સાથે આવક મેળવવાની તક પણ મળી રહી છે.
એક કિલો પ્લાસ્ટિકના ₹80, અત્યાર સુધી 900 કિલોનો સંગ્રહ
આ યોજનાની ખાસ વાત એ છે કે એકત્રિત કરવામાં આવતા દરેક કિલો પ્લાસ્ટિકના બદલામાં ₹80 ચૂકવવાની જોગવાઈ છે. અત્યાર સુધીમાં આશરે 900 કિલો પ્લાસ્ટિક એકત્રિત થયું છે. આ હિસાબે કુલ ₹72 હજારની રકમ થાય છે.
જોકે, આ પ્રોજેક્ટ હજુ પ્રાયોગિક તબક્કામાં છે. વન વિભાગનો હેતુ માત્ર પ્લાસ્ટિક એકત્રિત કરવાનો નથી, પરંતુ તેને યોગ્ય રીતે પ્રોસેસ કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા સ્તર સુધી પહોંચાડવાનો છે. પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ (Plastic Recycling) કરતી સંસ્થાઓ સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે, જેથી એકત્રિત થયેલો કચરો આગળની પ્રક્રિયા માટે મોકલી શકાય.
વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડૉ. જયપાલસિંહના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ એક મુખ્ય કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આસપાસનાં ગામોના લોકો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને અહીં પહોંચાડશે. ત્યારબાદ રિસાયક્લિંગ કરતી સંસ્થાઓ તેને આગળ લઈ જશે. આ પ્લાસ્ટિકનો ઉપયોગ PET સહિતની રિસાયક્લિંગ પ્રક્રિયા અથવા રસ્તાના નિર્માણમાં થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે JICAનો પ્રોજેક્ટ ઘણો મોટો છે અને ઘન કચરાનું વ્યવસ્થાપન તેનો એક નાનો ભાગ છે. આ પ્રોજેક્ટ હેઠળ અલગ-અલગ વિસ્તારોમાં સ્થાનિક જરૂરિયાત પ્રમાણે આજીવિકા વધારવાના કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે. ક્યાંક સ્વ-સહાય જૂથો વસ્તુઓનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરે છે, તો ક્યાંક લોકો વન્યજીવ સંરક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓમાં સહયોગ આપે છે.

પ્લાસ્ટિક વેટલેન્ડમાં પહોંચે તે પહેલાં જ એકત્રિત કરવાનો પ્રયાસ
નાયબ વન સંરક્ષક ડૉ. ચંદ્રેશકુમાર શાનદ્રેના જણાવ્યા મુજબ, નળ સરોવરમાં પ્રવાસીઓ માટે પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. જોકે, સરોવરની આસપાસ અનેક ગામો આવેલાં હોવાથી ત્યાં રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થવો સ્વાભાવિક છે. આ પ્લાસ્ટિકનો કચરો ખુલ્લામાં રહે તો પવન સાથે ઊડીને અથવા વરસાદી પાણીના પ્રવાહમાં વહીને વેટલેન્ડ સુધી પહોંચી શકે છે.
તેમણે સમજાવ્યું કે પ્લાસ્ટિકની પાતળી થેલીઓ હલકી હોવાથી ડસ્ટબિનમાં નાખ્યા પછી પણ પવનમાં ઊડી જવાની શક્યતા રહે છે. ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહ સાથે પણ તે સરોવરમાં પહોંચી શકે છે. તેથી પ્લાસ્ટિક વેટલેન્ડમાં પ્રવેશે તે પહેલાં જ તેને એકત્રિત કરવું અને જો કચરો ત્યાં પહોંચે તો ઝડપથી દૂર કરવો જરૂરી છે.
આ માટે વન વિભાગે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું છે, જેનું સંચાલન સ્વ-સહાય જૂથો કરે છે. એકત્રિત થયેલા પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલના પ્રોજેક્ટમાં આ પ્લાસ્ટિકમાંથી કોઈ અંતિમ ઉત્પાદન બનાવવાની યોજના નથી.
હાઇકોર્ટના નિર્દેશ બાદ વન વિભાગે શરૂ કરી પહેલ
નળ સરોવર અને વેટલેન્ડ સંબંધિત એક જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં ચાલી રહી છે. આ મામલે સેન્ચ્યુરી વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ઓછામાં ઓછો પહોંચે તે માટે પગલાં લેવા અંગે હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ વન વિભાગે આસપાસનાં ગામોમાંથી પ્લાસ્ટિક એકત્રિત કરીને તેનું વ્યવસ્થાપન કરવાની દિશામાં વિચારણા કરી અને આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો.
વન વિભાગના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં ગામોની જરૂરિયાતો અને સ્થાનિક લોકોની સમસ્યાઓ સમજવા માટે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોની માગ અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ વિસ્તારની બહાર આવા જ પ્રોજેક્ટનો અમલ કરવાની કોઈ યોજના ન હોવાનું પણ જણાવાયું છે.

નળ સરોવરમાં પ્રવાસીઓ માટે પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ
નળ સરોવરની અંદર પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. પ્રવાસીઓને પ્રવેશદ્વાર પર ટિકિટ લેતી વખતે જ પ્લાસ્ટિકની બોટલ સહિતની વસ્તુઓ વાહનમાં જ રાખવા માટે સૂચના આપવામાં આવે છે. પ્રવાસીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પ્લાસ્ટિકની બોટલના બદલે કાચ અથવા સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવાની પણ યોજના છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. બહારથી નાસ્તાનાં પેકેટ કે અન્ય પ્લાસ્ટિકનાં પેકેટ અંદર લઈ જવાની મનાઈ રહેશે.
વન વિભાગે પ્રવાસીઓને પણ જાહેર સ્થળો, ખાસ કરીને વેટલેન્ડ, સેન્ચ્યુરી અને નેશનલ પાર્કની મુલાકાત દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અપીલ કરી છે. જરૂર પડે તો કાપડની થેલી અને સ્ટીલ કે કાચની બોટલ સાથે રાખવા સૂચવ્યું છે.
નળ સરોવરની કુદરતી સુંદરતા અને જૈવવિવિધતાને જાળવવા માટે આસપાસનાં ગામોના લોકોની ભાગીદારી મહત્વની છે. પ્લાસ્ટિકના કચરાને આવકના સાધનમાં ફેરવવાની આ પહેલથી એક તરફ ગામડાંઓમાં રોજગારીની તક ઊભી થઈ રહી છે, તો બીજી તરફ સરોવરને પ્રદૂષણથી બચાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પર મનપાની તવાઈ: 48 કલાકમાં 2.8 ટન જથ્થો જપ્ત, વેપારીઓ પાસેથી દંડ વસૂલાયો
આ પણ વાંચો: જૂની પ્લાસ્ટિકની બોટલોથી સજાવો બાલ્કની…બનાવો રંગ-બેરંગી સજાવટી ફૂલ…
આ પણ વાંચો: તહેવારો પહેલા વડોદરા નજીક ટેમ્પોમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલો દારૂ કબજે
